રાજકોટ
News of Friday, 24th September 2021

રવિવારે મહામાનવતા મહોત્સવ : જીવદયા - માનવતાના સત્કાર્યો

રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મ.સા.ના ૫૧માં અવતરણ અવસરે : પરમ ગુરુદેવના બ્રહ્મનાદે શ્રી ઉવસગ્ગહરં સ્ત્રોતની સિધ્ધિદાયક જપ સાધનામાં લાખો ભાવિકો જોડાશે

રાજકોટ તા. ૨૪ : રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ના ૫૧માં અવતરણ અવસરે આયોજિત સપ્ત દિવસીય માનવતા મહોત્સવના અંતિમ ચરણ સ્વરૂપ મહા માનવતા મહોત્સવ તા. ૨૬ના રવિવારના દિવસે, સવારે ૮.૩૦ કલાકે નગર નગરમા માનવતા અને જીવદયાના અનેકવિધ કાર્યો સાથે ઉજવાશે.

પરમ ગુરુદેવના અવતરણ દિને બ્રહ્મ નાદે કરાવવામાં આવતી મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહર સ્તોત્રની સિદ્ઘિદાયિની જપ સાધના કરાવવામાં આવશે. પરમ ગુરુદેવના નાભિનાદથી પ્રગટતા દિવ્ય મંત્રધ્વનિ સાથે આ જપ સાધના ત્રણ તબક્કામાં કરાવીને સહુને પ્રભુ ભકિતની અલૌકિક અનુભુતીમા જોડી દેવામાં આવશે.

પરમ ગુરુદેવના રોમ રોમમાં જયારે સર્વ જીવો પ્રત્યે કરુણા, માનવતા અને વાત્સલ્યની ધારા વહી રહી છે ત્યારે આ મહોત્સવ પણ નગર નગરમા માનવતા અને જીવદયાના અનેક સત્કાર્યો સાથે ઉજવાશે. હજારો અબોલ પશુ પંખીઓ, અનેક પાંજરાપોળો, ગૌશાળાઓ, અનાથાશ્રમો, વૃદ્ઘાશ્રમો અને જરૂરિયાતમંદ ભાવિકોને શાતા-સમાધિ આપવા અર્થે આ અવસરે ઉદાર હૃદયા દાનવીર ભાવિકો મન મૂકીને અનુદાનની વર્ષા વરસાવી માનવતાની સુવાસ પ્રસરાવશે.

છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા માનવતા મહોત્સવ અંતર્ગત મુંબઈ, મહારાષ્ટ્ર, વિદર્ભ, ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્ત્।ર ભારત, પૂર્વ ભારત, દક્ષિણ ભારતના અનેક ક્ષેત્રોમાં રિલાયન્સના ઉપક્રમે અંબાણી પરિવારના સહયોગે 'અનંત અર્હમ આહાર' અંતર્ગત ૫૧ હજાર ગરીબોને અન્નદાન, ભુખ્યાને ભોજન, તરસ્યાને પાણી, પંખીઓને દાણા-પાણી, પશુઓને ઘાસચારો, બિમારને દવા, મૃત્યુના મુખમાં જઈ રહેલા હજારો જીવોને અભયદાન, મુકિતના દાન, ગરીબ બાળકોને જ્ઞાન દાન, આદિ અનેક પ્રકારના કાર્યો દ્વારા હજારો-લાખો જીવને શાતા સમાધિ આપીને એમની આંખોના આંસુ લૂછવામાં આવી રહ્યા છે ત્યારે આવનારા રવિવારે આયોજિત મહા માનવતા મહોત્સવમાં માનવતાની મીઠી મીઠી મહેકને માણવા અને નિહાળવા સમગ્ર વિશ્વના ભાવિકો આતુરતાપૂર્વક મીટ માંડીને રાહ જોઈ રહ્યા છે. સમગ્ર કાર્યક્રમ પરમધામ સાધના સંકુલના પાવન પ્રાંગણથી સવારના ૮.૩૦ કલાકથી લાઈવના માધ્યમે પ્રસારિત કરવામાં આવશે. માનવતા મહોત્સવ - માનવતાની પહેલના આ આયોજનમાં સર્વ ભાવિકોને જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

(2:51 pm IST)