રાજકોટ
News of Thursday, 24th September 2020

હવે આવું ચાલુ થયું: મહારાષ્ટ્રથી રૂની ગાંસડીઓ સાથે ટ્રકમાં દારૂ-બીયર પણ ભર્યોઃ એસઓજીએ બેને પકડ્યા

લાવનાર જયપાલસિંહ અને મંગાવનાર તેના મિત્ર દિપેશની ગ્રીનલેન્ડ ચોકડીએ ધરપકડઃ જયપાલસિંહ એક પેટી દિઠ રૂ. ૧૨૦૦ ભાડુ વસુલતો હતોઃ ૯ પેટી દારૂ-૪૮ બીયર અને ટ્રક કબ્જે

રાજકોટ તા. ૨૪: બુટલેગરો દારૂ-બીયરના જથ્થાની હેરાફેરી કરવા નીતનવા નુસ્ખા અજમાવી લેતા હોય છે. પણ પોલીસ ઇચ્છે તો ગમે તેના નુસ્ખાને ઉઘાડા પાડી નાંખે છે. શહેર એસઓજીની ટીમે ગ્રીનલેન્ડ ચોકડીએ રૂની ગાંસડીઓ સાથેનો એક ટ્રક પકડી લઇ રૂ સાથે ભરી લાવવામાં આવેલો ૯ પેટી દારૂ અને ૪૮ બીયર કબ્જે કરી ટ્રક ચાલક તથા આ માલ મંગાવનાર તેના મિત્રની ધરપકડ કરી છે.

પોલીસે ટ્રક ચાલક ગ્રીનલેન્ડ ચોકડી નજીક શિવનગર-૪માં રહેતાં જયપાલસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.વ.૨૬) તથા તેના મિત્ર ગ્રીનલેન્ડ ચોકડી પાસે અમૃતા સોસાયટી-૪માં રહેતાં દિપેશ ઉર્ફ લાલો ગિરીશભાઇ ઓડિશ (ઉ.વ.૨૧)ની ધરપકડ કરી રૂ. ૩૨૪૦૦નો ૧૦૮ બોટલ દારૂ, રૂ. ૪૮૦૦ના  બીયરના ૪૮ ટીન તથા જીજે૦૩બીવી-૫૬૨૭ નંબરનો ૧૦ લાખનો ટ્રક, એકટીવા જીજે૦૩એલએચ-૨૨૩૭ રૂ. ૪૦ હજારનું અને રૂ. ૩૫ હજારના બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧૧,૧૨,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ જયપાલસિંહ મહારાષ્ટ્ર રૂની ગાંસડીઓ ભરવા ગયો હોઇ મિત્ર દિપેશે તેની પાસે દારૂ-બીયર મંગાવ્યો હતો. જયપાલસિંહે પેટી દિઠ રૂ. ૧૨૦૦ ભાડુ નક્કી કરી માલ ભર્યો હતો. જો કે ગ્રીનલેન્ડ ચોકડીએ બંને કટીંગ કરે એ પહેલા પોલીસ આવી ગઇ હતી.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયાની સુચના હેઠળ પીઆઇ આર.વાય. રાવલ, હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, કિશનભાઇ આહિર, ભાનુભાઇ મિંયાત્રા, મોહિતસિંહ જાડેજા, રણછોડભાઇ આલ, અજયભાઇ શુકલા સહિતે કોન્સ. હિતેષભાઇ રબારી, નિખીલભાઇ પીરોજીયાની બાતમી પરથી આ કામગીરી કરી હતી. ઝડપાયેલા બંને પહેલી જ વખત આ રીતે દારૂ-બીયર લાવ્યાનું રટણ કરતાં હોઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(11:33 am IST)