રાજકોટ
News of Tuesday, 24th September 2019

ગંજીવાડાના રામજીભાઇ કોળી જામવાડી પાસેથી બેભાન મળ્યા બાદ મોતઃ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ

કુવાડવાના જામવાડી પાસેની વાડીએ આટો મારવા ગયા ત્યારે ચાલતાં ચાલતાં ચક્કર આવ્યા બાદ પડી ગયા ને મોત નિપજ્યું: પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૪: કુવાડવાના જામવાડી-જામગઢના વતની અને હાલ રાજકોટ ગંજીવાડામાં રહેતાં રામજીભાઇ સોમાભાઇ ગોહેલ (કોળી) (ઉ.૪૫) મઘરવાડા પાસેથી બેભાન મળ્યા બાદ મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું છે.   

અજાણ્યા આધેડ પુલ પર પડી જતાં બેભાન થઇ ગયાની જાણ થતાં ૧૦૮ પહોંચી હતી. સારવાર માટે કુવાડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ મથકના પીએસઆઇ આર. પી. મેઘવાળ અને રાઇટર જયપાલસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.

તપાસ કરતાં આ આધેડ મુળ જામગઢના અને હાલ ગંજીવાડામાં રહેતાં રામજીભાઇ કોળી હોવાનું ખુલતાં તેમના સ્વજનોને જાણ કરાઇ હતી. તેને કુવાડવાના જામવાડી પાસે વાડી હોઇ ત્યાં આટો મારવા આવ્યા હતાં અને ચાલીને જતી વખતે મઘરવાડા રોડ પર ચક્કર આવતાં પડી જતાં બેભાન થઇ ગયા હતાં. સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

બામણબોરના બાબુલાલ ડાભીએ જણાવ્યા મુજબ મૃતકને સંતાનમા ત્રણ દિકરા છે. તે સાત ભાઇ એક બહેનમાં ચોથા નંબરે હતાં. મોતનું ચોક્કસ કારણ જાણવા રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું હતું.

(11:51 am IST)