રાજકોટ
News of Monday, 24th June 2019

વોર્ડ નં. ૮ ની પર્ણકુટી સોસાયટીમાં ભુગર્ભ ગટરનું પાણી બોરમાં ભળી જતા રોગચાળાનો ભયઃ નીતિન ભારદ્વાજ દોડી ગયા

ભૂગર્ભ ગટરની લાઇન લીકેજ થઇ જતાં જમીનનાં તળ બગડયાઃ કોર્પોરેશનમાં ફરિયાદ બાદ ૧પ દિ'થી સમસ્યા યથાવતઃ આજે લત્તાવાસીઓના ટોળાએ નિતીનભાઇને રજૂઆત કર્યા બાદ પ્રશ્ન ઉકેલ કરવાની ખાત્રી

રાજકોટ તા. ર૪ :. શહેરનાં વોર્ડ નં. ૮ માં આવેલ પોસ વિસ્તાર પર્ણકુટી સોસાયટીનાં પાણીની બોરમાં ભુગર્ભ ગટરનું દુષીત પાણી ભળી જતાં આ વિસ્તારમાં રોગચાળાનો ભય ઉભો થયો છે. આ બાબતની જાણ ભાજપનાં પ્રદેશ અગ્રણી અને સીનીયર કોર્પોરેટર નીતિનભાઇ ભારદ્વાજને થતા તેઓએ તાબડતોબ સ્થળ ઉપર પહોંચી અને અધિકારીઓ આ સમસ્યા ઉકેલવા જણાવ્યું હતું.

આ બનાવની વિગતો મુજબ વોર્ડ નં. ૮ માં આવેલ પર્ણકુટી સોસાયટીમાં છેલ્લા ૧પ દિવસથી ડંકીનાં બોરનું પાણી ભુગર્ભ ગટરનાં ગંદા પાણીથી દુષીત થઇ ગયું છે. ફીણ વાળુ દુઃર્ગધ મારતુ પાણી આવતુ હોઇ રોગચાળાનો ભય ઉભો થયો છે.

દરમિયાન આ બાબતે મ્યુ. કોર્પોરેશનમાં ફરીયાદ કરવા છતાં આ સમસ્યા નહી ઉકેલાતા આજે લતાવાસીઓના ટોળાએ નીતિનભાઇ ભારદ્વાજને રજૂઆત કરી હતી. આથી શ્રી ભારદ્વાજે તાત્કલીક સ્થળ ઉપર પહોંચી અને ઇજનેરોેને પણ સોસાયટીમાં બોલાવી દુષીત પાણીનાં નમૂના દેખાડી અને જાહેર આરોગ્યનાં ચેડા સમાન બેદરકારી દુર કરવા કડક શબ્દોમાં અધિકારીઓને જણાવેલ. નોંધનીય છે કે, પર્ણકુટી વિસ્તારની ભૂગર્ભ ગટરની પાઇપ લાઇન લીકેજ થતાં આ સમસ્યા સર્જાયેલ આમ છતાં ૧પ - ૧પ દિવસ સુધી આ સમસ્યા ઉકેલવામાં આવી ન હતી.

(3:48 pm IST)