રાજકોટ
News of Thursday, 24th September 2020

હવે ખાનગી ટ્રાવેલ્સ - ટ્રાન્સપોર્ટ - છકડો રીક્ષા - ઓટો રીક્ષામાં કોરોના સામે કલેકટરની જાગૃતિ ઝુંબેશ : સાંજે મહત્વની મીટીંગ

તંત્ર પણ ખરૂ છે કોરોના શહેર - જિલ્લામાં પ્રસરી ગયો પછી ઝુંબેશ આદરી છે : લોકોમાં ભારે ટીકા

રાજકોટ તા. ૨૪ : રાજકોટ જિલ્લા કલેકટર તંત્રે છેલ્લા ૪ દિવસથી કોરોના સામે જાગૃતિ ઝુંબેશ આદરી છે. આ માટે દરરોજ વિવિધ સમાજ - મંડળોને મીટીંગ અર્થે બોલાવી સુચના અપાય છે, બે દિ' પહેલા ડોકટરો, લેબોરેટરી, જ્ઞાતિ મંડળો, કોલેજો, યુનિ તથા ગઇકાલે ગેસ એજન્સી - સસ્તા અનાજના દુકાનદાર - પેટ્રોલ પંપ સંચાલકોને બોલાવાયા હતા.

હવે આજે સાંજે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો, ટ્રાન્સપોર્ટ એસો., છકડો રીક્ષા એસો., ઓટો રીક્ષા એસો., મેટાડોર સંચાલકો - ટેમ્પો વિગેરે સંચાલકોના પ્રતિનિધિઓ - એસો.ના આગેવાનોને કલેકટરશ્રી રાણાવસીયા તથા ખાસ રાજકોટ મુકાયેલા નોડલ ઓફિસર ડો. રાહુલ ગુપ્તાએ કોરોના જાગૃતિ, પેમ્પલેટ, બોર્ડ, પ્રચાર-પ્રસાર, ઉતારૂઓને ફરજીયાત માસ્ક, સેનેટાઇઝર, સોશ્યલ ડીસ્ટન્સ અંગે સાંજે ૬ વાગ્યે બોલાવ્યા છે.

જેમાં દરેકને ખાસ સૂચના અપાશે, દરેક વાહનના ડ્રાઇવર - કલીનર ખાસ માસ્ક પહેરે, ઉતારૂઓનું ચેકીંગ, પત્રીકાનું વિતરણ વિગેરે બાબતે જણાવાશે, તે ઉપરાંત ઓટો રીક્ષામાં કોરોના જાગૃતિ અંગે હું પણ કોરોના વોરીયર્સના બોર્ડ તંત્ર તરફથી અપાય તેવી શકયતા હોવાનું એડી. કલેકટરે પત્રકારોને જણાવ્યું હતું.

દરમિયાન અત્રે એ નોંધનીય છે કે માર્ચથી સપ્ટેમ્બર સુધીમાં રાજકોટ શહેરમાં કોરોના ચારેબાજુ પ્રસરી ગયા બાદ કલેકટર તંત્રે જાગૃતિ શરૂ કરી છે, ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી વાત છે, લોકો પણ પૂછી રહ્યા છે કે કોરોના સામે જાગૃતિની વાત હવે કેમ યાદ આવી, અત્યાર સુધી દરેક તંત્રો કયાં હતા, લોકોમાં આ બાબતની ભારે ટીકા થઇ રહી છે.

(4:14 pm IST)