રાજકોટ
News of Thursday, 24th May 2018

વ્યાજની ઉઘરાણી માટે મંડળીની ઓફિસમાં પુરી સિંધી યુવાન કૈલાસની પાઇપથી ધોલકાઇ

વ્યાજે લીધેલા ૧ લાખની સામે અઢી લાખની ઉઘરાણીઃ અઠવાડીયાથી રોજના ૨-૨ હજાર ભરતો'તોઃ રાજેશ બોરીચા અને સુકેતુ પટેલે પાઇપથી ફટકાર્યાનો આરોપ

રાજકોટ તા. ૨૪: વ્યાજખોરીને નાબુદ કરવા પોલીસ લોક દરબાર યોજી રહી છે અને તેને સારો પ્રતિસાદ પણ સાંપડ્યો છે. આમ છતાં બીજી તરફ વ્યાજખોરો દ્વારા ઉઘરાણી માટે મારકુટના બનાવો બનતા જ રહે છે. નવલનગરના સિંધી યુવાનને વ્યાજ માટે બે શખ્સોએ શરાફી મંડળીની ઓફિસમાં પુરી ધોલધપાટ કરતાં સારવાર માટે દાખલ થયો છે.

નવલનગર-૩માં રહેતો કૈલાસભાઇ ગોવિંદભાઇ ભાગચંદાણી (ઉ.૪૦) સવારે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. તેણે પોતાને ગોકુલધામ જલજીત હોલ પાસે આવેલી એસ.આર. શરાફી મંડળીની ઓફિસે રાજેશ નારણભાઇ બોરીચા તથા તેના ભાગીદાર સુકેતુ પટેલે પ્લાસ્ટીકના પાઇપથી માર માર્યાનું જણાવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતાં એએસઆઇ જી. કે. પરમારે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

કૈલાસભાઇના કહેવા મુજબ તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે અગાઉ મોબાઇલની દૂકાન ચલાવતો હતો. પણ ખોટ જતાં બંધ કરી હતી. હાલમાં ચંદ્રેશનગર રોડ પર દાળ પકવાનની લારી રાખી ધંધો કરે છે. અગાઉના દેણા ચુકવવા પૈસાની જરૂરી ઉભી થતાં એસ.આર. શરાફી મંડળીવાળા રાજેશ બોરીચા પાસેથી ચાર મહિના પહેલા ૧ લાખ લીધા હતાં. આ રકમ સામે ૪૬૦૦-૪૬૦૦ના ૩૬ હપ્તા આપવાના હતાં. ત્રણેક મહિના આ રીતે રકમ ભરી હતી. પણ હવે છેલ્લા એક અઠવાડીયાથી રોજના બે હજાર વસુલવાનું શરૂ કરાયું હતું.

કૈલાસભાઇએ આગળ જણાવ્યું હતું કે પોતે રોજના બે હજાર દરરોજ સાંજે ચુકવવા જતો હતો. ગઇકાલે છને બદલે સાંજે સાત વાગ્યે પહોંચતા રાજેશ અને સુકેતુએ તને હવા આવી ગઇ લાગે છે? મોડો કેમ આવ્યો? કહી ઓફિસમાં પુરીને માર મારવામાં આવ્યો હતો. રાતે પોતે ઘરે સુઇ ગયો હતો. સવારે દુઃખાવો ઉપડતાં દાખલ થયો હતો. (૧૪.૧૦)

(4:09 pm IST)