રાજકોટ
News of Saturday, 24th August 2019

મવડી ચોકડીએ બાઇક સાઇડમાં લેવાનું કહેતાં શ્રીનાથજીના કુલદીપ વાંક પર મિત્ર મયુર ભાણાનો છરીથી હુમલોઃ સમાધાન બાદ ફરી ડખ્ખોઃ કુલદીપના ભાઇ અને કાકાને પણ છરીના ઘા

રાજકોટઃ મવડી ચોકડીએ સાતમની સાંજે મિત્રો વચ્ચે વાહન હટાવવા બાબતે માથાકુટ થતાં એક મિત્રએ બીજાને છરીનો ઘા ઝીંકી દીધો હતો. એ પછી સમાધાન થયા બાદ ફરીથી સમાધાનની વાત માટે ઘાયલ આહિર યુવાનના ભાઇ અને કાકા જતાં આ બંને ઉપર ત્રણ શખ્સોએ હુમલો કરી છરીના ઘા ઝીંકી દીધા હતાં.

બનાવ અંગે માલવીયાનગર પોલીસે મવડી રોડ શ્રીનાથજી સોસાયટી-૧માં મોમાઇ કૃપા ખાતે રહેતાં કુલદીપ કરણભાઇ વાંક (બોરીચા) (ઉ.૨૪)ની ફરિયાદ પરથી મયુર ભાણો, દિલીપસિંહ વાઘેલા અને અજાણ્યા સામે આઇપીસી ૩૨૪, ૩૨૬ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

કુલદીપ ડ્રાઇવીંગ કામ કરે છે. તેના કહેવા મુજબ તે સાતમની સાંજે કાકા વિક્રમભાઇની સ્કોર્પિયો જીજે૧૨સીજી-૪૧૫૩ લઇ કાકાની ઓફિસે જવા નીકળ્યો ત્યારે દેવાયત બોદરની પ્રતિમા પાસે જતાં વચ્ચે મિત્ર મયુર ભાણો પોતાનું એફ-૨ બાઇક રાખીને ઉભો હોઇ તે રસ્તામાં હોઇ સાઇડમાં લેવાનું કહેતાં તેણે ગાળાગાળી કરી હતી. તેને સમજાવવા જતાં બે છરીથી હુમલો કરતાં હથેળીમાં ઘા ઝીંકી દીધા હતાં.

એ પછી મયુરે સમાધાન કરવા ઇન્દ્રપ્રસ્થ હોલવાળી શેરીમાં જવાનું કહેતાં બંને ત્યાં જતાં ત્યાં બીજા મિત્ર ભયલુભાઇ જાડેજા હોઇ સમાધાન કરાવ્યું હતું. એ પછી પોતાને લોહી નીકળતાં હોઇ બે જુદી-જુદી હોસ્પિટલમાં ગયેલ. પણ ડોકટર ન હોઇ મધુરમમાં દાખલ થયેલ. ત્યારે પોતાનો ફોન મોટા બાપુના દિકરા વિક્રમ વાંકને દીધો હતો. તે વખતે પિત્રાઇ ભાઇ જયદિપને મયુર ભાણાએ ફરી મવડી ચોકડીએ વાત કરવા ભેગુ થવાનું છે તેમ કહેતાં ભાઇ જયદિપ અને કાકા મુકેશભાઇ વાંક ત્યાં જતાં તે વખતે મયુર ભાણો, દિલીપસિંહ વાઘેલા અને અજાણ્યા શખ્સે ફરી ઝઘડો કરી ભાઇ અને કાકા બંનેને આ ત્રેણેયે છરીના ઘા ઝીંકી દીધા હતાં. પી.એસ.આઇ. જે. એ. ખાચરે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:21 am IST)