રાજકોટ
News of Monday, 25th January 2021

‘પ્રાઉડ ટુ બી એ વોટર- રેડી ટુ વોટ' રાજકોટમાં ૧૧માં રાષ્‍ટ્રીય મતદાતા દિવસની ઉજવણી : ૧ લી ફેબ્રુઆરીથી ઓળખપત્ર ડાઉન લોડ થશે

કલેકટર સહિત તમામ અધિકારીઓ-ઉપસ્‍થિત મતદારો દ્વારા મતદાર પ્રતિજ્ઞા લેવાઇ : ૮ સુપરવાઇઝર- ર૪ બીએલઓ તથા ૮ કેમ્‍પસ એમ્‍બેસેડરનું ખાસ સન્‍માન : રાજકોટ જિલ્લામાં રર લાખથી વધુ મતદારો : ૧૮ થી ૧૯ વર્ષના ૩પ હજાર તથા ર૦ થી ર૯ વર્ષના ૪ લાખ ૩૬ હજાર મતદારો : મુખ્‍ય કાર્યક્રમ ગાંધીનગરમાં રાજયપાલની હાજરીમાં યોજાશે જીવંત પ્રસારણ : ચૂંટણી પંચના પંચના સ્‍ટેટ આઇકોન ચેતેશ્વરને જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવાઇ

કલેકટર કચેરી ખાતે ૧૧માં રાષ્‍ટ્રીય મતદાતા દિવસની ઉજવણી સંદર્ભે કલેકટરશ્રી રેમ્‍યા મોહન સંબોધન કરતા તથા અન્‍ય તસ્‍વીરોમાં ઉપસ્‍થિત અધીકારીઓ અને મતદારો, એલ.એલ.ઓ. મતદાર પ્રતિજ્ઞા લેતા નજરે પડે છે. (૯.રપ)

રાજકોટ, તા. રપ :  પ્રાઉડ ટુ બીએ વોટર અને રેડી યુ વોટ એ થીમ સાથે આજ કલેકટર કચેરી ખાતે આજે રાજકોટ કલેકટરશ્રી રેમ્‍યા મોહનના અધ્‍યક્ષપદે ૧૧મા રાષ્‍ટ્રીય મતદાતા દિવસની શાનદાર ઉજવણી કરાવી હતી. આ પ્રસંગે ડીએસપીશ્રી બલરામ મીણા, એડી. કલેકટર શ્રી પરિમલ પંડયા, નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી શ્રી ધાધલ, તથા અન્‍ય ઉચ્‍ચ અધીકારીઓ સર્વશ્રી બી.એસ. રૈલા, ડી.આર. સરડવા, રૂષિકેશ દવે, એસ.એમ. ગઢવી, વી.એસ. દેસાઇ, આર. જે. ગોહીલ, ડો. પી.પી. કોટક, પુજાબેન પટેલ, પી.વી. હીન્‍ડોચા તથા યુવા મતદારો અને શ્રેષ્‍ઠ કામગીરી કરનાર બુથ લેવલ ઓફીસરો, શ્રેષ્‍ઠ કેમ્‍પસ એમ્‍બેસેડર વિગેરે ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

પ્રારંભમાં ઉપસ્‍થિત તમામ અધિકારીઓ -યુવા મતદારો દ્વારા મતદાન પ્રતિજ્ઞા લેવાઇ હતી, બાદમાં શ્રેષ્‍ઠ સુપરવાઇઝર, શ્રેષ્‍ઠ બીએલઓ, શ્રેષ્‍ઠ કેમ્‍પસ એમ્‍બેસેડરનું સન્‍માન કરાયું હતું. પ્રમાણપત્ર અપાયા હતા. આ ઉપરાંત કલેકટર કચેરી ખાતે મતદાતા દિવસને લગતી રંગોળી તૈયાર કરનાર કુમારી સિમરન જાની, હેમાંગી ડોડીયાનું સન્‍માન કરાયું હતું તથા પ્રોત્‍સાહન ઇનામો અપાયા હતા. બાદમાં ૧૧ વાગ્‍યાથી ગુજરાતના રાજયપાલના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયેલ રાજયકક્ષાના રાષ્‍ટ્રીય મતદાતા દિવસ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું હતું, તેમજ ભારતના સ્‍ટાર બેટસમેન અને રાજકોટના વન્‍ડર બોય ચેતેશ્વર પૂજારા ચૂંટણી પંચના પણ સ્‍ટેટ યુથ આઇકોન હોય, તેમનો આજે જન્‍મદિવસ હોય ખાસ શુભેચ્‍છા પાઠવાઇ હતી.

(3:37 pm IST)