રાજકોટ
News of Saturday, 24th July 2021

લીમડા ચોક પાસે હોટેલ સિલ્વર સેન્ડમાં મધરાતે આગઃ ગ્રાઉન્ડ ફલોર, પહેલા માળે મોટુ નુકસાનઃ ફસાયેલા એક ઉતારૂને ફાયર બ્રિગેડે બચાવ્યોઃ મેનેજર પગે દાઝી ગયા

આગ શોર્ટ સરકિટથી લાગી કે અન્ય કારણે? તેની તપાસઃ બાજુમાં જ પેટ્રોલ પંપ હોઇ ફાયર બ્રિગેડ ટીમે તાબડતોબ કાર્યવાહી કરીઃ સાતથી આઠ બંબા સાથે ફાયર બ્રિગેડની ટીમોએ અધિકારીઓની રાહબરીમાં દોઢેક કલાકમાં જ આગ કાબૂમાં લીધીઃ હોટેલના માલિકનું નામ કિરણભાઇ રૂપારેલ

રાજકોટ તા. ૨૪: શહેરના લીમડા ચોકથી મોટી ટાંકી તરફ આવતાં રિલાયન્સના પેટ્રોલ પંપની બાજુમાં જ આવેલી હોટેલ સિલ્વર સેન્ડ એન્ડ રેસ્ટોરન્ટમાં મધરાતે અઢી વાગ્યા આસપાસ ગ્રાઉન્ડ ફલોરના રેસ્ટોરન્ટમાં ભીષણ આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી. જોતજોતામાં આગે મોટુ સ્વરૂપ પકડી લીધું હતું. ફાયર બ્રિગેડને જાણ થતાં તાબડતોબ અધિકારીઓ ટીમો સાથે પહોંચ્યા હતાં. સાતથી આઠ બંબાઓ આગને બુઝાવવા કામે લાગ્યા હતાં. દોઢથી બે કલાકમાં આગ કાબૂમાં લઇ લેવામાં આવી હતી. પરંતુ વહેલી સવાર સુધી ધૂમાડા નીકળવાનું ચાલુ હોઇ પાણીનો મારો ચાલુ રાખવો પડ્યો હતો. આગમાં ગ્રાઉન્ડ ફલોર, રેસ્ટોરન્ટ અને ઉપરના એક-બે માળે ભારે નુકસાન થયાનો અંદાજ છે. આગ શોર્ટ સરકિટથી લાગી કે અન્ય કારણોસર? તે હજુ બહાર આવ્યું ન હોઇ પોલીસ એફએસએલની મદદથી તપાસ કરશે.

જાણવા મળ્યા મુજબ રાત્રીના અઢી વાગ્યા આસપાસ હોટેલ સિલ્વર સેન્ડમાં આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડના ઓફિસરોશ્રી ઠેબા, શ્રી કોલી, શ્રી શેખ તેમજ તેમની ટીમો તાબડતોબ પહોંચી ગઇ હતી. પેટ્રોલ પંપની બાજુમાં જ આવેલી હોટેલમાં આગ લાગી હોઇ ફાયર બ્રિગેડને ઝડપભેર બચાવ કામગીરી આદરી હતી. સદ્દનસિબે હોટેલમાં ત્રણ જ ઉતારૂ હોઇ તેમાંથી બે ઝડપભેર બહાર નીકળી ગયા હતાં. જ્યારે એક ઉતારૂ ત્રીજા માળે હોઇ તેને ફાયર બ્રિગેડની ટીમે સીડી મુકીને રેસ્કયુ કરી બચાવી લીધા હતાં.

ફાયર બ્રિગેડ સુત્રોના કહેવા મુજબ આગમાં નીચેનો માળ સંર્પુણ ખાક થઇ ગયો હતો. હોટેલ સ્ટાફમાં મેનેજર ઉમંગભાઇ, કુંદનભાઇ દિપકભાઇ તથા હોટેલના માલિક કિરણભાઇ ચંપકભાઇ રૂપારેલ બનાવ સમયે હાજર હતાં. હોટેલના નાઇટ ડ્યુટીના મેનેજર કશ્યપભાઇ ચુડાસમા પગના ભાગે દાઝી જતાં તેમને તુરત જ સિવિલ હોસ્પિટલે લઇ જવાયા હતાં અને પ્રાથમિક સારવાર અપાવાઇ હતી. આગનું કારણ અને નુકસાનીનો આંકડો જાણવા મળ્યો નથી.

હોટેલમાં રૂમ નં. ૧૧૨માં ઉતારૂ ધર્મેન્દ્રભાઇ દવે (ઉ.વ.૩૯), બ્રીજરાજ ગુપ્તા (ઉ.વ.૩૪) અને રૂમ નં. ૨૦૩માં ગુંજનભાઇ ઠાકર (ઉ.વ.૩૦) હતાં. તમામને સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતાં. તસ્વીરમાં રાત્રીના આગના દ્રશ્યો, અક ઉતારૂને સીડી મુકી બચાવી લેવાયા તે દ્રશ્ય, સવારે પણ ધૂમાડા નીકળતાં હોઇ ફાયર બ્રિગેડના જવાનો પાણીનો મારો ચલાવી રહ્યા હતાં તે દ્રય તથા અન્ય તસ્વીરોમાં હોટેલ સ્ટાફ, ઉતારૂઓ, એક બાઇકને પણ નુકસાન થયું હતું તે દ્રશ્ય જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(1:42 pm IST)