રાજકોટ
News of Saturday, 24th July 2021

મનપાના ૯૯ હોકર્સ ઝોન અને ૧૪ માર્કેટનો CCTV કેમેરાથી સુરક્ષીત કરો

હોકર્સ ઝોનમાં ચોરી-ચીલઝડપના બનાવો અટકાવવવા કેમેરા લગાવવા જરૂરી : માર્કેટ સમીતીના ચેરપર્સન દેવુબેન જાદવની માંગ

રાજકોટ,તા. ૨૪ : શહેરમાં મ.ન.પા. સંચાલીત ૯૯ હોકર્સ ઝોન અને ૧૪ માર્કેટને સી.સી.ટી.વી. કેમેરા મુકી સુરક્ષીત કરવા માર્કેટ સમીતીના ચેરપર્સન દેવુબેન જાદવે માંગ ઉઠાવી છે.

શ્રીમતી દેવુબેન જાદવે મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાને એક પત્ર પાઠવી, શહેરમાં હાલમાં કાર્યરત્ત્। ૯૯ હોકર્સ ઝોન અને ૧૪ માર્કેટમાં જાહેર હિતમાં સી.સી.ટી.વી. કેમેરા ઇન્સ્ટોલ કરવા રજૂઆત કરી હતી.

ચેરમેન શ્રીમતી દેવુબેન જાદવે આ પત્રમાં એમ જણાવ્યું હતું કે, આ ૯૯ હોકર્સ ઝોન અને ૧૪ માર્કેટમાં અનેક નાના ધંધાર્થીઓ શાકભાજી, ફળફળાદી, ખાણીપીણીની ચીજવસ્તુઓ વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. જુદા જુદા વિસ્તારના હજારો લોકો દરરોજ આ તમામ હોકર્સ ઝોન અને માર્કેટમાં ખરીદી માટે જતા હોય છે. હોકર્સ ઝોન અને માર્કેટમાં દરરોજ હજારોની સંખ્યામાં લોકોની આવનજાવન રહેતી હોય ત્યારે એ સ્થળોએ કોઈ ચોરી કે ચીલઝડપ જે અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે માટે, તમામ હોકર્સ ઝોન અને માર્કેટમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સીસીટીવી કેમેરા ફીટ કરાવી, તેના મારફત મોનીટરીંગ કરાવવામાં આવે તે જાહેર સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત આવશ્યક જણાય છે.

હોકર્સ ઝોન અને માર્કેટ એવા સ્થળો છે જયાં વેપારીઓ અને ગ્રાહકોની સતત આવજા રહે છે. તેઓની સુરક્ષા સલામતી માટે સી.સી.ટી.વી. કેમેરા મહત્વની ભૂમિકા નિભાવી શકે એમ છે. સી.સી.ટી.વી. કેમેરાની મદદથી સ્વચ્છતા સંબંધી મોનીટરીંગ પણ રાજકોટ મહાનગરપાલિકા આસાનીથી કરી શકશે.

ઉપરોકત વિગતો ધ્યાને લઇ, શહેરમાં આવેલા તમામ હોકર્સ ઝોન અને માર્કેટમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સી.સી.ટી.વી. કેમેરા ફીટ કરાવવા જરૂરી કાર્યવાહી કરાવવા માર્કેટ સમિતિનાં ચેરમેન શ્રીમતી દેવુબેન જાદવે મ્યુનિ. કમિશનરશ્રીને વિનંતી કરી છે. 

(2:55 pm IST)