રાજકોટ
News of Tuesday, 25th January 2022

પત્નીના ભેદી મોત બાદ ગૂમ પતિએ તળાવમાં પડી જીવ દીધો

દૂધ સાગર રોડ અમરનગરની શિતલ ૧૩મીએ માલવીયા ચોકની લાયબ્રેરીએ વાંચન માટે ગયા બાદ ગૂમ થયા પછી શાપર પાસેથી એસિડ પીધેલી હાલતમાં મળી હતી અને સારવારમાં મોત થયુ હતું: તેની તપાસ હજુ ચાલુ હતી ત્યાં પતિ શનિવારે ઘરેથી નીકળી ગયો'તો : મહેશ ચનીયારાનો આજે સવારે રાંદરડા તળાવમાંથી મૃતદેહ મળ્યોઃ પત્નિના વિયોગમાં આપઘાત કર્યાનું તારણઃ કોળી પરિવારે અઠવાડીયામાં વહૂ-દિકરો બંને ગુમાવતાં ગમગીની : મહેશ ગયા શુક્રવારે પત્નિની અંતિમવિધી પુરી કરી બીજા દિવસે સવારે ઘરેથી નીકળી ગયો હતોઃ થોરાળા પોલીસે તેને શોધવા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે રાંદરડા તળાવ નજીક હોટેલ પાસે દેખાયો હતો

રહસ્યમય રીતે મોતને ભેટેલી શિતલ ચનીયારાનો ફાઇલ ફોટો : પત્નિના મોત પછી ગૂમ થયેલા મહેશની રાંદરડા તળાવમાંથી લાશ મળી હતી

રાજકોટ તા. ૨૫: દૂધસાગર રોડ પર અમરનગરમાં રહેતી અને સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતી કોળી પરિવારની પરિણીતા શિતલ મહેશ ચનીયારા (ઉ.વ.૨૪) ગત તા. ૧૩ના ઘરેથી માલવીયા ચોકની લાયબ્રેરીમાં વાંચન માટે નીકળ્યા બાદ ગૂમ થઇ હતી અને બાદમાં શાપર વેરાવળનજીકથી બેભાન મળી હતી. સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. પોસ્ટ મોર્ટમ થતાં એસિડથી મોત થયાનું ખુલ્યું હતું. પરિવારજનોએ લૂંટના ઇરાદે કોઇએ એસિડ પાઇ હત્યા કર્યાનો આક્ષેપ કર્યો હતો. આ બનાવની શાપર પોલીસ તપાસ કરી રહી હતી ત્યાં ગયા શનિવારે સવારે શિતલનો પતિ મહેશ લક્ષમણભાઇ ચનીયારા (ઉ.વ.૨૫) પણ ઘરેથી નીકળ્યા બાદ ગાયબ થઇ ગયો હતો. આજે તેની લાશ રાંદરડા તળાવમાંથી મળી આવતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. એક જ અઠવાડીયામાં વહુ અને દિકરો ગુમાવનારા પરિવાર પર વજ્રઘાત થયો છે.

વિગતો એવી છે કે દૂધસાગર રોડ પરના હાઉસીંગ બોર્ડ પાસેના અમરનગરમાં રહેતી પરિણીતા શિતલ અને તેનો પતિ મહેશ ચનિયારા બંને સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતાં હતાં. આ માટે પુસ્તકો વાંચવા શિતલ દરરોજ પોતાના ઘરેથી બસ મારફત માલવીયા ચોકમાં આવેલી લાયબ્રેરીમાં આવ જા કરતી હતી. ૧૩/૧ના રોજ પણ તે નિત્યક્રમ મુજબ ઘરેથી લાયબ્રેરી જવા નીકળી હતી. પરંતુ મોડી સાંજ સુધી તે ઘરે પરત ન ફરતાં અને તેનો ફોન પણ બંધ આવતો હોઇ આકુળ વ્યાકુળ પરિવારજનોએ તેની શોધખોળ બાદ થોરાળા પોલીસમાં ગૂમ થયાની નોંધ કરાવી હતી. બીજી તરફ ૧૩મીએ રાતે જ શિતલ બેભાન જેવી હાલતમાં શાપર પાસેથી મળી હતી. જે તે વખતે તે બોલી શકતી ન હોઇ અજાણી યુવતિ તરીકે સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી.

એ પછી તેની ઓળખ થતાં પરિવારજનો શિતલને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતાં. જો કે સારવાર દરમિયાન ૧૭મીએ શિતલનું મોત નિપજ્યું હતું. પોસ્ટ મોર્ટમ થતાં તેનું મોત એસિડથી થયાનું ખુલ્યું હતું. જે તે વખતે પરિવારજનોએ અને કોળી સમાજે આક્ષેપ કર્યો હતો કે શિતલને લૂંટના ઇરાદે કોઇએ એસિડ પાઇ તેનો મોબાઇલ, પર્સ પડાવી લઇ હત્યા કરી છે. શાપર પોલીસે આ આક્ષેપોને આધારે તપાસ પણ શરૂ કરી હતી. જેમાં શિતલ પગપાળા જતી સીસીટીવીમાં દેખાઇ હતી. એ પછી તેણી જ્યાંથી મળી ત્યાં શું બન્યું તેની વિગતો બહાર આવી નહોતી.

પત્નિ શિતલના મોત પછી આઘાતમાં ગરક થઇ ગયેલા પતિ મહેશ ચનીયારાએ પરિવારજનો સાથે મળી શુક્રવારે પત્નિની અંતિમવિધી પુરી કરી હતી. એ પછી બીજા દિવસે એટલે કે ગયા શનિવારે વહેલી સવારે મહેશ પણ ઘરેથી નીકળી ગયા બાદ ગાયબ થઇ ગયો હતો. પરિવારજનોએ મહેશ ગૂમ થયાની જાણ થોરાળા પોલીસને કરતાં પીએસઆઇ એચ. બી. વડાવીયા અને સ્ટાફે તપાસ શરૂ કરી હતી. અલગ અલગ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતાં. જેમાં રાંદરડા તળાવ નજીકની હોટેલના કેમેરામાં મહેશ જોવા મળતાં પોલીસે ત્યાં લોકોની પુછતાછ કરી ફોટો બતાવી શોધખોળ યથાવત રાખી હતી. પરંતુ મહેશનો પત્તો મળ્યો નહોતો.

દરમિયાન આજે સવારે રાંદરડા તળાવમાંથી એક યુવાનની લાશ મળતાં ફાયર બ્રિગેડના બેડીપરા ડિવીઝનના શાહરૂખખાન, અરવિંદભાઇ, અરબાઝખાન, આશિષભાઇ સીહતે પહોંચી મૃતદેહ બહાર કાઢી આજીડેમ પોલીસને જાણ કરતાં પીએસઆઇ આર. વી. કડછા તથા એએસઆઇ કે. વી. ગામેતી સહિતે પહોંચી તપાસ કરતાં થોરાળામાં યુવાન ગૂમની નોંધ હોઇ તે અંગે ખરાઇ કરતાં આ મૃતદેહ અમરનગરના ગૂમ થયેલા મહેશ લક્ષમણભાઇ ચનીયારાનો જ હોવાનું સ્પષ્ટ થતાં તેના પરિવારજનોને જાણ કરતાં તેઓ ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા હતાં.

મહેશે પત્નિના વિયોગમાં આપઘાત કરી લીધાનું તારણ નીકળ્યું હતું. મહેશ પાંચ ભાઇમાં મોટો હતો. તે જીપીએસની પરિક્ષાની તૈયારી કરવા ઉપરાંત છુટક કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો. પહેલા પુત્રવધૂ અને હવે દિકરો એક અઠવાડીયામાં બબ્બે સ્વજન ગૂમાવી બેસતાં ચનીયારા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

(1:28 pm IST)