રાજકોટ
News of Thursday, 24th September 2020

રાજ્ય સરકારના કોન્ટ્રાકટ મજુર અને ઔદ્યોગિક સંબંધી વિધયેકોને આવકારતા પદાધિકારીઓ

સરકારના નિર્ણયો કામદારો - કોન્ટ્રાકટરો અને સંસ્થાઓ માટે લાભદાયી

રાજકોટ તા. ૨૪ : મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર એક સયુંકત યાદીમાં જણાવે છે કે, રાજય સરકારશ્રી દ્વારા કોન્ટ્રાકટ મજુર નિયમન અને નાબુદી (ગુજરાત સુધારા) વિધેયક તથા ગુજરાત ઔદ્યોગિક તકરાર સુધારા વિધેયક સુધારાના નિર્ણય બદલ માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો પદાધિકારીશ્રીઓએ ખૂબ ખૂબ આભાર વ્યકત કરેલ છે. કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાં મજુરોને ઘણી વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે.

કોન્ટ્રાકટ મજુર (નિયમન અને નાબુદી) (ગુજરાત સુધારા) ૨૦૨૦ હેઠળ હવેથી ૨૦ને બદલે ૫૦ કોન્ટ્રાકટ કામદારો ધરાવતા કોન્ટ્રાકટરોને લાગુ પડશે. ૫૦થી ઓછા કામદારોને કામે રાખતી સંસ્થા કે કોન્ટ્રાકટરોને હવે લાયસન્સ કે રજીસ્ટ્રેશન કરાવવાની જરૂરિયાત રહેશે નહી.

ગુજરાત ઔદ્યોગિક તકરાર સુધારા વિધેયક હેઠળ હવેથી ૩૦૦થી વધુ કામદારો ધરાવતી સંસ્થાઓએ કામદારોને લે ઓફ છટણી કરતા પહેલા તથા સંસ્થા બંધ કરતા પહેલા રાજય સરકારની મંજૂરી લેવી પડશે. છટણીના કિસ્સામાં કામદારોને ફરજિયાત ૩ મહિનાની નોટીસ આપવાની રહેશે. ઉપરાંત પંદર દિવસનો સરેરાશ પગાર ઉપરાંત વળતરમાં વધારો કરીને છેલ્લાં ત્રણ મહિનાના સરેરાશ પગાર જેટલી રકમ વળતર તરીકે આપવાની રહેશે.

રાજય સરકારશ્રી દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય કામદારો, કોન્ટ્રાકટરો તેમજ સંસ્થાઓ માટે ખૂબ લાભદાયી થશે. એમ અંતમાં પદાધિકારીશ્રીઓએ જણાવેલ.

(2:24 pm IST)