રાજકોટ
News of Friday, 24th September 2021

માર્કેટયાર્ડમાં પ૭ ફોર્મ માન્ય, માત્ર ૧ રદઃ ભાજપ પ્રેરિત પેનલ જીતે તો ચેરમેન પદ માટે જંગ

સોમવારે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશેઃ ભાજપનું એક જુથ બિનહરીફ કરાવવા પ્રયત્નશીલ, બીજા જૂથને ચૂંટણીમાં રસઃ ચેરમેન પદ માટે સાવલિયા, નંદાણીયા, કોરાટના નામ

રાજકોટ તા. ર૪ : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (બેડી માર્કેટયાર્ડ)ની ત્રણ વિભાગોની ૧૬ બેઠકો માટે કુલ પ૮ ઉમેદવારોએ ગઇકાલે ઉમેદવારી કરેલ. આજે ચૂંટણી અધિકારી અને જિલ્લા રજીસ્ટ્રાર શ્રી કપુરીયાએ ફોર્મ ચકાસણી કરતા ખેતી વિભાગમાંથી માત્ર ૧ ફોર્મ રદ થયુ છે. ભાજપ પ્રેરિત, કિસાન સંઘ પ્રેરિત અને અન્ય તમામ ફોર્મ માન્ય રહ્યા છે.

માન્ય ફોર્મમાં ખેતી વિભાગમાં ૩૧, સંઘ વિભાગમાં ૦પ અને વેપારી વિભાગના ર૧ સહિત પ૭નો સમાવેશ થાય છે. આજની સ્થિતિએ પ૭ ઉમેદવારો મેદાનમાં છે. સોમવારે બપોરે ૩ વાગ્યા સુધીમાં ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો સમય છે. ત્યાર પછી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. ભાજપ પ્રેરિત પેનલમાં જેનાં હાથ ઉપર રહ્યો છે તે જૂથ ચૂંટણી બિનહરીફ કરાવવા પ્રયત્નશીલ છે. બીજુ જૂથ ચૂંટણી કરાવવામાં રસ ધરાવતું હોવાનું કહેવાય છે.

ભાજપ પ્રેરિત પેનલની બહુમતી આવે તો ચેરમેનપદ માટે ખેંચતાણ થવાના એંધાણ છે. સૌથી મજબૂત દાવેદાર પરસોતમ સાવલિયા ગણાય છે. વિકલ્પે કેશુભાઇ નંદાણીયા, જયેશ બોઘરા, વિજય કોરાટ વગેરે નામ ઉપસે છે.  

(3:35 pm IST)