રાજકોટ
News of Tuesday, 25th January 2022

એ.જી.ચોકમાં રાત્રે બઘડાટીઃ પંજાબી જમ્યા બાદ પૈસા ન આપી અમન નેપાળી અને મિત્ર જયદેવ પર હુમલો

એમજી હોસ્ટેલ તરફ રહેતાં પ્રકાશ મહિડા, દિપક સહિતનાએ છરી, ધોકા, ખુરશીથી ફટકાર્યાઃ બંને મિત્ર હોસ્પિટલના બિછાનેઃ તાલુકા પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી

રાજકોટ તા. ૨૫: શહેરના એજી ચોકમાં હોકર્સ ઝોનમાં રાત્રે બે ત્રણ શખ્સોએ મહાદેવ પંજાબી નામના સ્ટોલ પર પંજાબી જમ્યા બાદ પૈસા ન ચુકવી અહિ કામ કરતાં નેપાળી યુવાન અને તેના મિત્ર પર છરી, ધોકા, ખુરશીથી હુમલો કરી ધમાલ મચાવતાં દેકારો મચી ગયો હતો. પોલીસ આવતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. હુમલામાં ઘાયલ થયેલા બંને મિત્રને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તાલુકા પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્યા મુજબ આકાશવાણી ચોકમાં રહેતો અમન મનોજભાઇ ઠાકુર (નેપાળી) (ઉ.વ.૧૭) રાતે દસેક વાગ્યે એ. જી. ચોક હોકર્સ ઝોનમાં પોતાના મહાદેવ પંજાબી ફાસ્ટફૂડ નામના સ્ટોલ પર હતો ત્યારે પ્રકાશ મહિડા, દિપક સહિતના શખ્સોએ આવી પંજાબી ખાણુ ખાધુ હતું. જમી લીધા બાદ આ શખ્સો પૈસા આપ્યા વગર ચાલતા થઇ જતાં અમને પૈસ માંગતા બધાએ ગાળો દઇ ધમાલ શરૂ કરી હતી. અમને પોતાના મિત્ર જયદેવ રમેશભાઇ રામાવત (ઉ.૨૧-રહે. ભગતસિંહજી ગાર્ડન પાછળ)ને ફોન કરીને બોલાવતાં જયદેવ નજીકમાં જ હોઇ તુરત પહોંચી ગયો હતો.

તેણે માથાકુટ કરી રહેલા શખ્સોને સમજવવાનો પ્રયાસ કરી જમ્યા હોઇ તેના પૈસા ચુકવી દેવાનું કહેતાં એ શખ્સોએ જયદેવ સાથે પણ ઝઘડો કરી ગાળો ભાંડી હતી. તેણે ગાળો બોલવાની ના પાડતાં છરી, ધોકાથી અને ખુરશીથી હુમલો કરાયો હતો. જેમાં અમનને માથામાં અને જયદેવને શરીરે ઇજાઓ થઇ હતી. દેકારો મચી જતાં લોકો ભેગા થઇ ગયા હતાં. કોઇએ જાણ કરતાં પોલીસ પણ આવી જતાં હુમલાખોરો ભાગી ગઇ હતી. ઘાયલ જયદેવ અને અમન સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં તાલુકા પોલીસે જયદેવની ફરિયાદ પરથી પ્રકાશ મહિડા અને દિપક સામે ગુનો નોંધ્યો હતો. ઘાયલોના કહેવા મુજબ હુમલાખોરો એમ.જી. હોસ્ટેલ બાજુથી આવ્યા હતાં. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

(2:48 pm IST)