રાજકોટ
News of Monday, 24th June 2019

પોપટપરા ભૂતવડમાં મનસુખભાઇ પટેલ પર ખેતીના ભાગીયા ત્રણ આહિર બંધુનો ટોળકી રચી હુમલો

ભાગીયાની જમીન ખાલી કરવાના પૈસા માંગી કાવત્રુ રચી ધોકા-પાઇપથી ફટકારી પથ્થરમારો કર્યો

રાજકોટઃ પોપટપરા ભૂતવડની સીમમાં રાજકટના એરપોર્ટ રોડ પર મારૂતિનગ-૩ સાનિધ્ય એપાર્ટમેન્ટ એ-૪૦૨માં ચોથા માળે રહેતાં પટેલ વૃધ્ધ મનસુખભાઇ વસ્તાભાઇ પરસાણા (ઉ.૬૩) પર દસેક શખ્સોની ટોળકીએ કાવત્રુ રચી ધોકા-પાઇપથી હુમલો કરી પથ્થરમારો કરી મોઢા-માથા-હાથે-પગે ઇજાઓ કરતાં ફરિયાદ થઇ છે.

બનાવની જાણ થતાં પ્ર.નગરના પીએસઆઇ એમ. બી. ગોસ્વામીએ મનસુખભાઇ પટેલની ફરિયાદ પરથી વિક્રમભાઇ આહિરના ત્રણ દિકરા રામલો, લખન, રાહુલ તથા તેની સાથેના રાકેશ, કેતન, વિપુલ અને ત્રણ-ચાર અજાણ્યા શખસો સામે આઇપીસી ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૩૫૨, ૫૦૪, ૧૨૦-બી, ૪૪૭, ૧૩૫-એ મુજબ ગુનો નોંધ્યો છે.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ ફરિયાદી મનસુખભાઇ પટેલના ભાઇ નાગજીભાઇ પરસાણાની ખેતીની જમીન ભૂતવડમાં આવેલી છે. આ જમીન વર્ષોથી વિક્રમભાઇ આહિર ભાગીયા તરીકે વાવતા હતાં. હવે તેને ભાગીયામાંથી છુટા થવું હોઇ તે માટે પૈસાની માંગણી કરે છે. આ બાબતે મનદુઃખ ચાલતું હોઇ ગઇકાલે મનસુખભાઇ અને તેના ભાઇ નાગજીભાઇ સહિતના વાડીએ કામ કરતાં હતાં ત્યારે વિક્રમ આહિરના દિકરાઓએ ટોળકી રચી હુમલો કરી ગેરકાયેદસર રીતે વાડીમાં ઘુસી જઇ 'તારે વગર પૈસે જમીન ખાલી કરાવવી છે?' તેમ કહી ગાળો દઇ હુમલો કર્યો હતો. જમીન ખાલી કરાવવા બાબતે કોર્ટમાં કેસ પણ થયો હતો. આ કેસ નાગજીભાઇ પટેલ જીતી ગયા હતાં. આમ  છતાં જુના ભાગીયા વિક્રમભાઇના દિકરાઓએ પૈસા માંગી ડખ્ખો કર્યો હતો.

(11:39 am IST)