રાજકોટ
News of Tuesday, 25th January 2022

માધાપર પાસે એપાર્ટમેન્ટમાં ગીર સોમનાથની નર્સનું બાથરૂમમાં શંકાસ્પદ હાલતમાં મોત

૨૬ વર્ષિય અલ્પા નહાવા ગયા પછી લાંબો સમય સુધી દરવાજો ન ખોલતાં રૂમ પાર્ટનર અને લેડી વોર્ડને મળી દરવાજો તોડતાં બેભાન મળીઃ ખાલી ઇન્જેકશન મળ્યું: જો કે શરીર પર કોઇ નિશાન નથીઃ મોતનું કારણ જાણવા વિસેરા લેવાયા : સાથળ પર ચાંભા જેવા નિશાન શાના? તે અંગે પણ તપાસ

રાજકોટ તા. ૨૫: શહેરની માધાપર ચોકડી પાસે આવેલા વરૂણ એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતી અને સિનર્જી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી ગીર સોમનાથની અલ્પાબેન ભુપતભાઇ જનકાત (ઉ.વ.૨૬) નામની નર્સનું પોતે જ્યાં રહે છે એ ફલેટના બાથરૂમમાં બેભાન થઇ ગયા બાદ મોત નિપજતાં ચર્ચા જાગી છે. રૂમમાંથી એક ખાલી ઇન્જેકશન પણ મળ્યું હતું. મોતનું કારણ જાણવા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પરંતુ કોઝ ઓફ ડેથ પેન્ડીંગ રખાયું છે અને વિસેરા લેવામાં આવ્યા છે. શંકાસ્પદ મૃત્યુ અંગે પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.

જાણવા મળ્યા મુજબ માધાપર ચોકડીએ હોસ્પિટલ દ્વારા નર્સને રહેવા માટે ભાડે રખાયેલા ફલેટમાં બીજા માળે બીજી બે રૂમ પાર્ટનર સાથે રહેતી અને નર્સ તરીકે ફરજ બજાવતી અલ્પાબેન ભુપતભાઇ જનકાત ગઇકાલે નોકરી પરથી આવ્યા બાદ નહાવા ગઇ હતી. લાંબો સમય સુધી તે બહાર ન આવતાં અને દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલાતાં રૂમ પાર્ટનરે અન્ય માળ પર રહેતાં લેડી વોર્ડનને બોલાવી દરવાજો તોાડવીને જોતાં અલ્પાબેન બાથરૂમમાંથી બેભાન મળી આવતાં હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ તેનું મૃત્યુ નિપજ્યું હતું.

જાણ થતાં ગાંધીગ્રામના પીએસઆઇ એચ. વી. સોમૈયા સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર અલ્પાબેન મુળ ગીર સોમનાથની વતની હતી. તેના એક ભાઇ મવડી તરફ રહે છે અને નોકરી કરે છે. પોલીસના કહેવા મુજબ અલ્પાબેનના રૂમમાંથી એક ખાલી ઇન્જેકશન પણ મળ્યું હતું. જો કે શરીર પર ઇન્જેકશન લીધાના નિશાન મળ્યા નથી. અલ્પાબેનના બંને સાથળ પર ચાંભા પડી ગયા હોઇ તેવા ચકામા-નિશાન જોવા મળ્યા હોઇ આ નિશાન શાના હોઇ શકે? તે અંગે પણ પોલીસે તપાસ યથાવત રાખી છે.

હાલ પોલીસે મૃત્યુ પામનારના ભાઇ તેમજ રૂમ પાર્ટનર અન્ય નર્સ બહેનોના નિવેદનો નોંધ્યા છે. જેમાં અલ્પાબેનને કોઇ તકલીફ હોવાનું સામે આવ્યું નથી. શંકાસ્પદ મૃત્યુ અંગે પોલીસે તપાસ યથાવત રાખી છે. પોસ્ટમોર્ટમ બાદ વિસેરા લેવાયા હોઇ મોતનું કારણ જાણવા વિસેરા રિપોર્ટની અમુક દિવસો રાહ જોવી પડશે.

(11:40 am IST)