રાજકોટ
News of Thursday, 24th September 2020

કર્મકાંડી બ્રાહ્મણો- પૂજારીની જેમ સમકક્ષકાર્ય સંભાળતા અન્યોને પણ સહાય મળવી જોઈએ

કોંગ્રેસ કોઓર્ડીનેટર બાલેન્દ્ર વાઘેલાનો વિજયભાઈ રૂપાણીને પત્ર

રાજકોટ,તા.૨૪: દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કર્મકાંડી બ્રાહ્મણો અને પુજારીઓને કપરા કોરોના કાળમાં સહાયરૂપ બનવાની જાહેરાત કરી તે અભિનંદનને પાત્ર છે. પરંતુ સાથે ઘણા કર્મકાંડ કરાવનારા લોકો બ્રાહ્મણ સિવાયની જ્ઞાતિના હોય છે. તેમને પણ આ સહાય આપવી જોઈએ. તેવી લાગણી કોંગ્રેસના રાષ્ટ્રીય કો-ઓર્ડીનેટર બાલેન્દ્ર વાઘેલાએ વ્યકત કરી છે.મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં તેઓએ જણાવ્યું છે કે આર્યસમાજમાં લગ્ન  કરાવનાર કે યજ્ઞ કરાવનાર કે ગાયત્રી યજ્ઞ કરાવનાર બધા કર્મકાંડી જ કહેવાય છે. તેમ જ સમાજમાં સામાન મહત્વ અને સ્થાન ધરાવે છે. તો તેઓને પણ આ સહાય મળી રહેશે કે કમે ? બારોટ એટલે કે બ્રહ્મભટ્ટ સમાજ પણ જ્ઞાતિઓ કુટુંબોનો આંબો અને વસ્તારની વંશાવલી સાચવવાનું મહત્વનું કાર્ય કરે છે. તેમની આજીવિકા પણ કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓની જેમ જ યજમાનોની સખાવતો અને દાન પર ચાલે છે. તેમનો દરજજો પણ તેમના યજમાંનોમાં બ્રાહ્મણો અને પૂજારીઓ જેવો જ છે. એજ રીતે ધાર્મિક કાર્યો કરીને આજીવિકા રળતા ભુવા અને ભુઈમાંનું પણ પછાત વર્ગો અને મોટી જ્ઞાતિઓમાં મોટું પ્રદાન અને પ્રભુત્વ છે.

આ કપરા કોરોના કાળમાં તેમની પરિસ્થિતિ પણ કર્મકાંડી બ્રાહ્મણો અને પુજારીઓ સમાન જ છે. આમ એક જ પ્રકારનું કામ અને સમાન સામાજિક સ્થાન ધરાવતા દરેકને સમાન હકક રાજય સરકારે આપવો જોઈએ. ઉપરાંત મુસ્લિમ દરગાહોના મુંજાવરો અને મૌલાનાઓ, ચર્ચના પાદરીઓ કે ગુરૂદ્વારાના ગ્રંથી સાહેબો આ બધા પોત પોતાના સમાજમાં કર્મકાંડી બ્રાહ્મણો અને પુજારીઓ જેવું જ પવિત્ર અને માનભર્યું સ્થાન ધરાવે છે. ત્યારે કોરોના મહામારીમાં સહુને એક સરખી સહાય મળવી જોઈએ તેમ પત્રના અંતમા બાલેન્દ્ર વાઘેલાએ જણાવેલ છે.

(2:28 pm IST)