રાજકોટ
News of Monday, 25th January 2021

આજે ૩ મોત : નવા ૧૩ કેસ

રાજકોટમાં ૧૦ મહિનામાં ૧૫ હજાર લોકો કોરોનાની ઝપટે ચડયા

રાજકોટ, તા.૨૫:  વૈશ્વિક મહામારી કોરોનાથી શહેર અને જીલ્લામાં   છેલ્લા  ચોવીસ કલાકમાં આજે ૩ મોત થયા છે. જયારે શહેરમાં બપોર સુધીમાં ૧૩ કેસ નોંધાતા છેલ્લા ૧૦ મહિનામાં ૧૫,૦૦૩ કેસ નોંધાયા છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી ૩ પૈકી એક  પણ મૃત્યુ જાહેર કર્યુ નથી.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર દરમિયાન ગઇકાલ તા.૨૪નાં સવારે ૮ વાગ્યાથી તા.૨૫ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૩ દર્દીઓએ દમ તોડી દીધા હતો.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૩૬૫ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

જીલ્લામાં આજે નવા ૬ સહિત કુલ ૮૮ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન કાર્યરત છે.

બપોર સુધીમાં ૧૩ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ શહેરમાં આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૩ નવા કેસ સાથે કુલ ૧૫,૦૦૩ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે અને તે પૈકી ૧૪,૪૯૦ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૬.૬૬ ટકા રિકવરી રેટ થયો

 ગઇકાલે કુલ ૫૯૦  સેમ્પલ લેવાયા હતા. જેમાં ૪૫ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૭.૭૯ ટકા થયો છે. જયારે ૫૯ દર્દીઓને સાજા થયા છે.

જયારે આજ દિન સુધીમાં ૫,૬૪,૩૩૯ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૫,૦૦૩ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૬૫ ટકા થયો છે.

(3:24 pm IST)