રાજકોટ
News of Monday, 25th January 2021

મોટા મવાના લેન્ડ ગ્રેબીંગના ગુનામાં સુત્રધાર બહાદુરસિંહના પુત્ર અમિતની પણ ધરપકડ

એસીપીની ટીમે ધરપકડ કરીઃ ૧ ફેબ્રુઆરી સુધીના રિમાન્ડઃ બાપ-દિકરાએ જયેશ ડાભી સાથે મળી બોગસ દસ્તાવેજો ઉભા કર્યા'તા

રાજકોટ તા. ૧૮: લેન્ડ ગ્રેબીંગ એકટના નવા કાયદા હેઠળ તાલુકા પોલીસ મથકમાં દાખલ થયેલા ગુનામાં એસીપી દક્ષિણ અને ટીમે તપાસ આગળ વધારી સુત્રધાર ચંદ્રેશનગર મેઇન રોડ અમરનગર-૨, ખોડિયાર નિવાસમાં રહેતાં બહાદુરસિંહ માનસિંહ ચોૈહાણના મોટા પુત્ર અમિત બહાદુરસિંહ ચોૈહાણ (ઉ.વ.૩૨)ની પણ ધરપકડ કરી છે. પિતા સાથે કોૈભાંડમાં પુત્ર અમિતની પણ સંડોવણી સામે આવતાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ બનાવમાં તાલુકા પોલીસ મથકમાં મોટા મવાના રહીશ અશ્વિનભાઇ પરસાણાએ ગામમાં આવેલી પોતાની જમીનને લગત સરકારી ખરાબાની જમીન લેવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોઇ એ દરમિયાન આ જમીન તેના નામે કરી દેવાની લાલચ આપી બહાદુરસિંહ અને કેતન વોરા નામના શખ્સોએ તેને જમીન નામે થઇ ગયાના જુદા-જુદા ૧૦ ડોકયુમેન્ટ આપી તેના બદલામાં કટકે કટકે રૂ. ૭૩ લાખ પડાવી લઇ છેતરપીંડી આચર્યાની ફરિયાદ નોંધાવી હતી. કલેકટરશ્રીના આદેશ બાદ તાલુકા મામલતદારે ફરિયાદી બની ગુનો દાખલ કરાવ્યો હતો.

અગાઉ એસીપી જે. એસ. ગેડમ અને ટીમના પ્રદિપસિંહ રાણા, ઇમ્તિયાઝભાઇ સહિતે સુત્રધાર બહાદુરસિંહ ચોૈહાણ તથા મવડી પાળરોડ અમૃત ઓટો ગેરેજ સંસ્કાર સીટી ખાતે રહેતાં કેતન પરષોત્તમભાઇ વોરા (ઉ.વ.૪૪) અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધના કાયદાની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને બે મુખ્ય આરોપી બહાદુરસિંહ અને કેતનની ધરપકડ કરી રિમાન્ડ પર લીધા હતાં. એ પછી બોગસ ડોકયુમેન્ટ ઉભા કરી આપનારની ધરપકડ થઇ હતી.

તપાસમાં ખુલ્યું હતું કે બહાદુરસિંહ સાથે તેના પુત્ર અમિત ચોૈહાણે પણ આ કોૈભાંડમાં ભાગ ભજવ્યો હતો અને અન્ય આરોપી જયેશ નાગજીભાઇ ડાભીની મદદથી ખોટા દસ્તાવેજો બનાવી સરકારી માલિકીની જમીન પર હક્ક જમાવવા કાવત્રુ આચર્યુ હોઇ અમિતને પણ પકડી લેવાયો છે. અમિત ચોૈહાણના તા. ૧ ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મળતાં વિશેષ તપાસ શરૂ થઇ છે. આ ટોળકીએ સરકારી ખરાબો મોટા મવાના અશ્વિનભાઇ ધીરૂભાઇ પરસાણાને તેના નામે કરી દેવાનું કહી બોગસ દસ્તાવેજો ઉભા કરી તોંતેર લાખ રૂપિયા પડાવી લીધા હતાં.

(4:18 pm IST)