રાજકોટ
News of Friday, 24th September 2021

'છેલ્લા રામ-રામ, મારા પરિવારનું ધ્યાન રાખજે દેણું વધી ગયું છે'...મિત્રને ફોન કરી હિરેન કાકડીયાનો ડેમમાં કૂદી આપઘાત

નંદા હોલ પાછળની મિનાક્ષી સોસાયટીનો પટેલ યુવાન ગઇકાલે ઘરેથી નીકળ્યા બાદ આજે આજીડેમમાંથી લાશ મળી : લોકડાઉન પછી કારખાનુ બરાબર ન ચાલતાં આર્થિક ભીંસ અને દેણું થઇ ગયું હતું

રાજકોટ તા. ૨૪: કોઠારીયા રોડ પર નંદા હોલ પાછળ મિનાક્ષી સોસાયટી મેઇન રોડ પર પટેલ પાન પાસે શિવસદન ખાતે રહેતાં હિરેનભાઇ ગોધરનભાઇ કાકડીયા (ઉ.વ.૩૨) નામના યુવાને આર્થિક ભીંસ અને દેણું ચડી જવાને કારણે આજીડેમમાં કૂદી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. રાત્રે આ યુવાને પોતાના મિત્રને ફોન કરી 'છેલ્લા રામ રામ, મારા પરિવારનું ધ્યાન રાખજે, દેણુ વધી ગયું છે' એવી વાત કરી હતી. એ પછી આજે સવારે તેની આજીડેમમાંથી લાશ મળતાં પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા છે.

જાણવા મળ્યા મુજબ આજે સવારે આજીડેમ પાસે પ્રેમદ્વાર પાર્ટી પ્લોટ-૧ પાસે એક પુરૂષની લાશ તરતી હોવાની જાણ થતાં બેડીપરા ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી. ટ્યુબ, મીંદડી, રસ્સાની મદદથી જવાનોએ મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. આજીડેમ પોલીસ મથકના એએસઆઇ કે.વી. ગામેતી અને યોગરાજસિંહે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ આપઘાત કરનાર યુવાન હિરેનભાઇ એક બહેનથી નાનો અને માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. તે કારખાનુ ચલાવતો હતો. પરંતુ લોકડાઉનમાં કારખાનુ બરાબર ચાલતું ન હોઇ આર્થીક ભીંસ ઉભી થઇ હતી અને દેણું પણ થઇ ગયું હતું. આ કારણે તે કેટલાક દિવસથી ચિંતામાં રહેવા માંડ્યો હતો. ગઇકાલે સવારે તે ઘરેથી નીકળી ગયો હતો. સાંજ સુધી પરત ન આવતાં ચિંતીત પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. એ દરમિયાન ગત મોડી રાતે હિરેનભાઇએ તેના મિત્ર લાલાને ફોન કરીને 'છેલ્લા રામ-રામ, મારા પરિવારનું ધ્યાન રાખજે, દેણુ વધી ગયું છે' એવી વાત કરી હતી. આવા કોલને કારણે પરિવારજનો વધુ ચિંતામાં મુકાયા હતાં અને શોધખોળ ચાલુ કરી હતી. ત્યાં આજે સવારે તેની લાશ આજીડેમમાંથી મળી આવતાં કલ્પાંત સર્જાયો હતો.

આપઘાત કરનાર હિરેનભાઇ અપરિણીત હતો. યુવાન અને આધારસ્તંભ દિકરાના આ પગલાથી પરિવારજનો ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા છે. 

(2:44 pm IST)