રાજકોટ
News of Wednesday, 24th October 2018

ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ ન ઉકેલાય તો ચૂંટણીનું સૂચન

તપાસ સમિતીની બેઠક યોજાઈઃ કમિટીના ૭ સભ્યોના મામલે વિવાદ થયો છે

રાજકોટ, તા. ૨૪ :. મહાજનોની સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ગત સાધારણ સભામાં ૭ સભ્યોને ગેરલાયક ઠેરવવાના મુદ્દે ઉભા થયેલા વિવાદ બાદ વરિષ્ઠોની એક તપાસ સમિતિ નિમવામાં આવી હતી અને આ સમિતિની આજે એક બેઠક યોજાઈ હતી. જેમાં એવો સૂર ઉઠયો હતો કે, જો આ મામલે કોઈ ઉકેલ ન આવે તો ચેમ્બરમાં ફરીથી કારોબારીની ચૂંટણી આપી દેવી અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેવું.

આજે સવારે ચેમ્બરમાં કમિટીની બેઠક યોજવામાં આવી હતી જેનો હેતુ સૌને સાથે બેસાડી શાંતિપૂર્વક રસ્તો નિકળે તેવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો પરંતુ આ બાબતે જો કોઈ નક્કર નિરાકરણ ન આવે તો ૯૦ દિવસની અંદર ચૂંટણી કરવી એવુ પણ સૂચન કરવામાં આવ્યુ હતું. જેને ઉપસ્થિત સૌ કોઈએ આવકાર આપ્યો હતો.

અત્રે એ નોંધનીય છે કે, કારોબારીના કેટલાક સભ્યો વારંવાર ગેરહાજર રહે છે તેઓ ગેરલાયક ઠરી શકે છે તેવી વાત સાધારણ સભામાં ઉઠી હતી અને તે બાબતે ધમાલ થઈ હતી. કુલ ૭ સભ્યો બંધારણ મુજબ બેઠકોમાં ગેરહાજર રહેતા હોય ગેરલાયક ઠરી શકે છે તેવી વાત પણ ઉઠી હતી જે પછી વિવાદ સર્જાયો હતો અને આ વિવાદ ઉકેલવા માટે કમિટીની રચવા કરવામાં આવી હતી. જેણે આજે હરીફ જુથો વચ્ચે સમાધાન કરાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. એવુ ચર્ચાય છે કે એવુ પણ જુથ નમતુ જોખવાના મુડમાં ન હોવાથી ચૂંટણી એક જ ઉકેલ છે તેવો સૂર આજની બેઠકમાં ઉઠયો હતો.(૨-૧૪)

(4:01 pm IST)