રાજકોટ
News of Tuesday, 25th January 2022

ઉર્મિલા પતિથી રિસાઇને લીમખેડાથી બસમાં બેસી ગઇ, ગોંડલ પહોંચી ત્‍યાંથી રાજકોટ હોસ્‍પિટલમાં દાખલ થઇ

બીજીસ્ત્રી સાથે લફરૂ હોઇ વાંધો ઉઠાવતાં પતિએ સળગતા ચુલા પર પછાડી

રાજકોટ તા. ૨૫: એક વિચીત્ર ઘટનામાં દાહોદના લીમખેડાના કુણદા ગામની પરિણીતા પતિ સાથે ઝઘડો થતાં રિસાઇને લીમખેડાથી બસમાં બેસી ગયા બાદ ઉંઘી જતાં છેક રાજકોટ જીલ્લાના ગોંડલ સુધી પહોંચી ગઇ હતી. અહિ બસમાંથી તે ઉતરી ત્‍યારે વાંસા-બેઠકના ભાગે દાઝેલી હાલતમાં કણસતી હોઇ કોઇએ ૧૦૮ બોલાવતાં તેણીને ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના વાલજીભાઇ નિનામા અને જયમીન પટેલે લીમખેડા પોલીસને જાણ કરી હતી.
જાણવા મળ્‍યા મુજબ ગત મોડી રાતે ગોંડલથી એક યુવતિને દાઝેલી હાલતમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. તબિબ અને પોલીસ ચોકીના સ્‍ટાફની પ્રાથમિક પુછતાછમાં તેણીએ પોતાનું નામ ઉર્મિલા મહેન્‍દ્ર ઉર્ફ મોસીંગ રાવત (આદિવાસી) (ઉ.વ.૩૦) હોવાનું અને પોતે કુણદા તા. લીમખેડાની વતની હોવાનું કહેતાં તેમજ ચારેક દિવસ પહેલા ઘરમાં ઝઘડો થતાં પતિએ ધક્કો દઇ સળગતા ચુલ પર પછાડી દેતાં દાઝી ગયાનું કહેતાં ચોકીના સ્‍ટાફે આ અંગે લીમખેડા પોલીસને જાણ કરી હતી.
હોસ્‍પિટલના બિછાનેથી ઉર્મિલાએ કહ્યું હતું કે તેના માવતર વડોદરાના વાઘોડીયા તાબેના વેરપુરમાં રહે છે. પોતાના લગ્ન સાતેક વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં બે પુત્રી છે. પતિને બીજી કોઇ મહિલા સાથે લફરૂ હોઇ તે અંગે વાંધો ઉઠાવતાં ચારેક દિવસ પહેલા બંને વચ્‍ચે ઝઘડો થયો હતો. ત્‍યારે પતિએ ધક્કો દેતાં પોતે સળગતા ચુલા પર પડતાં દાઝી ગઇ હતી. આ પછી રિસાઇને ઘરેથી નીકળી ગઇ હતી અને એક બસમાં બેસી ગઇ હતી. ઉંઘ આવી જતાં બસ રાજકોટના ગોંડલ પહોંચી ત્‍યારે પોતે જાગી જતાં ત્‍યાં ઉતરી ગઇ હતી. અજાણ્‍યા ગામમાં પોતે આવી ગઇ હોઇ જાગૃત લોકો, પોલીસ અને ૧૦૮ની મદદથી તેણીને રાજકોટ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. અહિની પોલીસે લીમખેડા જાણ કરીી છે. પોતાની પાસે માવતરના કે બીજા સગાના ફોન નંબર પણ નહિ હોવાનું ઉર્મિલાએ કહ્યું હતું.

 

(11:36 am IST)