રાજકોટ
News of Friday, 24th May 2019

નરેન્દ્રભાઈના નેતૃત્વ-નીતિ-નિર્ણયો અને નિષ્ઠાની જીત થઈ છે

કોંગ્રેસના ગઢમાં જ કોંગ્રેસને મત ન મળ્યા, દેશની જનતા કુશાસનનો બદલો લઈ રહી છે : અબ કી બાર ૩૦૦ કે પાર સૂત્ર સાર્થકઃ કેન્દ્રમાં અમિતભાઈ અને રાજયમાં વિજયભાઈની મહેનત રંગ લાવીઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટ,તા.૨૪: ૨૦૧૯ લોકસભા ચૂંટણીઓમાં ભારતભરમાં ભાજપની ભવ્ય સફળતાનો શ્રેય ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરનારા દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, પક્ષનાં અધ્યક્ષ અમિતભાઈ શાહ ને જાય છે. ગુજરાતમાં ભાજપનાં શ્રેષ્ઠ પ્રદર્શનનો યશ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહ તેમજ રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા દેશ-રાજયનાં કરોડો નાના-મોટા કાર્યકર્તાઓને આપતા ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વ, નીતિ, નિર્ણયો અને નિષ્ઠાની જીત થઈ છે. આ ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે વડાપ્રધાનશ્રીનાં રાષ્ટ્રહિત-લોકહિતમાં ઝડપી નિર્ણયો લેવાની કાર્યશૈલી પર પ્રજાએ મૂકેલા વિશ્વાસનો વિજય થયો છે. ચૂંટણી પ્રચાર અગાઉથી જ કોંગ્રેસ અને સમગ્ર મહાગઠબંધને નરેન્દ્રભાઈ મોદીને બદનામ કરવાનું કાવતરૃં ઘડ્યું હતું, કોંગ્રેસ સહિતનાં પક્ષો નરેન્દ્રભાઈ મોદી પર શાબ્દિક હુમલાઓ કરી રહ્યા હતા તો મમતા અને તેમના ગુંડાઓ ભાજપનાં કાર્યકરો પર સશસ્ત્ર હુમલાઓ કરી રહ્યા હતા પરંતુ પરિણામ શું આવ્યું? લોકસભા ચૂંટણી લડવા ઉભેલા કોંગ્રેસનાં ૯ જેટલા મુખ્યમંત્રીઓની હાર થઈ છે, ગાંધી પરિવાર અને કોંગ્રેસનાં ગઢ ગણાતા અમેઠીમાં જ રાહુલ ગાંધીને પરાજયનો સામનો કરવો પડ્યો છે ઉપરાંત બંગાળમાં પણ મમતા અને તેનાં પક્ષને જનતાએ ચૂપ ચાપ કમળછાપ અપનાવી સબક શીખવ્યો છે. યાદ કરો સમગ્ર ચૂંટણી દરમિયાન વિપક્ષે એક સાથે મળી નરેન્દ્રભાઈ મોદી, ભાજપ અને ભારતને નીચું દેખાડવાના, ધર્મ-સંસ્કૃતિને બદનામ કરવાનાં ઘણા જ પ્રયત્નો કર્યા પણ જીત હંમેશા સત્યની થતી આવી છે અને સત્ય જીતી ચૂકયું છે. ૨૦૧૯ લોકસભા ચૂંટણીને ભારતીય રાજકારણમાં બુરાઈઓ પર સારાઈની જીત થયાના ઉપલક્ષ્યમાં પણ રાખવામાં આવશે.

ઉલ્લખેનીય છે કે, ૨૦૧૯ લોકસભા ચૂંટણીનાં પરિણામો અગાઉ ૩૦૦થી વધુ બેઠક પર ભાજપ જીતશે એવો રાજુભાઈ ધ્રુવનો વિશ્વાસ વાસ્તવિક બન્યો છે ત્યારે રાજુભાઈ ધ્રુવે આ અંગે જણાવ્યું હતું કે, સમગ્ર દેશ સહિત ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપના સુશાસનને લોકોએ દિલથી વધાવી લીધું છે અને કોંગ્રેસની કુનીતિઓને કારમો જાકારો આપ્યો છે. જો ગુજરાતનાં ચૂંટણી પરિણામોની વાત કરવામાં આવે તો કેન્દ્રમાં અમિતભાઈ શાહ અને રાજયમાં વિજયભાઈ રૂપાણીની મહેનત રંગ લાવી છે. છેલ્લાં પાંચ વર્ષથી કેન્દ્રમાં નરેન્દ્રભાઈ અને બે વર્ષથી રાજયમાં વિજયભાઈએ કરેલા લોકહિત કાર્યોને કારણે લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપનાં ભવ્ય વિજય નિશ્ચિત હતો. ગુજરાતમાં જે-જે વિસ્તારોમાં કોંગ્રેસનાં ધારાસભ્યો છે તે-તે વિસ્તારોનાં પરિણામો જૂઓ તો પણ અંદાજ આવી જશે કે ત્યાની પ્રજા કોંગ્રેસી ધારાસભ્યોથી કંટાળી ગઈ છે. આથી ધારાસભ્યોમાંથી સાંસદ બનવા નીકળેલા અને લોકસભા ચૂંટણી લડી રહેલા કોંગ્રેસનાં મોટાભાગનાં નેતાઓને પોતાના જ મતવિસ્તારમાં મત મળ્યા નથી. અલબત્ત્। દેશભરમાંથી લોકસભા ચૂંટણી લડી રહેલા તમામ કોંગ્રેસી નેતાઓ અને તેમના સંતાનોને પ્રજાએ જાકારો આપ્યો છે. દેશની જનતા કોંગ્રેસનાં કુશાસનનો બદલો લઈ રહી છે. આ દેશની જનતા માત્રને માત્ર રાષ્ટ્રહિત, દેશસેવામાં સમર્પિત, પ્રમાણિક લોકસેવકને આવકારી રહી છે.નોંધપાત્ર ઘટના એ છે કે ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રીઓ શ્રી માધવસિંહ સોલંકી ના પુત્ર પૂર્વ કેન્દ્રિય મંત્રી શ્રી ભરતસિંહ સોલંકી નો કોંગ્રેસ ના ગાઢ જેવી આણંદ ની બેઠક તેમજ પૂર્વ મુખ્યમંત્રી શ્રી અમરસિંહભાઈ ચૌધરી ના પુત્ર પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી તુષાર ચૌધરી તેમજ વિરોધ પક્ષ ના નેતા શ્રી પરેશ ધાનાણી જેવા કોંગ્રેસ ના દિગ્ગજ નેતાઓ નો કારમો પરાજય મોદી લહેર ની સામે થયો છે.તેજ બતાવે છે કે લોકમિજાજ કેવો જોરદાર ભાજપ તરફ હતો.

સંપૂર્ણ ભારત સહિત ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનો પ્રચંડ બહુમતી સાથે એકતરફી વિજય થવો એ બાબતની સાબિતી છે કે, દેશની જનતાએ ખરા હૃદયથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં પાંચ વર્ષનાં સુશાસનને વધાવ્યું છે અને ફિર એક બાર મોદી સરકાર તથા આવશે તો મોદી જનાં નારાને સાર્થક બનાવ્યું છે. લોકસભાની ચૂંટણી કોઈ દળ નહીં દેશ લડી રહ્યો હતો ત્યારે લોકસભા ચૂંટણીમાં ભારતભરમાં ભાજપની ઐતિહાસિક જીતનો મહત્વપૂર્ણ ૧૨૫  કરોડ લોકોને શિરે જાય છે. ત્યારબાદ ભાજપની ભવ્ય જીતનાં ખરા હક્કદાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને પક્ષનાં અધ્યક્ષ અમિતભાઈ શાહથી લઈ તમામ નાના-મોટા કાર્યકરો છે જેમણે અબ કી બાર ૩૦૦ પારનાં સૂત્રને સાર્થક બનાવ્યું છે. ગુજરાતમાં પણ ભાજપની જીત શ્રેય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ફાળે જાય છે જેમણે ગુજરાતમાં ૨૬માંથી ૨૬ બેઠકો જીતવાનાં ભાજપને લક્ષ્યને વાસ્તવિક બનાવ્યું. આ તકે ગુજરાત ભાજપનાં ભવ્ય વિજય પાછળ પક્ષનાં તમામ કાર્યકરો અને અગ્રણી નેતાઓની ભૂમિકા પણ એટલી જ મહત્વપૂર્ણ રહી છે એવું જણાવતા ભારતીય રાજકરણમાં ભાજપની ભવ્ય અને ઐતિહાસિક જીત થવા બદલ નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ,તેમજ ગુજરાત માં ઐતિહાસિક વિજય માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી,પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી,સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા સહિત ભાજપ ના તમામ શ્રેણીના અગ્રણીઓ અને કાર્યકર્તાબંધુઓને રાજુભાઈ ધ્રુવે અભિનંદન પાઠવ્યા છે.

(4:11 pm IST)