રાજકોટ
News of Thursday, 24th May 2018

સોફટવેરના ધંધાર્થી જીજ્ઞાબેન પટેલનો વાપીનો કિંમતી પ્લોટ પડાવી લેવા કાવાદાવાઃ સતત ખૂનની ધમકી

કાલાવડ રોડ આર. કે. પાર્કમાં રહેતાં યુવતિને તે વાપી બહેનના ઘરે હતાં ત્યારે ત્યાંના જીનેશ શાહ, અભય શાહ, કેતન શાહ અને જીજ્ઞેશે ધમકી આપ્યા બાદ ફોનમાં પણ સતત હેરાનગતિઃ તાલુકા પોલીસે ગુનો નોંધ્યોઃ જીનેશે ફોન કરી કહ્યું-અમારો ધંધો વકિલાતનો છે, ખોટા કેસ ઉભા કરવામાં કેતન માહેર છે...એટલા કેસ ઉભા કરીશું કે તમે નવરા જ નહિ રહો!!

રાજકોટ તા. ૨૪: કાલાવડ રોડ પર રાણી ટાવર પાછળ આર. કે. પાર્કમાં રહેતાં અને સોફટવેરનો ઓનલાઇન બિઝનેસ કરતાં પટેલ યુવતિની માલિકીના વાપીમાં આવેલા અતિ કિંમતી પ્લોટમાં કબ્જો કરનારા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ થતાં આ શખ્સોએ આ પટેલ યુવતિને તે વાપી તેના બહેનના ઘરે હતાં ત્યારે રૂબરૂ મળીને અને બાદમાં રાજકોટ પોતાના ઘરે હતાં ત્યારે ફોન કરી પ્લોટ પરત નહિ આપો તો મારી નાંખશું...ખોટા કેસ ઉભા કરીશું...તેવી ધમકી આપતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

પોલીસે આર. કે. પાર્ક પ્લોટ નં. ૨૬માં 'નિર્મલા' ખાતે રહેતાં જીજ્ઞાબેન સવજીભાઇ પટેલ (ઉ.૩૫)ની ફરિયાદ પરથી જીનેશ નાહર (શાહ), અભય જયંતિલાલ નાહર (શાહ), કેતન નાહર (શાહ) અને જીજ્ઞેશ ભરતભાઇ રાઠોડ વિરૂધ્ધ આઇપીસી ૫૦૪, ૫૦૭, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

જીજ્ઞાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું હું પિતા સાથે રહુ છું અને બીગ બાઝાર ઇસ્કોન મોલ બિલ્ડીંગમાં ઓફિસ નં. ૩૩૬/૩૩૭માં ચેમ્પિયન સોફટવેર ટેકનોલોજી લી.ના નામથી સોફટવેરનો ઓનલાઇન બિઝનેસ કરુ છું. ૨૪/૩ના રોજ હું વાપી રહેતાં મારા બહેન ડો. જયશ્રીબેનના ઘરે ગઇ હતી. તે વખતે ત્યાં જીનેશ નાહર (શાહ) આવ્યો હતો. તેણે અગાઉ અમારી જમીનમાં કબ્જો કર્યો હોઇ તે બાબતે અમે તેના પર કેસ કર્યો હતો. આ જમીન તે પડાવવા ઇચ્છતો હોઇ તેણે જમીન પોતાના નામે કરી દેવા કહી ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપી હતી.

એ પછી વાપીમાં ગેલેકસી કમ્પાઉન્ડ નામની જગ્યાએ હું તથા મારા બહેન ફરવા ગયા હતાં ત્યારે ત્યાં પણ જીનેશ શાહ, અભય શાહ અને જીજ્ઞેશ રાઠોડે આવીને  જમની અમારા નામે કરી દો, નહિતર મારી નાંખશું તેવી ધમકી આપી હતી. એ પછી હું રાજકોટ આવી ગઇ હતી. મારા ઘરે હતી ત્યારે જીનેશે મારા મોબાઇલ પર જુદા-જુદા નંબરમાંથી ફોન કરી ફરીથી ધમકી આપી હતી અને એવું કહ્યું હતું કે અમારો ધંધો વકિલાતનો છે, કેતન ખોટા કાગળો બનાવવામાં માહેર છે. તમને ખોટા કેસમાં ફસાવી દઇશું. અમારા માણસો રાજકોટમાં પણ છે તેવી ધમકી આપી હતી.

એ પછી બીજા ફોનમાંથી ફોન આવેલ કે જમીન જીનેશના નામે કરી દો નહિતર પતાવી દઇશું અને તમને તમારા વિરૂધ્ધ એટલા બધા કેસ ઉભા કરીશું કે તમે નવરા જ નહિ રહો...આવી ધમકી આપતાં અંતે તાલુકા પોલીસને જાણ કરી હતી.

પી.એસ.આઇ. ટી. ડી. ચુડાસમાએ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જીજ્ઞાબેનની અતિ કિંમતી જમીન વાપીમાં આવેલી છે. આ જમીન પડાવી લેવા કાવાદાવા કરી ધમકીઓ અપાતી હોવાનું બહાર આવ્યું છે. (૧૪.૮)

 

(12:59 pm IST)