રાજકોટ
News of Friday, 24th May 2019

આરોપીઓને છોડી મુકવાના હુકમ સામે સરકાર પક્ષે થયેલ અપીલ રદ

બોગસ આર.સી. બુકના આધારે વાહન વેચી નાખવા અંગે

રાજકોટ તા. ર૪: બોગસ આર.સી. બુકના આધારે વાહન વેચી નાખવાના ગુનામાં પકડાયેલ આરોપીઓ સામેનો કેસ ચાલી જતાં નીચેની અદાલત દ્વારા આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ. જે હુકમ સામે સરકારપક્ષે આરોપીઓને સજા કરવા અંગે કરેલી અપીલને મુખ્ય સેસન્સ જજ શ્રી ગીતાબેનએ રદ કરીને નીચેની કોર્ટના હુકમને બહાલી આપી હતી.

આ અંગેની વિગત એવી છે કે, જુનાગઢના ભરત ઉર્ફે વિજય ઉર્ફે રોપ દુર્વેતીદાસ અને રાજકોટના રૈયા રોડ ઉપર આવેલ રામેશ્વર પાર્કમાં રહેતા વિરેન્દ્ર ઉર્ફે વિરૂ અમરશી લુણાગરીયા વિરૂધ્ધ બોગસ આર.સી. બુકના આધારે વાહન વેચી દેવા અંગે પોલીસમાં ગુનો નોંધાયો હતો.

આ કેસ ચાલી જતાં ઉપરોકત બંને આરોપીઓને નીચેની કોર્ટે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ હુકમ સામે સરકારપક્ષે આરોપીઓ વિરૂધ્ધ સેસન્સ કોર્ટ સમક્ષ અપીલ કરવામાં આવી હતી.

આ અપીલ ચાલી જતાં મુખ્ય સેસન્સ જજ શ્રી ગીતાબેન નીચેની કોર્ટના ચુકાદાને બહાલ રાખીને સરકારની અપીલને ફગાવી દીધી હતી.

આ કામમાં આરોપીઓ વતી એડવોકેટ શ્રી દિપેશ અંધારીયા, જીજ્ઞેશ પઢીયાર વિગેરે રોકાયા હતાં.

(3:52 pm IST)