રાજકોટ
News of Saturday, 24th October 2020

મોટા મવાના ખેડૂતની જમીન વાંધામાં નહિ નાંખવાના બદલામાં ૭ કરોડની માંગણીઃ ક્રાઇમ બ્રાંચમાં અરજી

મેઘજીભાઇ ઠુમ્મરના પિતાએ માત્ર બે વર્ષનો કરાર કરી આપ્યો હતો તેના આધારે જમીન વેંચી શકાય નહિઃ આમ છતાં બારોબાર બીજા બે જણાને સમજુતિ કરાર કરી અપાયોઃ તેના આધારે જમીન માલિક વિરૂધ્ધ કોર્ટમાં દાવો દાખલ કરાયો

રાજકોટ તા. ૨૪: જમીન, વ્યાજખોરી મામલે ભૂપત બાબુતર વિરૂધ્ધ શરૂ થયેલી કાર્યવાહી અંતર્ગત વધુ એક લેખિત ફરિયાદ ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશનને મળી છે. મોટા મવા ગામમાં ગરબી ચોક પાસે રહેતાં મેઘજીભાઇ ભવાનભાઇ ઠુમ્મરએ ભૂપત વિરમભાઇ બાબુતર, ઉમેશભાઇ રાજ્યગુરૂ, અમરશીભાઇ  વિરૂધ્ધ લેખિત અરજી આપી છે. જેમાં ગેરકાયદેસર સમજુતી કરાર ઉભા કરી બળજબરીથી પૈસા પડાવી લેવાયાનો આરોપ મુકાયો છે.

લેખિત ફરિયાદ અરજીમાં મેઘજીભાઇ પટેલે જણાવ્યું છે કે મારા પિતા ભવાનભાઇ  ત્રણ ભાઇઓ અને ચાર બહેનો છે. મારા દાદાના નામની વારસાઇ જમીન મોટા મવા રેવન્યુ સર્વે નં. ૫૪/૦૬ એકર ૨૬.૨૬ ગુ૦ઠાની હતી. જે સમયે મારા દાદા પ્રેમજીભાઇના વખતમાં જમીન માપણીમાં ફેર રહેતાં એક ૩-૨૬ ગુંઠા જમીન સરકાર થયેલી હતી. બાકીની એકર ૨૩-૦૦ ગુંઠા જમીન મારા પિતા-કાકાના નામે થઇ હતી. સરકાર થયેલી જમીન પરત મેળવવા વાતચીત થતાં મારા પિતાએ રેવન્યુ રેકર્ડમાં અમારા નામ ચાડવાવ બીનખેતી કરાવવા ઉમેશભાઇ ને સમજુતી કરાર કરી આપ્યો હતો. ત્યારે જે ભાવ નક્કી કરવામાં આવે તે મુજબ વેંચાણ દસ્તાવેજ કરવાનો હતો. ઉમેશભાઇએ સુથી પેટે એક લાખ ચેકથી આપ્યા હતાં. બે વર્ષની મુદ્દત પુરી થઇ હતી. આ મુદ્દત પુરી થયા પછી પણ જમીન રેવન્યુ રેકર્ડમાં અમારા નામે ચડાવવા કોઇ કાર્યવહી થઇ નહોતી.

એ પછી સરકાર થયેલી જમીન પાછી મેળવવા મારા પિતા, કાકા સહિતે વકિલ રોકયા હતાં. ૨૦૧૮માં જમીન મારા પિતા-કાકાનાનામે ચડી ગઇ હતી. ત્યારથી કબ્જો અમારી પાસે જ છે. આ જમીન અમારા કબ્જામાં હતી તે વખતે ૨૦૧૯માં અમને સિવિલ જજ સાહેબની કોર્ટની લિગલ નોટીસ મળી હતી. જેમાં ભૂપત બાબુતર અને અમરશીભાઇએ સ્પે. દિવાની દાવો દાખલ કર્યો હતો. ઉમેશભાઇએ ભૂપત અને અમરશીભાઇને આ જમીનનો સમજુતી કરાર કરી આપ્યો હતો. એ પછી ભૂપતભાઇ અને અમરશીભાઇએ અમારી જમીન બાબતે સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો. જે હાલમાં ચાલુ છે. એ પછી આ બંનેએ દાવો પાછો ખેંચી લેવા માટે અમારી પાસે ૭ કરોડની માંગણી કરી હતી. પરંતુ મારા પિતાએ ઉમેશભાઇને જે કરાર કરી આપ્યો હતો તે બે વર્ષની મુદ્દતનો હતો અને અમે જમીનનો દસ્તાવેજ કરી આપ્યો નહોતો. જેથી તેઓ આ જમીન પર વેંચાણ, ગીરો કે કોઇ બોજો લઇ શકે નહિ. આમ છતાં ઉમેશભાઇએ ભૂપત અને અમરશીભાઇને ગેરકાયદેસર કરાર કરી આપ્યો હતો અને તેના આધારે આ બંનેએ અમારા વિરૂધ્ધ કોર્ટમાં દાવો દાખલ કરી દઇ માથે જતાં જમીન વાંધામાં નહિ નાખવા સાત કરોડ માંગ્યા હતા.

ઉપરોકત લેખિત અરજીને આધારે ક્રાઇમ બ્રાંચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(3:06 pm IST)