રાજકોટ
News of Friday, 24th September 2021

રાજકોટ સિવિલ હોસ્પિટલને PMJAY-MA યોજનામાં પ્રશંસનીય કામગીરી માટે એવોર્ડઃ હેલ્પ સેન્ટર ખોલાશે

આયુષ્યમાન ભારત યોજનાને ત્રણ વર્ષ પુરા થતાં ગાંધીનગર ખાતે એવોર્ડ એનાયત સમારંભ યોજાયો : સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમની મહેનત લેખે લાગીઃ ગુજરાતભરમાં રાજકોટ પીડીયુ હોસ્પિટલને તમામ રીતે નંબર વન બનાવવાની નેમ : એક વર્ષમાં ૬૮૭૩ કાર્ડ કાઢવામાં આવ્યા : સિવિલમાં આયુષ્યમાન અને મા કાર્ડ માટે ખાસ હેલ્પ સેન્ટરમાં પીઆરઓ પણ મુકાશેઃ ગ્રીન કોરીડોરનું આયોજનઃ દર્દીઓને હેરાન નહિ થવું પડેઃ તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદી

રાજકોટ તા. ૨૪: શહેરની પંડિત દિનદયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલને ગાંધીનગર ખાતે એક ખાસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આયુષ્યમાન મા કાર્ડ યોજનાને ત્રણ વર્ષ પુરા થતાં અને ચોથા વર્ષમાં પ્રવેશ થતાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત આયુષ્યમાન અને મા કાર્ડ યોજનામાં સોૈથી સારું કામ કરવા માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ગઇકાલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં પીડીયુ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીને એવોર્ડ અને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. તબિબી અધિક્ષક ડો. ત્રિવેદીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૦-૨૧માં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૬૮૭૩ કાર્ડ કાઢવામાં આવ્યા છે. જેમાં અમુકે સારવારનો લાભ પણ લીધો છે. હવે પછી સિવિલમાં આયુષ્યમાન અને મા કાર્ડ માટે ખાસ હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવશે અને તેમાં પીઆરઓની નિમણુંક કરવામાં આવશે. જેથી કાર્ડ કઢાવવા માટે અને સારવાર માટે કોઇને હેરાન થવું પડશે નહિ.

ગઇકાલે ગાંધીનગર ખાતે યોજાયેલા સન્માન સમાહોરમાં ડો. ત્રિવેદીએ એવોર્ડ સ્વીકાર્યો હતો. આ પ્રસંગે આરોગ્ય અધિકારીઓ તેમજ ગાંધીનગર હોસ્પિટલના ડીન, સિવિલ સર્જન ઉપસ્થિત રહ્યા હતાં.  વર્ષ ૨૦૨૦-૨૧માં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ તથા મા કાર્ડ યોજનામાં સોૈથી વધુ સારું કામ કરવા માટે ખાસ એવોર્ડ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવ્યો છે. તેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને જામનગર સિવિલ હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે.

આ સન્માન મળવા બદલ પીડીયુ હોસ્પિટલના આરએમઓની ટીમ તેમજ આ યોજનાના કામ સાથે સંકળાયેલી તમામ ટીમોનો સંપુર્ણ સહકાર મળ્યો હોવાનું અને આ ટીમોની મહેનતને કારણે જ પીડીયુ સિવિલને આ એવોર્ડ મળ્યાનું ડો. ત્રિવેદીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આયુષ્યમાન કાર્ડ યોજનાને ત્રણ વર્ષ પુરા થયા હોઇ હવે ચોથા વર્ષમાં અગાઉ કરતાં પણ વધુ સારી કામગીરી કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં ગ્રીન કોરીડોર હેઠળ આયુષ્યમાન અને મા કાર્ડ માટે અલગ જ હેલ્પ સેન્ટર ખોલી પીઆરઓની નિમણુંક કરાશે. જેથી કરીને એક જ સ્થળેથી દર્દીઓ કે તેમના સગા અને કાર્ડ કઢાવવા આવનારને તમામ માહિતી, સુવિધા મળી રહેશે. ગુજરાતભરમાં રાજકોટ પીડીયુ તમામ પ્રકારની કામગીરીમાં નોંધ લેવાય અને અગ્રેસર રહે તે માટે સમગ્ર ટીમ કાર્યરત બની હોવાનું શ્રી ત્રિવેદીએ વધુમાં કહ્યું હતું. 

(2:48 pm IST)