રાજકોટ
News of Monday, 25th January 2021

પેટ ચોળી શુળ ઉભુ કરતાં તંત્રવાહકોને વાહનચાલકો હેરાન થાય એમાં જ રસ?!

'કામ ચાલુ-રસ્તો બંધ'?...ના-ના 'નિંભરતા ચાલુ- રસ્તો બંધ'!...કિસાનપરાનો મુખ્ય માર્ગ હજુ પણ'લોક'

તંત્રવાહકોને હાલાકી સમજાતી નથી કે પછી કોઇકની હઠ સામે બધા મજબૂર છે?: રસ્તો ખુલે તેવી સતત માંગ

રાજકોટઃ શહેરના રૈયા રોડ અન્ડર બ્રિજનું લોકાર્પણ થયાના બીજા જ દિવસથી વાહનચાલકો સતત હાલાકીની સામનો કરી રહ્યા છે. પરંતુ આજે ચાર-ચાર દિવસ વીતવા છતાં તંત્રવાહકોની આંખ ઉઘડી રહી નથી એ આશ્ચર્યની વાત છે. રૈયા રોડ  આમ્રપાલી તરફથી અન્ડરબ્રિજમાં થઇ કિસાનપરા ચોકમાં આવી જીલ્લા પંચાયત  ચોક તરફ જવા માટેનો મુખ્ય માર્ગ જ અન્ડર બ્રિજ લોકાર્પણના બીજા દિવસથી કોઇપણ જાતનો વિચાર કર્યા વગર બંધ કરી દેવામાં આવ્યો છે. મુખ્ય માર્ગને બંધ કરી દેવા પાછળ તંત્રવાહકોએ એવું કારણ આપ્યું છે કે આનાથી ટ્રાફિકની વ્યવસ્થા જળવાઇ રહેશે. પરંતુ ઉલ્ટાની ટ્રાફિકની સમસ્યા વધુ સર્જાઇ રહી છે. મુખ્ય માર્ગ બંધ કરી દઇ વાહનોને બ્રિજમાંથી બહાર આવતાં જ ડાબી બાજુ વળી જવા મજબૂર કરી આગળ મેયર બંગલો સામેથી યુ-ટર્ન લઇ ફરી કિસાનપરા ચોકની લાયબ્રેરી તરફ અને ત્યાંથી જીલ્લા પંચાયત તરફ જવા દેવામાં આવે છે. આને કારણે મુખ્યમાર્ગ જ્યાંથી બંધ કર્યો એ તરફ તો ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, ઉપરાંત મેયર બંગલો સામે જ્યાં યુ-ટર્ન લેવાનો છે ત્યાં પણ વાહન ચાલકો એક બીજાની પાછળ સતત અથડાઇ જવાના ભય વચ્ચે ટર્ન લેવા મજબૂર થઇ રહ્યા છે. જે હાલાકીનો સતત ચાર દિવસથી વાહનચાલકો સામનો કરી રહ્યા છે એ હાલાકી પોલીસ તંત્ર કે મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રવાહકોને કેમ દેખાતી નહિ હોય? આ સવાલ રૈયા રોડ બ્રિજમાંથી પસાર થતાં તમામ વાહનચાલકોને મુંજવી રહ્યો છે. હાલાકી તંત્રવાહકોને નજરે ચડતી નથી કે પછી કોઇની હઠ સામે મજબૂર થઇને બધા બેસી ગયા છે? તેવા સવાલો પણ ખડા થયા છે. વર્ષોના વર્ષોથી જે રસ્તો રૈયા રોડ કિસાનપરાથી જીલ્લા પંચાયતનો જોડતો આવ્યો છે એ રસ્તા પર કરોડોના ખર્ચે અન્ડર બ્રિજ ખુલ્લો મુકાયાના બીજા દિવસથી જ પથ્થરો મુકીને 'લોક' કરી દેવામાં આવતાં તંત્રવાહકો પેટ ચોળીને શુળ ઉભુ કરતાં હોય તેવો ઘાટ ઘડાયાનું વાહનચાલકો કહે છે. કેકેવી ચોક, રૈયા ચોકડી, નાના મવા સર્કલ, માધાપર ચોકડી સહિતના રસ્તાઓ પર વારંવાર કોઇને કોઇ ગતકડાઓ ઉભા કરી વાહનચાલકોને રીતસર સાપસીડીની રમત રમાડતાં તંત્રવાહકોએ હવે કિસાનપરાની ટ્રાફિક સમસ્યાને વધુ ઘેરી બનાવવાની હઠ પકડીને બેઠા હોય તેવો અણસાર આવી રહ્યો છે. સોૈથી ગંભીર બાબત એ છે કે વાહનચાલકો પણ 'આપણે શું?' એવું વિચારી  ઢંગધડા વગરની અને હાલાકી આપનારી યુ-ટર્નવાળી વ્યવસ્થાને મજબૂર બની અપનાવી રહ્યા છે. તંત્રવાહકો પણ કદાચ હાલાકી જોઇ હરખાઇ રહ્યા હોય તેવું લાગે છે. તસ્વીરમાં મુખ્ય માર્ગ પથ્થરો મુકી બંધ કરાયો તે, અન્ડર બ્રિજમાંથી બહાર આવી જમણી બાજુ મુખ્ય માર્ગ પર કોઇ જઇ ન શકે તે માટે મુકાયેલા બેરીકેડ અને ડાબી બાજુ વળતાં વાહનો તથા મેયર બંગલો પાસે યુ-ટર્ન વખતે વાહનચાલકો વચ્ચે કેવો ખીચડો થાય છે તે જોઇ શકાય છે.

(3:27 pm IST)