રાજકોટ
News of Monday, 24th September 2018

આઇ એમ સો સોરી...એવું લખીને ગાયબ થયેલી સગીરાને પરિણીત ઢગો ભગાડી ગયો'તોઃ ધરપકડ

તાલુકા પોલીસની ટીમે બનાવની ગંભીરતાથી તપાસ કરી મુળ જુનાગઢના હાલ ઘંટેશ્વર રહેતાં એક દિકરીના પિતા સરફરાજ કાદરીને પકડી પાડ્યોઃ પોકસો અને દૂષ્કર્મની કલમનો ઉમેરોઃ સગીરાને પોલીસે તેના પરિવારને સોંપી

રાજકોટ તા. ૨૪: શહેરના એક વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરા થોડા દિવસ પહેલા 'આઇ એમ સો સોરી, મમ્મી અને પપ્પા હું ગુજરાત બહાર મારા ફ્રેન્ડ સાથે જાવ છું અને મેં તેની સાથે મેરેજ કરી લીધા છે' તેવી ચિઠ્ઠી ઘરમાં મુકી ગાયબ થઇ ગઇ હતી. આ બનાવથી સગીરાના પરિવારજનો આકુળ વ્યાકુળ થઇ ગયા હતાં. ઘરમેળે શોધખોળ કર્યા બાદ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતાં આ સગીરાને ઘંટેશ્વર ક્રિસ્ટલ સીટી બ્લોક નં. ૨૦૪માં રહેતો મુળ જુનાગઢ મેમણ કોલોનીનો સરફરાજ હબસીભાઇ કાદરી (ઉ.૩૨) નામનો પરિણીત ઢગો ભગાડી ગયાની વિગતો સામે આવતાં પોલીસ ચોંકી ગઇ હતી. ભારે દોડધામને અંતે આ શખ્સને ઝડપી લેવામાં સફળતા મળી છે. આ ઢગા સામે પોકસો અને બળાત્કારની કલમનો પણ ઉમેરો કરી કાયદાનું ભાન કરાવાયું છે અને ભોળવાઇ ગયેલી સગીરાને તેના ઘર સુધી પરત પહોંચાડી છે. તાલુકા પોલીસે આ કેસમાં એટ્રોસીટીની કલમ તથા ૩૬૩, ૩૬૬ મુજબ પ્રારંભે ગુનો નોંધ્યો હતો. આરોપી સરફરાજ ઝડપાયા બાદ વધુ વિગતો ખુલતાં દૂષ્કર્મની કલમનો પણ ઉમેરો કરાયો છે. સગીરા ગૂમ થઇ હોઇ તેની પ્રાથમિક તપાસ દરમિયાન એક મુસ્લિમ શખ્સ ભગાડી ગયાની શંકા ઉભી થતાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જોજા તથા એસીપી બી. બી. રાઠોડ અને એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાએ બનાવને ગંભીર ગણી તુરત જ આરોપીને શોધી કાઢવા સુચના આપી હતી.

તે અંતર્ગત પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ જે. એસ. ગઢવી, એએસઆઇ ડી. વી. ખાંભલા, હેડકોન્સ. હર્ષદસિંહ ચુડાસમા, અરવિંદભાઇ, કોન્સ. નગીનભાઇ ડાંગર, અરજણભાઇ ઓડેદરા, અશોકભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, રાહુલભાઇ સહિતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે અગાઉ મુસ્લિમ શખ્સ જ્યાં રહેતો હતો ત્યાં તપાસ કરતાં તે તેની આઠેક વર્ષની દિકરી સાથે ગાયબ હોવાની ખબર પડી હતી. એ પછી ભારે દોડધામને અંતે તે હાલમાં ઘંટેશ્વર તરફ ક્રિસ્ટલ સીટીમાં રહેતો હોવાની અને પોતાની દિકરીને શાળાએ તેડવા મુકવા આવતો હોવાની માહિતી મળતાં ટીમે વોચ રાખી હતી અને તે દિકરીને તેડીને બહાર આવતા જ દબોચી લીધો હતો. તે જેને ભગાડી ગયો હતો અને સગીરા સાથે શરીર સંબંધ પણ બાંધ્યાનું કબુલતાં તબિબી ચકાસણી બાદ દૂષ્કર્મ અને પોકસોની કલમનો પણ ઉમેરો કરાયો છે. સરફરાજની ઘરવાળી હાલ વિદેશ જતી રહી છે અને સરફરાજની પોતાની સારવાર ચાલુ છે. તેની દિકરીને સગીરા રમાડવા લઇ જતી હોઇ જેથી સગીરા સાથે સંપર્કમાં આવ્યો હતો અને તેને ભોળવીને ભગાડી ગયો હતો. પોલીસે ગંભીરતાથી તપાસ કરી આરોપીને દબોચી લઇ સગીરાને તેના પરિવાર સુધી પરત પહોંચાડી ઉત્કૃષ્ટ કામગીરી કરી છે.

(3:49 pm IST)