રાજકોટ
News of Friday, 24th May 2019

દીકરાઓના ત્રાસના લીધે એકલા રહેતા ૮૦ વર્ષના વૃધ્ધાનું ૧૮૧ની ટીમે ફરીથી પરિવાર સાથે મિલન કરાવ્યુ

રાજકોટ, તા.૨૪: વિજયપ્લોટ વિસ્તારમાં દીકરાઓના ત્રાસથી એકલા રહેતા ૮૦ વર્ષના વૃધ્ધાનું ૧૮૧ અભયમની ટીમે કાઉન્સેલીંગ કરી વૃધ્ધાને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

રણુજા વિસ્તારમાં એક ૮૦ વર્ષના વૃધ્ધા તડકામાં બેસેલા જોઇ ૧૮૧ અભયમની ટીમના કાઉન્સેલર ભાવનાબેન પરમાર, જીઆરડી વૈશાલીબેન સરવૈયા અને પાયલોટ નિલેશભાઇ સિંઘવે  વૃધ્ધા પાસે જઇને નામ, સરનામું પૂછી તેમની સમસ્યા જાણવાનો પ્રયત્ન કરતા વૃધ્ધા કાંઇ કહેવા તૈયાર ન હતા. ૧૮૧ની ટીમે વૃધ્ધાને પાણી પીવડાવી આશ્વાસન આપ્યું હતું અને તેમને વિશ્વાસ આપીને તેમની મનની વાત જાણવાનો પ્રયત્ન કરતા વૃધ્ધાએ તેમના ભૂતકાળમાં વીતી ગયેલા દિવસો વિશે જણાવ્યું હતું કે તેઓ હાલમાં વિજયપ્લોટ વિસ્તારમાં પોતાની એક નાની ઓરડીમાં એકલા રહે છે. અને ફુલ વીણીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં ચાર દીકરાઓ છે. આ ચારેય દિકરાઓ વૃધ્ધા પાસે મિલ્કત માટેની આશા રાખીને ખાવા-પીવા કે સાર-સંભાળ રાખતા ન હતા. જેથી આ વૃધ્ધા છેલ્લા ૧૦ વર્ષથી વિધવા છે. તેમનું ભારે શરીર હોવાથી તે ચાલી પણ શકતા નથી. તેમજ દીકરાઓના માનસિક ત્રાસથી કંટાળી વૃધ્ધા હાલમાં એકલા રહેતા હોવાનું જણાવ્યું હતું. ગઇકાલે તેઓ ફુલ વીણવા નીકળ્યા બાદ રણુજા મંદિર નજીક તડકામાં અશકત હાલતમાં બેઠા હતા. ૧૮૧ની ટીમે તેમના ચારેય દીકરાઓનું નામ અને સરનામું પૂછતા તેઓ રામનગર વિસ્તારમાં રહેતા હોવાનું જણાવ્યુ હતું. બાદ અભયમની ટીમે વૃધ્ધાના દીકરાઓનું મકાન શોધી વૃધ્ધાના દીકરાઓનો સંપર્ક કરી તેમના માતા-પીતાની જવાબદારીનું ભાન કરાવી તેઓ વૃધ્ધાની સાર-સંભાળ સાચવવા તૈયાર થયા અને તેમની માતાની જવાબદારી ચારેય દીકરાઓ લેવા બાબતે સમજાવ્યા હતા. બાદ વૃધ્ધાને ચારેય દીકરાઓને સોંપ્યા હતા.

(3:53 pm IST)