રાજકોટ
News of Thursday, 24th September 2020

પીપીઇ કીટ પહેરવાથી માંડી યોગ્ય નિકાલ સુધીની નક્કર કામગીરી કરે છે ડોનીંગ-ડોફિંગ વિભાગ

રાજકોટ, તા. ર૪ : આરોગ્ય યોધ્ધાઓ કોરોનારૂપી શત્રુ સામે પી.પી.ઈ.કીટનો સાવચેતીપૂર્વક ઉપયોગ-નિકાલ કરીને સંક્રમિત થયા વગર પોતાની જીત અને સુરક્ષા નિશ્યિત કરી શકે તે માટે રાજકોટ કોવીડ-૧૯ હોસ્પિટલમાં ડોનીંગ અને ડોફીંગ વિભાગ બનાવવામાં આવ્યો છે.

કોવીડ વોર્ડમાં નોડલ ઓફિસર અને ડોનીંગ-ડોફીંગ ટીમના હેડ તરીકે કાર્યરત ડો. ગોપી મકવાણાએ ડોનીંગ-ડોફીંગ એરિયા અને તેમાં સમાવિષ્ટ થતી બાબતો વિશે વાત કરતાં જણાવ્યું હતું કે,  કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર માટે ફરજ નિભાવતા આરોગ્ય કર્મીઓ માટે આ વિભાગ બનાવવામાં આવ્યો છે. જેમાં આરોગ્ય કર્મીઓને ડ્યુટી જોઈન કર્યા પહેલા ડોનીંગના નિયમો અનુસાર પી.પી.ઈ.કીટ અને સાવચેતીના તમામ પગલાઓ અનુસરીને કોવીડ વોર્ડમાં દાખલ થવાનું રહે છે. અને ત્યાર બાદ કોવીડ વોર્ડમાંથી ફરજ પૂર્ણ કર્યા બાદ ડોફીંગના નિયમો અનુસાર પી.પી.ઈ.કીટ નો યોગ્ય નિકાલ કરીને સંપૂર્ણ સેનેટાઈઝ થયા પછી જ હોસ્પિટલમાંથી રજા લેવાની હોય છે.

કોરોના પોઝીટીવ દર્દીની સારવાર માટે આરોગ્ય કર્મીઓ દ્વારા ડોનીંગ પધ્ધતિનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. પી.પી.ઈ.કીટ, માસ્ક અને ગ્લોવ્ઝ પહેરવાના એક-એક સ્ટેપ પર સેનેટાઈઝરનો ખુબ ઉપયોગ કરવામાં આવે છે. તેમજ કોરોનાથી સંક્રમિત થયા વગર દ્યરે પરત થઈ શકે તે માટે ડોફીંગ પધ્ધતિ મુજબ સૌપ્રથમ ગ્લોવ્ઝવાળા હાથને સંપૂર્ણ સેનેટાઈઝ કરવા, ત્યાર બાદ પી.પી.ઈ.કીટને એ રીતે કાઢવી કે તેનો અંદરનો ભાગ બહાર અને બહારનો ભાગ અંદરની તરફ રહે. ફરી ગ્લોવ્ઝને સેનેટાઈઝ કર્યા બાદ તેને કાઢીને ત્યાં ઉપલબ્ધ લાલ બેગમાં નાખવા સહિતની બાબતનું ઝીણવટભર્યું ધ્યાન રાખવામાં આવે છે. આમ ડોનીંગ અને ડોફીંગના નિયમોને અનુસરી, સેનેટાઈઝરનો ઉપયોગ કરીને કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તેમ ડો. તૃપ્તિ પુરોહિતે જણાવ્યું હતું.  સ્પર્શથી ફેલાતા કોરોના વાયરસને સકંજામાં લેવા અને દર્દીઓને કોરોનામુકત બનાવવા માટે આરોગ્ય કર્મીઓ ડોનીંગ અને ડોફીંગ જેવી અનેક પધ્ધતિઓનું ચુસ્ત પાલન કરીને મક્કમ ગતિથી આગળ વધી રહ્યા છે. પી

પી.પી.ઇ. કીટમાં પરસેવાથી રેબઝેબ નીતરતાં હોવા છતાં એક પણ ફરિયાદ વગર લોકસેવા કરી રહ્યા છે. ત્યારે આરોગ્ય યોધ્ધાઓની આ મહામુલી સેવા આપણને અવશ્ય કોરોના સામે વિજયી બનાવશે, તેમાં કોઈ બેમત નથી.

(1:59 pm IST)