રાજકોટ
News of Monday, 25th January 2021

૧૪૩ વર્ષ મોઢ વણિક જ્ઞાતિ સંસ્‍થાનો રાજકોટ મોઢ વણિક મહાજન દ્વારા કાલે શિલાન્‍યાસ

૩૫૦૦ ચો.વા.માં આધુનીક સુવિધાસભર મોઢ વણિક સંકુલનું ન્‍યારી મેઈન રોડ ખાતે થશે નિર્માણઃ સર્વપ્રથમ મોઢ વણિક જ્ઞાતિની ઈ- ડીરેકટરી મોબાઈલ એપનું પણ થશે લોન્‍ચીંગ

રાજકોટઃ સમગ્ર સૌરાષ્‍ટ્ર- ગુજરાતની મોઢવણિક જ્ઞાતીની ૧૪૩ વર્ષ જુની જુજ સંસ્‍થાઓ પૈકીની ‘‘રાજકોટ મોઢ વણિક મહાજન'' પ્રતિષ્‍ઠિત સંસ્‍થા છે. જેની સ્‍થાપના ઈ.સ.૧૮૭૮માં સ્‍થાપક પ્રમુખ અને મુળદાતા શેઠ શ્રી ઉજમશીભાઈ વિરચંદભાઈ વોરાએ જ્ઞાતિજનોની સેવા માટે કરી હતી અને ઈ.સ.૧૮૯૮માં હાથીખાના મેઈન રોડ પર ૨૦૦૦ ચોરસવારમાં જ્ઞાતિની વાડીનું નિર્માણ કર્યુ હતું. જેમાં મુખ્‍ય દાતાઓ સ્‍વ.શ્રી ઉજમશીભાઈ વોરા, સ્‍વ.વિઠ્ઠલજીભાઈ વગેદરીયા, સ્‍વ.લખમીચંદભાઈ પારેખ, સ્‍વ.લાલજીભાઈ પારેખ અને સ્‍વ.નરસીભાઈ વોરા હતા.

પ્રર્વતમાન પરિસ્‍થિતીમાં હાથીખાના જેવા ગીચ વિસ્‍તાર અને અગવડતાઓને ધ્‍યાને લઈ તે જગ્‍યાનું વેચાણ કરી રાજકોટનાં પોશ વિસ્‍તાર એવા કાલાવડ રોડ સ્‍થીત ન્‍યારી મેઈન રોડ પર આશરે ૩૫૦૦ ચોરસવાર જગ્‍યા ટ્રસ્‍ટ દ્વારા ખરીદવામાં આવી તેમ મહાજન પ્રમુખ ભાગ્‍યેશ વોરા અને મેને. ટ્રસ્‍ટી કિરેન છાપીયા દ્વારા યાદમાં જણાવાયું છે.

આ ૩૫૦૦ ચોરસવાર જગ્‍યામાં રાજકોટ મોઢવણિક મહાજન સુવિધા યુકત, આધુનિક અને મલ્‍ટીપર્પઝ સંકુલનું નિર્માણ કરવા જઈ રહ્યું છે. ત્‍યારે તેની શિલાન્‍યાસ વિધિ વૈષ્‍ણવ સંપ્રદાય વ્રજધામ આધ્‍યાત્‍મિક સંકુલના ગાદીપતી વ્રજરાજકુમારીજીના હસ્‍તે તા.૨૬ને મંગળવારનાં રોજ કરવામાં આવનાર છે. કાર્યક્રમનાં પ્રમુખ સ્‍થાને અખિલ ભારતીય મોઢ વણિક મહામંડળ અને મોઢ મહોદયનાં પ્રમુખ હર્ષદભાઈ શાહ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડી.વી.મહેતા તથા બિલ્‍ડર અને જ્ઞાતિઅગ્રણી કિરીટભાઈ પટેલ ઉપસ્‍થિત રહી આશીર્વચન પાઠવશે.

રાજકોટ  મોઢ વણિક મહાજન દ્વારા ૩૫૦૦ ચોરસવાર જગ્‍યામાં નિર્માણ પામનાર આધુનીક અને ભવ્‍ય સંકુલએ સમગ્ર ભારતભરની મોઢ વણિક જ્ઞાતિ સંસ્‍થાઓમાં સર્વપ્રથમ અને મહત્‍વકાંક્ષી પ્રોજેકટ રહેશે. આ આધુનીક સંકુલમાં પાર્ટીલોન્‍સ, સુવિધાથી સજજ વેઈટીંગ લોન્‍જ, કોન્‍ફરન્‍સ રૂમ, ડાઈનીંગ હોલ, મેરેજ હોલ, સુવિધાસભર રૂમ, રૂફટોપ લોન્‍જ, ઓડીટોરીયમ સહીત મલ્‍ટીપર્પઝ સંકુલ રહેશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ મોઢવણિક મહાજનનાં પ્રમુખ ભાગ્‍યેશ વોરા, મેને.ટ્રસ્‍ટી કિરેન છાપીયા, ઉપપ્રમુખ સુનીલ વોરા, મંત્રી અશ્વીન વાડોદરીયા, સહમંત્રી કેતન પારેખ, ખજાનચી નીતિન વોરા, ટ્રસ્‍ટીઓ સર્વશ્રી સુમનભાઈ ગાંધી, જગદીશ વાડોદરીયા, સંજય મણીયાર, ઈલેશ પારેખ તેમજ કમીટી સદસ્‍યો આશીષ વોરા, સાવન ભાડલીયા, શ્રેયાંસ મહેતા, પ્રશાંત ગાંગડીયા, રાજદીપ શાહ, ચિંતન વોરા, હિરેન પારેખ, અશ્વીન પટેલ, કેતન મેસ્‍વાણી, કમલેશ પારેખ, જીજ્ઞેશ મેસ્‍વાણી, જયેન્‍દ્ર મહેતા, મુકેશ પારેખ, સંજય મહેતા, સુનીલ બખાઈ સહીતનાઓ જહેમત ઉઠાવી  રહ્યા છે.

(3:42 pm IST)