રાજકોટ
News of Monday, 24th June 2019

ગાંધીગ્રામમાં નિરવે વાળંદ યુવાનને મજાકમાં જય માતાજી કહેતાં બાજુમાં રહેતાં હરૂભાએ પેટમાં કાતર ઝીંકી

રાજકોટ તા. ૨૪: ગાંધીગ્રામ સત્યનારાયણ નગરમાં રહેતાં નિરવ હિતેષભાઇ ચુડાસમા (ઉ.૨૦)ને સાંજે સાડા આઠેક વાગ્યે ઘર નજીક વેલનાથ ચોકમાં હતો ત્યારે હરૂભા દરબારે પેટમાં કાતરથી ઇજા કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં એએસઆઇ જગુભા ઝાલાએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

ઘાયલ થયેલો નિરવ રૈયા ચોકડીએ ગણેશ એજન્સીમાં નોકરી કરે છે. તેના મિત્ર યુવરાજ પ્રકાશભાઇ ચુડાસમાએ તેને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. યુવરાજના કહેવા મુજબ પોતે અને મિત્ર નિરવ હરૂભાના ઘર નજીક બિરેન વાળંદની દૂકાને ગયા હતાં અને બિરેનને મજાક-મજાકમાં 'જય માતાજી' કહેતાં હરૂભા નજીકમાં રહેતાં હોઇ તે સાંભળી જતાં તેણે 'શું આવી રીતે મજાક કરો છો?' કહી વાળંદની દૂકાનમાંથી કાતર લઇ નિરવને પેટમાં ઇજા કરી હતી.

મોરબી રોડ પર ગોૈરવને અજાણ્યા શખ્સોએ ધોકાવ્યો

મોરબી રોડ જકાતનાકા પાસે બજરંગ સોસાયટી-૨માં રહેતાં ગોૈરવ ઇશ્વરભાઇ દાવડા (ઉ.૧૯)ને રાત્રે સાડા નવેક વાગ્યે ઘર નજીક બે અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુ મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. 

સગાના ઝઘડામાં વચ્ચે પડતાં દશરથ માળીને પાઇપના ઘા

મોરબી રોડ સિતારામ સોસાયટી-૩માં રહેતાં દશરથ વાલાભાઇ માળી (ઉ.૩૪)ના સગા જગદીશભાઇ અને ભારતીબેન સાથે  મોબાઇલ ફોન બાબતે પડોશી મિસ્ત્રી લોકો ઝઘડો કરતાં હોઇ દશરથ વચ્ચે પડતાં તેને પાઇપ ફટકારવામાં આવતાં સિવિલમાં દાખલ થતાં બી-ડિવીઝનને જાણ કરાઇ હતી.

ભુલથી ફિનાઇલ પી લીધું

રણછોડદાસ બાપુના આશ્રમ સામે સદ્દગુરૂ દર્શનમાં રહેતાં કલ્યાણીબેન કલ્પેશભાઇ ભુવા (ઉ.૩૨) ભુલથી ફિનાઇલ પી જતાં સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

(3:47 pm IST)