રાજકોટ
News of Thursday, 24th September 2020

શહેરીજનો ખાડા - ખબચડાવાળા રસ્તામાંથી કયારે મુકત બનશે : વશરામભાઇનો સણસણતો સવાલ

છેલ્લા છ વર્ષના બજેટમાં માત્ર ૩૦ ટકા કામો થયા : વિપક્ષી નેતાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૪ : શહેરમાં વરસાદને કારણે ધોવાઇ ગયેલ રસ્તાઓનું સમારકામ અને નવા બનાવવાની કામગીરીનો એકશન પ્લાન કયારે શરૂ કરવામાં આવશે તેમ વિપક્ષ નેતા વશરામ સાગઠીયા દ્વારા તંત્રને સવાલ કરવામાં આવ્યો છે. આ સાથે છેલ્લા છ વર્ષના બજેટમાં માત્ર ૩૦ ટકા કામો જ થયાનો આક્ષેપ કર્યો હતો.

આ અંગે વિપક્ષી નેતા વશરામ સાગઠીયાના જણાવ્યા મુજબ શહેરમાં કુલ ૧૮ વોર્ડ છે તેમજ મહાનગરપાલિકાને ત્રણ ઝોનમાં વહીવટી સરળતા માટે વહેંચવામાં આવેલ છે.

સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં. ૨, ૩, ૭, ૧૩, ૧૪, ૧૭ વોર્ડ આવેલ છે, ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં. ૪, ૫, ૬, ૧૫, ૧૬, ૧૮ વોર્ડ આવેલા છે, વેસ્ટ ઝોનમાં વોર્ડ નં. ૧, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨ વોર્ડ આવેલા છે અને આવી રીતે કુલ ૧૮ વોર્ડની વહેંચણી ઝોન વાઈઝ કરવામાં આવેલ છે. શહેરમાં મેઘરાજાની મહેર વરસી છે ત્યારે રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા તમામ ડેમો ઓવરફલો થયેલા છે ત્યારે રાજકોટ શહેરમાં તા. ૧ એપ્રિલથી શરુ કરવાની થતી પ્રીમોન્સૂન કામગીરી કરવામાં મ્યુનિસિપલને તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યાનો આક્ષેપ કર્યો હતો.

વધુમાં શ્રી સાગઠિયાએ જણાવ્યું હતું કે, તા.૧૧ સપ્ટેમ્બરના રોજ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ દ્વારા જાહેરાત કરવામાં આવેલી હતી કે તા.૧૬ સપ્ટેમ્બરથી શહેરના રસ્તા સફાઈ કામ શરુ થઇ જશે અને તા.૨૧ સપ્ટેમ્બરથી ડામર કામો શરુ થઇ જશે તેવી જાહેરાત કરેલી હતી અને રાજકોટ શહેરના રોડ-રસ્તામાં કરોડોનું નુકશાન થયેલુ છે તેમજ શહેરના માર્ગો ઉપર ફૂટ-ફૂટના ખાડાઓ પડી ગયા છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવા રોડ-રસ્તા બનાવવા માટે ૫૭ કરોડના પેકેજ સાથેના એકશનપ્લાનના કામો શરૂ કરવા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેને જાહેરાત કરેલ હતી તેમજ ગત તા.૨૦ના રોજ રાજકોટ શહેરમાં વરસાદ પડ્યો હતો અને તા.૨૧,૨૨ અને ૨૩માં વરસાદ પડ્યો નથી તો શા માટે રસ્તા કામો શરુ કરાયા નથી ? ત્યારે વિપક્ષીનેતા વશરામભાઈ સાગઠીયાએ જનતાના હિતમાં અનેક સવાલો ઉઠાવ્યા છે.

અંતમાં શ્રી સાગઠિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા છ વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૧૪-૧૫ થી ૨૦૧૯-૨૦ સુધીના કામોમાંથી માત્ર ૩૦% જ કામો થયેલા છે તેમજ ચુંટણી આવી એટલે નવી નવી જાહેરાતો કરીને શાસકો પ્રજાને માત્ર સપનાઓ જ દેખાડ્યા છે.

(4:21 pm IST)