રાજકોટ
News of Tuesday, 24th November 2020

ઘરના ઓટલા પર બેસશો તો પણ કર્ફયુ ભંગ ગણાશેઃ શહેરીજનોનો સહકાર સારો મળી રહ્યો છે, બીનજરૂરી નીકળનારા દંડાશેઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

કોરોનાનું સંક્રમણ ઘટાડવા સરકારના આદેશો મુજબ રાતભર પોલીસ બજાવી રહી છે ફરજઃ સમગ્ર શહેરમાં પોલીસ કમિશનરે રાતે ચેકીંગ કર્યુ : સી.પી. અગ્રવાલ સાથે એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવી, એસઓજી પીઆઇ આર.વાય. રાવલ પણ જોડાયાઃ ભકિતનગર પીઆઇ જે. ડી. ઝાલા અને ટીમની કામગીરીને બિરદાવીઃ ગઇકાલે ગાંધીગ્રામ પીઆઇ કે. એ. વાળા અને ટીમનું માનવતાનું કાર્ય કરવા બદલ સન્માનીત કર્યા હતાં : રાત્રી કર્ફયુનું કડક પાલન કરાવવા સાથે દિવસે માસ્કના નિયમોનું પણ આકરૂ પાલનઃ બે દિવસમાં ૨૯ લાખનો દંડ વસુલાયોઃ પોલીસ કમિશનર

કાયદાનું પાલન કરાવવા પર નજર : કર્ફયુના કાયદાનું લોકો કડક પાલન કરે અને શહેર પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ પાલન કરાવતા રહે તે તરફ પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલની સતત નજર છે. રાત્રે તેઓ પણ પેટ્રોલીંગમાં નીકળ્યા હતાં અને અધિકારીઓ, કર્મચારીઓને જરૂરી સુચનો આપ્યા હતાં. તસ્વીરમાં શ્રી અગ્રવાલ તથા 'અકિલા ચોક'ના ચારેય રસ્તા સુમસામ ભાસતાં દેખાય છે. નીચેની તસ્વીરોમાં સોરઠીયા વાડી સર્કલ ખાતે એસીપી ડી.વી. બસીયા, એસીપી એચ. એલ. રાઠોડ, પીઆઇ જે. ડી. ઝાલા, પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ આર.વાય. રાવલ સહિતની સાથે ચર્ચા કરી રહેલા શ્રી અગ્રવાલ, બાજુની તસ્વીરમાં કોટેચા ચોક ખાતે ડીસીપી મનોહરસિંહ જાડેજા, પીએસઆઇ વી. કે. ઝાલા ડ્રોન કેમેરા અંગે સમજ આપતાં અને સોૈથી નીચેની તસ્વીરોમાં મક્કમ ચોક, ગોંડલ રોડ સહિતના રસ્તાઓ પર વાહન ચેકીંગ કરતી પોલીસ અને લોકો કયાં જવા નીકળ્યા છે, કયાંથી આવે છે તેની માહિતી મેળવી તેના નામ-ફોન નંબર-એડ્રેસ નોંધવાની કાર્યવાહી જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૨૫: કોરોના મહામારીનું બીજા તબક્કામાં વધેલુ સંક્રમણ કાબુમાં લેવા અને વધુ કેસ અટકાવવા માટે સરકારે રાત્રી કર્ફયુ અમલી બનાવ્યો છે. રાત્રીના નવથી સવારના છ સુધી અન્ય શહેરોની જેમ રાજકોટ શહેરમાં પણ કર્ફયુ અમલી બન્યો છે. ગઇકાલે ત્રીજા દિવસે પણ કર્ફયુનું કડક પાલન કરાવવા તમામ પોલીસે ફરજ બજાવી હતી. ખુદ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ શહેરભરમાં મોડી રાત સુધી પેટ્રોલીંગ કરતાં રહ્યા હતાં અને અલગ-અલગ પોઇન્ટ પર તૈનાત અધિકારીઓ અને ટીમની કામગીરી ચકાસી હતી અને તેમને પ્રોત્સાહન આપ્યું હતું. પોલીસ કમિશનરશ્રી અગ્રવાલે કહ્યું હતું કે કર્ફયુમાં ફરજીયાત ઘરમાં જ રહેવાનું હોય છે. ઘરના ઓટલા પર બેઠા હોય તો પણ પોલીસને તેની સામે કાયદેસરની કાર્યવાહીની સત્તા છે.

સોરઠીયા વાડી ચોકમાં બંદોબસ્તમાં રહેલા એસીપી એચ. એલ. રાઠોડ અને ભકિતનગર પીઆઇ જે. ડી. ઝાલા તથા ટીમને પોલીસ કમિશનરશ્રીએ જરૂરી સુચનાઓ આપી હતી. તો સાથો સાથ તેમની કામગીરીને બિરદાવી પણ હતી. શ્રી અગ્રવાલે 'અકિલા'ને જણાવ્યું હતું કે  રાજકોટ શહેરના પ્રજાજનો કર્ફયુને ગંભીર ગણી ઘરમાં જ રહીને સહકાર આપી રહ્યા છે તે ખુબ સારી બાબત છે. હજુ આગળ પણ પોલીસને આ રીતે સહકાર મળતો રહે તે જરૂરી છે.

જે લોકો ઇમર્જન્સી અને સાચા કામથી નીકળે છે તેઓની ખાત્રી કરીને જવા દેવાની સુચના જે તે અધિકારીઓને આપી છે. પરંતુ જેઓ માત્ર શું ચાલી રહ્યું છે એ જોવા માટે બીનજરૂરી નીકળી પડે છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. કર્ફયુ એટલે લોકોને ફરજીયાત ઘરમાં જ રહેવાનું હોય છે. જો ઘરની બહાર ઓટલા પર બેઠા હોય તો પણ તેને કર્ફયુ ભંગ ગણી કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસને સત્તા છે. આથી લોકોએ ઘરમાં જ રહી કાયદાનું પાલન કરવું આવશ્યક છે. તેમ શ્રી અગ્રવાલે કહ્યું હતું.

તેમણે વધુમાં 'અકિલા લાઇવ ન્યુઝ'ને  કહ્યુ઼ હતું કે રાત્રી કર્ફયુનું કડક પાલન કરાવવાની સાથે દિવસે પણ સમગ્ર પોલીસ તંત્ર માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરાવી રહી છે. રાત્રી કર્ફયુ ભંગના બે દિવસમાં૨૦૦થી વધુ કેસ કરી ૧૫૦ વાહન ડિટેઇન કરાયા છે. બે દિવસમાં માસ્કનો ૨૯ લાખનો દંડ કરવામાં આવ્યો છે. પરમ દિવસે ૧૭ લાખ અને ગઇકાલે ૧૨ લાખનો દંડ વસુલાયો છે. મસમોટો દંડ ભરતાં લોકોને અનુરોધ છે કે માસ્ક પહેરો, કોરોનાથી તો બચશો જ દંડથી પણ બચી શકશો.  દિવસે ફરજીયાત સોશિયલ ડિસ્ટન્સ રાખો, માસ્ક પહેરો અને સેનેટાઇઝ કરતાં રહો. કર્ફયુનું પણ પાલન કરો. પીસીઆર, બીજી ગાડીઓને એવી પણ સુચના અપાઇ છે કે રાત્રે વાહનન અભાવે ઘરે ન પહોંચી શકનારા લોકો પ્રત્યે માનવતા દાખવવી અને તેમને ઘરે મુકી આવવા. પણ કારણ વગર નીકળનારાઓને કાયદાનું ભાન કરાવવું.

નોંધનીય છે કે પરમ દિવસે રાતે લોકોની મદદ કરી માનવતા દાખવાનારા ગાંધીગ્રામ પીઆઇ કે. એ. વાળા, કોન્સ. કેતનભાઇ, શૈલેષભાઇ મકનભાઇ સહિતનું શ્રી અગ્રવાલે સન્માન કર્યુ હતું.

સોરઠીયાવાડી ચોક ખાતે પોલીસ કમિશનર શ્રી અગ્રવાલ સાથે, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવી, એસઓજી પીઆઇ આર. વાય. રાવલ સહિતના પણ જોડાયા હતાં. એસીપી એચ. એલ. રાઠોડ અને ભકિતનગર પીઆઇ જે. ડી. ઝાલા સાથે સી.પી.એ બંદોબસ્ત બાબતે જરૂરી ચર્ચાઓ પણ કરી હતી.

એ પછી પોલીસ કમિશનર ટીમ સાથે સમગ્ર શહેરમાં મોડી રાત સુધી ફર્યા હતાં અને બંદોબસ્ત નિહાળી જરૂર જણાય ત્યાં સુચનાઓ આપી હતી અને કામગીરીને બિરદાવી પણ હતી.

(3:06 pm IST)