રાજકોટ
News of Thursday, 24th September 2020

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય રાજકોટના

બી. કે. અંજુદીદીનો પ્રેરક સંદેશઃ સંયમિત જીવનશૈલી અપનાવો, કોરોના ચોક્કસ હારશે

રાજકોટ, તા. ર૪ :  કોરોનાની મહામારીના સમયમાં રાજકોટ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના બી. કે. અંજુદીદીએ રાજકોટવાસીઓને પ્રેરક સંદેશ આપતાં જણાવ્યું હતુ કે, ચડતી - પડતી, હાર - જીત અને સંદ્યર્ષ - વિદ્યર્ષ એ તો જીવનનો એક ક્રમ છે. વર્તમાન સમયમાં આ મહામારીથી આપણે સૌ કોઈ પીડિત થઈ રહયાં છીએ. વાસ્તવમાં આ સમય ડરવાનો નથી. ભયભીત થવાનો નથી. હંમેશા યાદ રાખીએ કે કોઈ પણ સમય એક સમાન રહેતો નથી. આ દિવસો પણ પસાર થઈ જશે, થવાના જ છે. આ માટે આપણે સૌ સંયમિત જીવન પ્રણાલી અપનાવી સરકારની માર્ગદર્શિકાનું જરૂરથી પાલન કરીએ. 

નિયમ-સંયમ એ આપણા જીવનનું સુરક્ષા કવચ છે. સંયમનું બળ આપણને વધારે તાકાત પૂરી પાડે છે. કોરોનાની આ મહામારીથી બચવા માટે આપણે નિયમિત હાથ ધોઈએ, માસ્ક પહેરીએ, સોશ્યલ ડીસ્ટન્સ રાખીએ અને જરૂર વિના બહાર ન નીકળીએ. આ થોડા દિવસો જ કદાચ આપણી સામે આવ્યા છે, અને એ પણ જતા રહેશે. આ સમયમાં આપસમાં, દ્યરમાં, પરિવારમાં એક બીજાનો સ્નેહ - પ્રેમ આપણું આત્મબળ વધારવા માટે નિમિત્ત્। બને છે. આથી જ જો કોઈ જાણ્યે અજાણ્યે સંક્રમિત થઈ જાય તો એ બધા પ્રત્યે આપણો ભાવ વિધેયાત્મક રાખીને તે ઝડપથી સ્વસ્થ થઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના કરીએ.

 કોરોનાને હરાવવા માટે આપણી રોગ પ્રતિકારક શકિત વધારવા નિયમિત પ્રાણાયામ, કસરત કરીએ સાથો-સાથ આયુર્વેદિક ઔષધિ - ઉકાળાઓનું નિયમિત સેવન કરીએ અને એક સૂત્ર હંમેશા યાદ રાખીએ કે, મારું રાજકોટ - સ્વસ્થ રાજકોટ, મારૃં રાજકોટ - નિરોગી રાજકોટ. કોરોનાનો આ કપરો કાળ પણ પૂરો થશે અને ''હારશે કોરોના, જીતશે રાજકોટ''.

(2:00 pm IST)