રાજકોટ
News of Monday, 24th June 2019

નવરંગપરામાં ધરાર સંબંધ રાખવા માટે મહિલાને મારી નાખવાની મીલન પટેલની ધમકી

પતિને ધંધો અને ભાઇને મગજની તકલીફ માટે જોવડાવવા બાપુ પાસે ગયાને તેનો ભત્રીજો મીલન પાછળ પડયો

રાજકોટ તા. ર૪: શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતી મહિલા પોતાના પતિનો ધંધો અને ભાઇની મગજની તકલીફ માટે બાપુ પાસે જોવડાવવા ગયા બાદ બાપુનો ભત્રીજો પરાણે સંબંધ રાખવા માટે દબાણ કરી ધમકી આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતી મહિલાએ માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં કોઠારિયા રોડ રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતો મીલન ધીરૂભાઇ ટીલાળાનું નામ આપ્યું છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે પરિવાર સાથે રહે છે. દોઢ વર્ષ પહેલા પોતે મવડી ચોકડી પાસે એક બાપુ પોતાના ઘરે જોવાનું કામ કરતા હોય અને તેઓને પીરાણુ આવતા હોય, જેથી જોવાનું કામ કરતા હોઇ તેથી પોતાના પતિ રિક્ષા ચલાવતા હોય તેનો ધંધો બરાબર ચાલતો ન હતો અને પોતાના ભાઇને મગજની તકલીફ હોઇ, જેથી પોતે જોવડાવવા માટે આ બાપુ પાસે ગયા હતા અને ત્યાં બાપુનો ભત્રીજો મીલન પટેલ સાથે ઓળખાણ થઇ હતી. બાદ પોતે આ બાપુ પાસે બે-ત્રણ વખત ગયેલ હતા બાદ આ મીલન પટેલ જેનું આખું નામ મીલન ધીરૂભાઇ ટીલાળા (રહે. રાજલક્ષ્મી સોસાયટી કોઠારિયા રોડ) સાથે ઘર જેવા સંબંધ થતા આ મિલન સાથે પ્રથમ સાડી કાપડનો છૂટક ધંધો શરૂ કરેલ અને અલગ-અલગ જગ્યાએ આ સાડી છૂટકમાં મીલન સાથે વેંચવા માટે જતા હતા બાદ કોઠારિયા રોડ પર ભાડાની દુકાન રાખી સાડી ચણીયા ચોળી તથા ડ્રેસ વગેરેનો વેપાર મીલન સાથે શરૂ કર્યો હતો. થોડા સમય બાદ મિલન પટેલની પોતાના પર નજર ખરાબ હોઇ તેવું જણાતા તેની સાથે ધંધાકીય સંબંધ પૂરો કરી દીધો હતો. તેમ છતાં આ મીલન પોતાની પાસે આવી 'તું મારી સાથે સંબંધ નહિં રાખ તો હું તારા પતિ અને તારા ભાઇને જાનથી મારી નાખીશ' તેવી રૂબરૂ અને ફોન પર ધમકી આપતો હતો. આ ત્રાસથી કંટાળી પોતે મોબાઇલ નંબર બંધ કરાવી નાખ્યો હતો. બાદ મીલન પટલેલ તેના મોબાઇલમાંથી પોતાના પતિ ભાઇ તથા જેઠને ગાળો આપી ધમકી આપતો હોઇ, તેથી તેના આ ત્રાસથી કંટાળી જઇ પોતે માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એએસઆઇ કે. કે. માઢેક તપાસ હાથ ધરી છે.

(3:52 pm IST)