રાજકોટ
News of Saturday, 24th September 2022

આનંદનગરના લુહાર વૃધ્‍ધએ સ્‍ટાર ચેમ્‍બરના બીજા માળેથી કૂદીને જિંદગી ટૂંકાવી લીધી

સવારે ઘરેથી નીકળી ગયા બાદ પારસી અગિયારી ચોકમાં આવી પગલુ ભર્યુ : પેટના દુઃખાવાથી કંટાળી પગલુ ભર્યાની સ્‍યુસાઇડ નોટમાં નોંધ : બીજા બનાવમાં યાજ્ઞિક રોડ પર પ્રોૈઢ પણ બીજા માળેથી પટકાયા

રાજકોટ તા. ૧૧: પારસી અગિયારી ચોકમાં સ્‍ટાર પ્‍લાઝા બિલ્‍ડીંગમાં બીજા માળેથી એક વૃધ્‍ધ પટકાતાં અને ડો. યાજ્ઞિક રોડ પરના કોમ્‍પલેક્ષમાં બીજા માળેથી પ્રોૈઢ પટકાતાં બંનેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જેમાં સ્‍ટાર પ્‍લાઝામાંથી પટકાયેલા વૃધ્‍ધનું સારવાર દરમિયાન મોત નિપજ્‍યું હતું. તેમણે પેટની બિમારીથી કંટાળીને આપઘાત કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ સ્‍ટાર પ્‍લાઝા બિલ્‍ડીંગમાં બીજા માળેથી એક વૃધ્‍ધ પડી જતાં હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. વૃધ્‍ધે પોલીસની પ્રાથમિક પુછતાછમાં પોતાનું નામ દોલતભાઇ ત્રિકમભાઇ કવા (ઉ.૬૦) જણાવ્‍યું હતું. ખુબ પ્રયાસ કરીને પુછવા છતાં તેમણે પોતાનું એડ્રેસ જણાવ્‍યું નહોતું. બનાવ અંગે પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન આ વૃધ્‍ધે દમ તોડી દીધો હતો. પ્ર.નગરના એએસઆઇ સોનલબેન તથા રામજીભાઇ પટેલ સહિતે તપાસ કરતાં આ વૃધ્‍ધ કોઠારીયા રોડ આનંદનગરમાં રહેતાં હોવાનું અને સવારે ઘરેથી નીકળી ગયાનું ખુલ્‍યું હતું. તે આઠ બહેનના એક જ ભાઇ હતાં. તેમને પેટનો દુઃખાવો રહેતો હોઇ કંટાળીને પગલુ ભર્યાનું પણ તેમણે લખેલી સ્‍યુસાઇડ નોટ પરથી જાણવા મળ્‍યું હતું.

બીજા બનાવમાં ડો. યાજ્ઞિક રોડ પર હરિભાઇ હોલ સામે ડ્રેસવાલા કલેક્‍શનની બાજુમાં બીજા માળેથી ઘનશ્‍યામભાઇ લવજીભાઇ કોટક (ઉ.૫૦) પડી જતાં ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. તેમને ચક્કર આવતાં પડી ગયાનું જણાવાયું હતું. આ અંગે પણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.

(5:21 pm IST)