રાજકોટ
News of Friday, 24th May 2019

ઇસ્કોન મંદિર નજીક રૂડાનગર-૩ પાસે શનિવારી બજાર ખસેડાતા રહેવાસીઓનો ઉગ્ર વિરોધ

ગંદકી, આવારા તત્વોનો ત્રાસ ફેલાવાની પોલીસ અને મ્યુનિસીપલ તંત્ર સમક્ષ દહેશત વ્યકત કરી બજાર બંધ કરાવવા માંગણી

રાજકોટ, તા.,ર૪: કાલાવડ રોડ પર આવેલા ભવ્ય ઇસ્કોન મંદિર નજીક આવેલી રૂડાનગર-૩ સોસાયટીના રહેવાસીઓ દ્વારા આવતીકાલથી અહિંયા ભરાનારી શનિવારી બજારનો ઉગ્ર વિરોધ થઇ રહયો છે. ગઇકાલે મ્યુનિસીપલ તંત્રના જેસીબી દ્વારા સાફ-સફાઇ થયા બાદ થડાના પલંગો ગોઠવાતા રૂડાનગર સોસાયટીના એસોસીએશન દ્વારા  વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પરંતુ તંત્રએ અમને મંજુરી આપ્યાની વાતો કરી પલંગો હટાવાયા ન હતા.

ઉપરોકત મુદ્દે સંબંધીત પોલીસ સ્ટેશનમાં પણ લેખીત રજુઆત કરવામાં આવીછે. છતાં આજ બપોર સુધી અહિંથી પલંગ હટાવવાની કોઇ કામગીરી શરૂ કરવામાં આવી નથી. મ્યુનિસીપલ કમિશ્નર, પોલીસ કમિશ્નર અને અખબારો સમક્ષ પ્લોટો હોલ્ડરોએ રજુઆત કરતા જણાવ્યું હતું કે શનિવારી બજાર અગાઉ ભીમનગર પાસે ભરાતી હતી જયાંથી અહિં ખસેડવામાં આવી રહયાનું અમને જાણવા મળ્યું છે. સંપુર્ણપણે રહેણાંક મકાનો ધરાવતી આ સોસાયટીની છાતી ઉપર  જો આ બજાર ઠોકી બેસાડવામાં આવશે તો આવતા દિવસોમાં ગંદકી, ચોરી-લુંખ્ખા તત્વોનો ત્રાસ સહિતની ન્યુસન્સ વેલ્યુ ફેલાવાનો અંદેશો રહેલો છે. માટે આ બાબતે તંત્ર સમક્ષ લોકશાહી ઢબે વિરોધ નોંધાવી રહયા છીએ. જો યોગ્ય પગલા લઇ બજાર અન્યત્ર ખસેડવામાં નહિ આવે તો આવતા દિવસોમાં ઉપવાસ-આંદોલન પણ કરીશું તેવી ચિમકી આપવામાં આવી છે.

(3:45 pm IST)