રાજકોટ
News of Monday, 25th January 2021

વેકસીન આવી ગયેલ હોય હવે ડર દૂર કરીને કોર્ટોની કામગીરી ચાલુ કરવી જોઇએ : પૂર્વ ચેરમેન દિલીપ પટેલ

રાજકોટ, તા. રપ : બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડીયાના મેમ્‍બર દીલીપ પટેલે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્‍ટીસને એક પત્ર લખી અને ગુજરાતની કોરોના મહામારીમા માર્ચ ર૦ર૦ થી બંધ રહેલી કોર્ટ ફરી એક વાર જુનીયર વકીલોની વેદના અને આર્થિક પરિસ્‍થિતિને ધ્‍યાને લઇ અને ખોલી ફિઝીકલ હીયરીંગ શરૂ કરવા પત્ર લખેલ છે.

વધુમાં બાર કાઉન્‍સીલ ગુજરાતના પૂર્વ ચેરમેન દીલીપ પટેલે જણાવેલ હતુ કે ગુજરાત અને દેશમાં તમામ લોકો કામ કરી રહેલ છે. ટ્રેન સેવા, બસ સેવા, પ્‍લેન, મોલ બજારો ખુલી ગયેલ છે અને દેશની અનેક રાજયોની કોર્ટો ફરીથી શારીરિક સુનાવણી શરૂ કરી અને કામકાજ કરી રહેલ છે. કોરોના મહામારીનો ડર કે ભય ભારતભરમાંથી દૂર થયેલ છે. માત્ર ગુજરાતની અદાલતોના જજશ્રી અને જસ્‍ટીસશ્રીઓ અને કર્મચારીઓને જ કોરોના મહામારીનો ભય સતાવી રહેલ છે તે દૂર કરવો જરૂરી છે. સમગ્ર ભારતમાં કોરોના વેકસીન પણ આવી ગયેલ છે. હવે ડરવાની જરૂર નથી.

હાલમાં દેશમાં કોરોના મહામારીમાં લોકોના સ્‍વાસ્‍થ્‍ય માટે દેશના વડાપ્રધાને વેકસીન (દવા) ઉપલબ્‍ધ કરાવી છે દેશમાં દરેક લોકો કોરોનાના ભય વગર આ કોરોના વેકસીન લઇ રહેલ છે. ભારતના તમામ સાંસદો અને ગુજરાતના મુખ્‍યમંત્રી સહિતના તમામ મંત્રી ધારાસભ્‍યો પણ મહામારી સામે લડવા જીવતદાન સમી વેકસીન લેવાની જાહેરાત કરી ચુકયા છે.

તમામ અદાલતોના ન્‍યાયાધીશશ્રીઓ તથા કર્મચારીઓએ ડરની સામે કોરોના વેકસીન લઇ અને પોતાની જીંદગીનો ભય દૂર કરી ફરીથી ગુજરાતની તમામ કોર્ટે વકીલો, જુનીયર વકીલોને ધ્‍યાને લઇ ને તાત્‍કાલીક શારીરિક સુનાવણી શરૂ કરવા ફરી એકવાર પોતાની વકીલોની વ્‍યથા ઠાલવતો પત્ર દિલીપભાઇ પટેલે લખીને રજુઆત કરેલ છે.

(3:41 pm IST)