રાજકોટ
News of Saturday, 24th April 2021

કાલે પૂ. રણછોડદાસજીબાપુનો મહાસમાધી દિવસ : સૌએ ઘરે ઘરે પૂજા-પાઠ કરવા અપીલ

રાજકોટ તા. ર૪ :.. પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ (શ્રી સદ્ગુરૂ સદન ટ્રસ્ટ), રાજકોટ દ્વારા પ.પૂ. શ્રી સદ્ગુરૂદેવ ભગવાન શ્રી રણછોડદાસજીબાપુશ્રીનાં પ૧ (એકાવન) માં મહાદિવસ એટલે કે ચૈત્ર સુદ-૧૩, ૧૯૭૦ માં, સૂર્યા એપાર્ટમેન્ટ, બ્રિચકેન્ડી હોસ્પિટલની સામે, મુંબઇમાં પ.પૂ. શ્રી સદ્ગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજી બાપુશ્રીએ આ માનવસૃષ્ટિમાં તેઓએ કરેલા દિવ્ય માનવ સેવાનાં રાહતકાર્યો તથા માનવધર્મ સ્થાપિત કરીને દિવ્યજયોત રૂપી શરીર છોડીને સુક્ષ્મરૂપમાં બિરાજયા છે, આજે એટલે કે ચૈત્રસુદ-૧૩, ર૦ર૧ માં તેઓનાં મહાસમાધિનાં પ૧ વર્ષ પુર્ણ થાય છે.

આ પ૧ માં મહાસમાધિ દિવસ એટલે કે ચૈત્ર સુદ-૧૩, ૧૯૭૦, રવિવારનાં રોજ ર.૩૮ મીનીટે શરીર છોડેલ હતું. પ.પૂ. શ્રી સદ્ગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુ શ્રીએ લોકોનાં દુઃખ, કષ્ટ સહન કરવા ભગવાનને ઇન્દોર કાષ્ટમૌન તા. ૧-૧૦-૧૯૬૦ માં પોતાની અભિલાષા કરી છે. જે આ મુજબ છે.

હે પ્રભુ! મુઝે કોઇ શુભ ગતિકી ઇચ્છા નહી હૈ, ન મોક્ષકા મૂઝે ખ્યાલ હૈ.

અષ્ટસિધ્ધી કો મૈં નહી ચાહતા, ઔર ન મૂઝે સ્વર્ગમેં વિશ્વાસ હૈ...

મુઝે એક હી અભિલાષા હૈ કિ, જગત કે પ્રાણીમાત્ર કે કષ્ટ, દુઃખ મૈં ભાગ લું,

ઉનકે દુઃખોકા નાશ હો, ઔર ઉનકે મનમેં સુખકી પ્રતીતિ હો.

આવી ઉમદા ભાવના સાથે લોકોના દુઃખ, કષ્ટ સહન કરવા તેઓ મોક્ષ નથી ઇચ્છતા અને લોકોને સુખ મળે એ નિમિતે તેઓ ભગવાનને પ્રાર્થના કરી છે.

તથા પ.પૂ.શ્રી સદગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીએ સમગ્ર માનવજાત માટે માનવસેવાનો સિધ્ધાંત આપ્યો હતો. તેઓશ્રીએ પોતાની અંતિમ ઇચ્છા પુનામાં ઓકટોબર ૧૯૬૯માં ડાયરીમાં લખાવતા કહયું હતું કે, 'સમગ્ર ભારત વર્ષનું ઉત્થાન થાય તથા નેત્રયજ્ઞ સેવા નિરંતર ચાલુ રહે'. આમ તેઓએ ભારત દેશનું ઉત્થાન તથા નેત્રયજ્ઞની સેવાની ઇચ્છા ડાયરીમાં લખાવી હતી, એ ચરિતાર્થ કરીને આજે શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ સમગ્ર ગુજરાત તથા ભારતમાં નેત્રયજ્ઞની સેવા કરીને સાકાર કરે છે.

આ ચૈત્રસુદ-૧૩, તા.૨૫-૪-૨૦૨૧ રવિવારનાં રોજ, મહાસમાધિના દિવસે સર્વે ગુરૂભાઇ-બહેનો પોતાના ઘરે પ.પૂ.શ્રી સદગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજી બાપુશ્રીનું પુજન તથા સુંદરકાંડ અને શ્રી રામચરિતમાનસજી અખંડ પાઠ કરે. તેઓના માનવસેવાનાં સિધ્ધાંત ચરિતાર્થ કરીને સમગ્ર માનવજાત માટે વિશ્વ કલ્યાણની ભવના સાથે માનવસૃષ્ટિ ઉપર આવી પડેલી આ કોરોના વાઇરસની વિપત્તી દુર થાય એ હેતુ 'સર્વ જન હિતાય',  'સર્વ જન સુખાય' એ નિમિતે પ્રાર્થના કરે અને સૌને સારૂ સ્વસ્થ પ્રાપ્ત એવી પ્રાર્થના આજના મહાસમાધિ દિવસ, ચૈત્રસુદ-૧૩, તા.૨૫-૪-૨૦૨૧, રવિવારનાં રોજ ઉજવીએ. તેવી અપીલ શ્રી સદગુરૂ સદન ટ્રસ્ટ, રાજકોટ દ્વારા કરાઇ છે.

(4:14 pm IST)