રાજકોટ
News of Friday, 24th September 2021

બ્લોસમ એપાર્ટમેન્ટની ઘટનામાં બે મજૂરના મોતમાં બિલ્ડર અને બે કોન્ટ્રાકટરે બેદરકારી દાખવ્યાનો ગુનો નોંધી ધરપકડ

બચી ગયેલા મજૂર સૂરજ રામનો પગ ભાંગી ગયોઃ તેની ફરિયાદ પરથી તાલુકા પોલીસે કાર્યવાહી કરી : ચોથા માળે સેન્ટીંગ કામ વખતે સેફટી નેટ નહોતી બંધાઇ, સલામતિના બીજા સાધનો પણ અપાયા નહોતાં

રાજકોટ તા. ૨૪: ગઇકાલે જીવરાજ પાર્ક પાસે બ્લોસમ એપાર્ટમેન્ટના ચોથા માળે બાલ્કનીનું વધારાનું કામ કરતી વખતે છજૂ તૂટી પડતાં ત્રણ મજૂરો પટકાયા હતાં. જેમાં યુપીના એક યુવાન અને રાજકોટના એક યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે એકને ઇજા થઇ હતી. આ બનાવમાં બિલ્ડર અને બે કોન્ટ્રાકટર સામે બેદરકારી દાખવી બે મજૂરના મોત માટે નિમિત બનવા સબબ ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે.

આ બનાવમાં તાલુકા પોલીસે નાના મવા રોડ પર રાજનગર ચોક પાસે દેવનગર-૧મા રહેતાં મુળ યુપી ગાઝીપુરના સુરજ સોંજારીભાઇ રામ (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી બ્લોસમ એપાર્ટમેન્ટ બિલ્ડીંગના બિલ્ડર તથા કોન્ટ્રાકટર સામે આઇપીસી ૩૦૪ (અ), ૩૩૮, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

સૂરજે ફરિયાદમાં જણાવ્યું છે કે હું સેન્ટીંગ કામની મજૂરી કરુ છું. આઠ વર્ષથી ગુજરાતમાં રહુ છું અને મારા વતનના બીજા મિત્રો સાથે રહુ છું. ગુરૂવારે સવારે આઠેક વાગ્યે મારા મિત્ર પ્યારેલાલ ઉર્ફ શીવા ચોૈહાણે કહેલુ કે અમારી સાથે કામે આવ, ત્યાં રૂ. ૮૦૦નું રોજ મળે છે. સેન્ટીંગ કામ પણ કરવાનું છે. જેથી હું તેની સાથે જીવરાજ પાર્ક મોદી સ્કૂલ પાસે બ્લોસમ એપાર્ટમેન્ટ ડી-વિંગમાં ગયો હતો. જ્યાં પાંચ માળ છે. જેમાં ગેલેરીમાં નવું બાંધકામ કરી છત બનાવવાની હતી. ચોથા માળે છતનું સેન્ટીંગ કામ કરવાનું ચાલુ કરાયું હતું. જે વધારાનું કામ હતું. બિલ્ડીંગમાં કામ વખતે કોઇપણ પ્રકારની સેફટી નેટ બાંધવામાં આવી નહોતી કે સેફટી બેલ્ટ પણ કે બીજી સલામતિના કોઇ સાધનો આમને અપાયા નહોતાં.

મારી સાથે મિત્ર પ્યારેલાલ ઉર્ફ શિવો  તથા એક ગુજરાતી મજૂર રાજુભાઇ સાગઠીયા પણ ચોથા માળે કામ કરતાં હતાં. સેન્ટીંગ કામ વખતે અચાનક ચોથા માળની ગેલેરી કે જ્યાં વધારાના બાંધમાવાળી જગ્યા હતી તે છત્રી-છજુ તૂટી જતાં અમે પણ તેની સાથે નીચે પડી ગયા હતાં. આને કારણે નીચેના માળની વધારાની ગેલેરીની જગ્યાઓના છજા પણ તૂટી ગયા હતાં. મને મુંઢ ઇજા થઇ હતી. જ્યારે મિત્ર પ્યારેલાલ ઉર્ફ શિવો અને ગુજરાતી મજુર રાજેશભાઇ સાગઠીયાને ગંભીર ઇજાઓ થતાં કોન્ટ્રાકટર, બિલ્ડર અમને ૧૦૮માં બેસાડી સિવિલ હોસ્પિટલે લાવ્યા હતાં. અહિ મને જમણા પગે ફ્રેકચર થયાનું નિદાન થયું હતું. જ્યારે મારા મિત્ર પ્યારેલાલ ઉર્ફ શિવો રામાશંકર ચોૈહાણ તથા રાજેશભાઇ ખુશાલભાઇ સાગઠીયાના મોત નિપજ્યા હતાં.

બિલ્ડર અને કોન્ટ્રાકટરે અમે કોઇપણ જાતની સેફટી-સલામતિના સાધનો આપ્યા વગર સેન્ટીંગ કામ કરાવી બેદરકારી રાખી હોઇ તે વખતે જ છજુ તૂટતાં આ ઘટના બની હતી. જેથી મેં ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં સૂરજ રામે જણાવતાં પીઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં પીએસઆઇ વી. પી. આહિર તથા સ્ટાફે બિલ્ડર જીવરાજ પાર્ક બ્લોસમ સીટી સી-૩૦૨માં રહેતાં બિલ્ડર હરેશ મનસુખલાલ કાલરીયા (ઉ.વ.૪૬) તથા બે કોન્ટ્રાકટર દિપ સંજયભાઇ જાવીયા (ઉ.૨૬-રહે. વિવિધ કર્મચારી સોસાયટી-૧, રાજનગર ચોક) તથા પ્રિયાંક નિતીનકુમાર પાંચાણી (ઉ.૨૪-રહે. બી-૪૦૨, જીવરાજ પાર્ક જડ્ડુસ નજીક)ની ધરપકડ કરવામાં આવી છે.

(1:37 pm IST)