રાજકોટ
News of Monday, 24th June 2019

સુરેન્દ્રનગરમાં ગુરૂવારે ત્રીજુ રાજપુતાણી અધિવેશન

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત ગુજરાત રાજપૂત મહિલા સંઘ દ્વારા આયોજન : સગાઈ તૂટવી, છુટાછેડા, આંતરજ્ઞાતિ લગ્ન જેવા પ્રશ્નો અંગે ચર્ચા, આવા બનાવો અટકાવવા સમાધાન પંચની રચના કરાશે : સુરેન્દ્રનગર જિલ્લાના ૧૧ નારીરત્નોને એવોર્ડથી સન્માનાશે : સમગ્ર સંમેલનનું સંચાલન મહિલાઓ જ કરશે

રાજકોટ, તા. ૨૪ : આગામી ગુરૂવારે સુરેન્દ્રનગરમાં ત્રીજા રાજપુતાણી મહાઅધિવેશન - ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યુ છે. આ મહા સંમેલનમાં દેશભરમાંથી મહિલા રાજપૂત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ મહાસંમેલનમાં રાજપૂત સમાજમાં ઉદ્દભવતા પ્રશ્નો જેવા કે સગાઈ તૂટવા, છુટાછેડા, રી-મેરેજ, આંતરજ્ઞાતિય લગ્નો સહિતના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે તેમજ સમાધાન પંચની રચના કરવામાં આવશે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ૧૧ બહેનોનું નારીરત્ન એવોર્ડ આપી સન્માન કરવામાં આવશે.

'અકિલા' કાર્યાલયની મુલાકાતે આવેલા રાજપૂત સમાજના મહિલા આગેવાનોએ જણાવ્યુ હતું કે, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત અને ગુજરાત રાજપૂત મહિલા સંઘ દ્વારા આગામી તા.૨૭ના ગુરૂવારના રોજ સવારે ૧૦ વાગ્યાથી સુરેન્દ્રનગરના મુળી રોડ ઉપર આવેલ દાદા ભગવાન ત્રિમંદિર સંકુલ ખાતે ત્રીજુ રાજપુતાણી મહાઅધિવેશન - ૨૦૧૯નું આયોજન કરવામાં આવેલ છે. આ મહા અધિવેશનના અધ્યક્ષસ્થાને બાશ્રી દશરથબા મહેન્દ્રસિંહજી પરમાર (પ્રદેશ અધ્યક્ષા), ગુજરાત રાજપૂત મહિલા સંઘ તેમજ સમારંભના મુખ્ય અતિથિ વિશેષ તરીકે હિઝ હાયનેસ રાશેશ્વરી રાજલક્ષ્મીદેવી ઓફ જેસલમેર (રાજસ્થાન) તેમજ અતિથિ વિશેષ તરીકે શ્રીમતી અજીતકુર ગજેન્દ્રસિંહજી (રાણીસાહેબ ઓફ વાવ-થરાદ), શ્રીમતી જયશ્રીબા પી. જાડેજા (કારોબારી પ્રમુખ - ગુજરાત રાજય મહિલા સંઘ), શ્રીમતી શારદાબા ભરતસિંહજી જાડેજા (પ્રમુખ- અમદાવાદ), શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહજી વાઘેલા (પ્રમુખ-મહિલા કોંગ્રેસ ગુજરાત પ્રદેશ), સુશ્રી કિરણબા દિગ્વિજયસિંહજી રાણા (સફળ બિઝનેસ વુમન, દિલ્હી), શ્રીમતી નંદાબા જુવાનસિંહ પરમાર (મહિલા અગ્રણી સુરેન્દ્રનગર), શ્રીમતી નીનાબા દીપકસિંહ ઝાલા (પેટ્રન, મહિલા સંઘ), શ્રીમતી ધર્મિષ્ઠાબા જયેન્દ્રસિંહ જાડેજા (મુખ્ય સલાહકાર) અને શ્રીમતી ડો.વર્ષાબા ઉપેન્દ્રસિંહ સરવૈયા (પૂર્વ પ્રોફેસર અને હેડ એનએચએલ મ્યુ. મેડીકલ કોલેજ, વાડીલાલ હોસ્પિટલ, અમદાવાદ) ઉપસ્થિત રહેશે.

રાજપૂત મહિલા આગેવાનોએ વધુમાં જણાવેલ કે, આ ત્રીજા રાજપૂત મહિલા અધિવેશનમાં રાજપૂત સંસ્કૃતિના જતન માટે શિક્ષણની સાથે સાથે સંસ્કારો પણ જળવાઈ રહે તે અમારો હેતુ છે. આ અધિવેશનમાં રાજપૂત સમાજમાં ઉદ્દભવતા પ્રશ્નો જેવા કે સગાઈ તૂટવા, છૂટાછેડા, રી-મેરેજ, આંતર જ્ઞાતિય લગ્નો જે સમાજ માટે કલંકરૂપ છે તેને અટકાવવા તેમજ ગૌરવશાળી સમાજનું ગૌરવ જળવાઈ રહે તે માટે આવા બનતા બનાવો અટકાવવા તથા તેનું નિરાકરણ લાવવા સમાધાન પંચની રચના પણ કરવામાં આવશે. આ ઉપરાંત આ સંમેલનમાં જેમણે પોતાના પરિવારજનો માટે ૨૫ વર્ષથી વધારે સમય જીવન સમર્પિત કર્યુ છે તેવા સુરેન્દ્રનગર જિલ્લાના ૧૧ બહેનોનું નારીરત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહિલાઓ દ્વારા જ કરવામાં આવશે.

ઉપરોકત તસ્વીરમાં રાજપૂત સમાજના મહિલા આગેવાનો સર્વશ્રી દશરથબા એમ. પરમાર (પ્રદેશ અધ્યક્ષ - અ.ગુ.રા.મ.-મો.૯૯૯૮૦ ૨૫૩૬૪), શારદાબા વી.જાડેજા (પ્રમુખ - અ.ગુ.રા.મ.), જયશ્રીબા પી. જાડેજા (કા.પ્રદેશ અધ્યક્ષા), હિનાબા બી. ગોહિલ (પ્રમુખ-રાજકોટ-અ.ગુ.રા.મ.), હંસનીબા જાડેજા (સભ્ય), સીતાબા જેઠવા (સભ્ય), કિર્તીબા ઝાલા (ઉપપ્રમુખ), ઈલાબા જાડેજા (સભ્ય), ગીતાબા ચુડાસમા (સભ્ય) નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૩)

અધિવેશનનો એજન્ડા

(૧) સમાધાન પંચોની દરેક જિલ્લાઓમાં રચના કરવી. હાલની સમસ્યા જેમ કે વેવિશાળ કરવા તેને અટકાવવા, દિકરીબા પાછા આવવા, છુટાછેડા થવા, આંતરજ્ઞાતીય લગ્ન થવા, આ પ્રમાણેની સમસ્યા, તેને હળવી કરવા માટે સમાધાન પંચની રચના. (૨) રાજપૂત કન્યા છાત્રાલયોમાં ઈતિહાસ અને સંસ્કૃતિનો કોર્ષ ચાલુ કરવો. સંસ્કાર અને સંસ્કૃતિની જાળવણીમાં મહિલાઓનો ફાળો. (૩) પરિવાર પ્રેમી ૧૧ રાજપુતાણીઓને 'રાજપુતાણી રત્ન એવોર્ડ'નું વિતરણ. (સુરેન્દ્રનગર જીલ્લાના રહેવાસી) (૪) આગામી ભૂચરમોરી કાર્યક્રમતા. ૨૩-૦૮-૨૦૧૯ના રોજ હજારો રાજપુતાણીઓ દ્વારા તલવારરાસનો વિશ્વ રેકોર્ડ બનાવવા અંગે. (૫) આગામી ડિસેમ્બરમાં ક્ષત્રિય સમાજ તીર્થદર્શન સપેશ્યલ ટ્રેનના આયોજન અંગે (૬) લગ્નની સમસ્યા ઉકેલ માટે 'રાજપૂત યુવા પરિચય મિલન'નું આયોજન સઘન કરવા અંગે (૭) અધ્યક્ષસ્થાનેથી જે રજૂ થાય તે.

 

આ મહાઅધિવેશનમાં મહિલા આગેવાનોની ખાસ ઉપસ્થિતિ

(3:44 pm IST)