રાજકોટ
News of Saturday, 24th April 2021

વાત્સલ્યમય-વૈરાગ્યમય વ્યકિતત્વ પૂ.બા મહારાજ શ્રી રત્નયશાશ્રીજી

'કાં દીકરાનો જાન બચશે, કાં માતાનો જાન બચશે... શું ઈચ્છા છે તમારી ?્ન મેટરનીટી હોમમાં દાખલ થયેલ એક બહેન માટે ડોકટર એમના પતિ સાથે વાત કરી રહ્યા છે. આ શબ્દો માતૃત્વથી છલકાતા બહેનના કાનમાં પડ્યા અને એમણે આંખ ખોલી, હતું એટલું જોર એકઠું કરી, પ્રસૂતિની પીડા વચ્ચે પણ ડોકટરને કહ્યું - 'મારૂજે થવું હોય તે થાય, દીકરાને બચાવજો...આ શબ્દોમાં માતૃત્વની જવલંત ભાવના તો હતી જ, સાથે અંતરમાં અરમાન હતા... પોતાની સંયમ લેવાની અધૂરી ઈચ્છા પોતાના પુત્રને શાસનના ચરણે સોંપી એમને પૂરી કરવી હતી. આખરે માતાની ઈચ્છા માન્ય રાખવામાં આવી. સહુના પુણ્યોદયે માતા અને બાળક બન્ને સલામત રહ્યા.

આ બાળક એટલે જ શાસનના ચરણે સોંપાયેલ રત્ન આજના પૂજય આચાર્ય ભગવંત શ્રીયશોવિજયસૂરીશ્વરજી મહારાજ અને તે રત્નકુક્ષી માતા એટલે જ પૂજય સાધ્વીવર્યા શ્રીરત્નયશાશ્રીજી મહારાજ (પૂજય બા મહારાજ). જયારે પોતાના દીકરાને સંયમની ભાવના થઈ ત્યારે પોતાના શ્રાવકનો કઠોર વિરોધ હોવા છતાં દીકરાને પૂરું પીઠબળ આપ્યું. એની ભાવનાને વધારી. જન્મથી લઈને પોતાના સઘળાં સંતાનોને તેમણે મજબૂત સંસ્કારો આપ્યા હતા. જયણાના, સાધુ-સાધ્વીજી ભગવંતોની ભકિતના, પ્રભુદર્શનના, સાત્વિકતાના અને સ્વાવલંબનના પાઠો એમણે પોતાના ચારે'ય સંતાનોને ભણાવ્યા હતા. પોતાના માતૃત્વને તેમણે આ રીતે સાર્થક કર્યું હતું.

પોતાના મોટા દીકરાને શાસનના ચરણે સોંપી રત્નકુક્ષી માતા બન્યા અને બીજા સંતાનોના મનમાં પણ વૈરાગ્ય જન્મે તેવી ભાવના રાખતા હતા ! એમણે પોતાના સંતાનને પ્રભુ ચરણે સોંપી દઈને કૃતકૃત્યતા ન હતી માની લીધી. પરમ વાત્સલ્ય સાથે દીકરાના આત્માની ચિંતા દીક્ષા પછી પણ કરતા રહી તેઓ પ્રભુ શાસનના ખરા શ્રાવિકા બન્યા હતા. દીક્ષા પછી જયારે પણ દીકરા મહારાજને વંદન કરવા જાય ત્યારે તેમના શરીરની કાળજીના બદલે આત્માની કાળજી ઉપર વધુ લક્ષ્ય આપતા. દીકરા મહારાજ એકાસણા કરતા હોય તો આયંબિલ માટે પ્રેરણા કરતા. તે વખતે દીકરા મહારાજ (પૂ.યશોવિજયસૂ. મ.) પૂજય આચાર્ય ભગવંત શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં આરાધના કરતા હતા. તેઓ બેધડક આચાર્ય ભગવંતને કહેતા - 'મારા દીકરા મહારાજનું બરાબર ઘડતર કરજો, ભૂલ પડે તો બેઝિઝક ઠપકો આપજો... એ જરૂર તમારું માનશે. મને મારા લોહી પર અને સંસ્કાર પર ભરોસો છે. આપ બિલકુલ નરમાશ રાખતા નહીં...આવડા મોટા ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતને અને જેઓશ્રી પોતાની ચુસ્તતા અને કડકાઈ માટે જગપ્રસિદ્ઘ હતા તે આચાર્ય ભગવંતને આવું કઈ માતા કહી શકે ? આ હતું એમનું વૈરાગ્યમય વાત્સલ્ય !

પછી તો તેમના સંસ્કારોએ રંગ ચાખ્યો. એ દીકરા મહારાજ જિનશાસનના આચાર્ય તો થયા જ, બાકીના સંતાનોએ પણ પ્રભુનો પંથ સ્વીકાર્યો. તેમણે હોંશે હોંશે પોતાના બધાં જ સંતાનોને પ્રભુ શાસનને સોપ્યા, જેઓ આજે જિનશાસનની શાન વધારી રહ્યા છે. પૂજય પંન્યાસ શ્રીદિવ્યયશધિજયજી મહારાજ તેમના નાના દીકરા મહારાજ તેમના ઘડપણનો આશરો કહો કે નાના હોવાથી વધુ વ્હાલા કહો, પરંતુ તેઓએ તેમને પણ સંયમ પંથે વળાવ્યા. બન્ને દીકરી મહારાજ - પૂજય સાધ્વીવર્યા શ્રીકલાવતીશ્રીજી મહારાજ અને પૂજય સાધ્વીવર્યા શ્રી પ્રશમરતિશ્રીજી મહારાજ. આ ચારે'ય સંતાનોને તેઓએ પ્રભુના ચરણે સમર્પિત કરી દીધા. પોતાના ભવિષ્યની ચિંતા રાખ્યા વિના ! પરંતુ જે પ્રભુ શાસનના ભવિષ્યને ઉજ્જવળ બનાવનાર હોય તેનું ભવિષ્ય ઉજ્જવળ જ હોય ને ! આખરે એમના ભવિષ્યને ઉજાળવાનું કામ એમના જ સંતાનોએ કર્યું.

તેમનો જીવ ખૂબ આરાધક !  ખૂબ જયણા પ્રેમી ! જિનશાસન પ્રત્યેનો તથા એના આચાર અને સિદ્ઘાંત પ્રત્યેનો એમનો પ્રેમ ખૂબ અદ્બુત ! પરંતુ શારીરિક રીતે ખૂબ લાચાર હતા. ખોરાક પચતો નહતો. કશું જ વાપરી શકતા નહતા. પરિણામે અન્ય-અન્ય અશકિત વગેરે રોગો રહેતા હતા. સહજ છે કે આમાં દીક્ષા તો કેમ મળે ? પોતાની નાનપણમાં જ સંયમ લેવાની તીવ્ર ભાવના હતી. પરંતુ કાળ-સંજોગવશ તેઓ પોતાની ભાવના પૂરી ન કરી શકયા અને સુશ્રાવક શ્રીરમણિકભાઈ જોડે લગ્નગ્રંથિથી જોડાયા. તે છતાં અંદર સંયમ લેવાની ભાવના - ઝંખના સતત રહેતી હતી. દીકરા મહારાજ પ્રવચનકાર થયા, ત્યારે લગભગ દરેક ચોમાસામાં પ્રવચન શ્રવણ કરવા આવે અને ચાતુર્માસ કરે, શારીરિક અનેક મુસીબતો હોવા છતાં. ત્યારે ઘણીવાર કહે - 'મને તો તમે દીક્ષા ન આપો ને ? મારી કેવી તબિયત છે ? તમે ચારેય તરી ગયા. હું સંસારમાં ફસાઈ ગઈ.

દીકરા મહારાજ (પૂ.યશોવિજયસૂ.મ.) ની ગણિપદવીનો પ્રસંગ, પાર્શ્પ્રજ્ઞાલય તીર્થ, પૂનાની ભૂમિ ! આખા પરિવાર સાથે તેઓ પણ આવેલા. પૂજયપાદ સ્વ.ગચ્છાધિપતિ શ્રીજયઘોષસૂરીશ્વરજી મહારાજની શીળી છાયા ! ત્યારે ફરીથી તેમણે સંયમની ભાવના વ્યકત કરી. તેમની પ્રબળ ભાવના જોતાં દીકરા મહારાજે વાત ઝીલી લીધી. બેન મહારાજ સાથે વાત કરી. પૂજયપાદ ગચ્છાધિપતિશ્રી સાથે પરામર્શ કર્યો. બધાંએ હકારાત્મક જવાબ આપ્યો. સહુ સંતાનોએ ભેગા થઈ સંસારી પિતાશ્રી રમણિકભાઈને વાત કરી. શ્રીરમણિકભાઈએ ચારેય સંતાનો પાસે તેમની સમાધિની ખાતરી લઈ દીક્ષાની પળવારમાં અનુમતિ આપી દીધી. દીક્ષાનું મુહર્ત બીજા જ દિવસનું હતું... સહુના ઉત્સાહ સાથે ૬૩ વર્ષની ઉંમરે પૂજયપાદ ગચ્છાધિપતિશ્રીના વરદ હસ્તે તેમને સંયમજીવનની પ્રાપ્તિ થઈ... તેઓ પૂજયપાદ ચુસ્તસંયમી સાધ્વીવર્યા શ્રીરવિપ્રભાશ્રીજી મ.ના શિષ્યત્વને પામ્યા. વર્ષોની તેમની ભાવના પૂર્ણ થઈ. સંયમ જીવનના પક્ષપાતે તેમના આરોગ્યમાં પણ જબરો પલટો આણ્યો. તપ ન કરી શકનારા તેઓશ્રી અત્યંત અશકત હોવા છતાં અને દીક્ષા પહેલા તો નવકારશીથી વધુ કોઈ પચ્ચકખાણ તે કરી શકે તેમ ન હોવા છતાં તેમણે આખા જોગ આંબેલ-નીવીથી સળંગ પૂરા કર્યા. આ કોઈ ચમત્કારથી ઓછું ન હતું. 'દીક્ષા વિષાપહારિણી' - પૂજય હરિભદ્રસૂ.મ.સા.ના વચનનો આ સાક્ષાત્કાર હતો. દીક્ષા પછી ઘણો ખરો વિહાર ચાલીને કરવા લાગ્યા... દીક્ષા લેતી વખતની પ્રદક્ષિણા વખતે પણ જેણે ટેકો લેવો પડ્યો હોય તે વ્યકિત વિહાર કરે - ચાલીને તે એક આશ્યર્ય જ કહેવાય ને !

દીક્ષા પછી ખૂબ આરાધનામય તેમના પાંચેક વર્ષ પૂર્ણ થયા. તેમનો જીવ સતત સંયમજીવનના આચારોમાં રહેતો. જયણાના સંસ્કાર - જીવદયાના સંસ્કાર ખૂબ દઢ હતા. કયાંક કોઈક કપડું હવામાં કરફરતું દેખાય તો તરત ટકોર કરે, સાથેના દીકરી મહારાજ વગેરેને પણ સંયમ આચારોની પ્રેરણા કરે રાખે, અને પોતાની આરાધનામાં ખૂબ દઢ રહે. સંયમના આચારો તૂટે તેવી કોઈપણ દવા કે સારવાર કરવાનું તેમને બિલકુલ ન ગમે. વડોદરા તેઓ બિરાજમાન હતા ત્યારે અચાનક કોમામાં ચાલ્યા ગયા અને ૭૬ કલાક કોમામાં રહ્યા... પ્રભુકુપાએ અને સુશ્રાવક ડોકટર પારસભાઈની જહેમતથી - વડીલોના આશીષથી તેઓ કોમામાંથી પાછા આવ્યા. પરંતુ તેમની તબિયત અત્યંત નાજુક રહેવા લાગી. રોટલી તો ર૩ વર્ષથી વાપરી ન હતી. ખોરાક અત્યંત અલ્પ હતો. તેમાં આ બિમારીએ તેમના શરીરની ઘણી તાકાત હણી નાંખી. દીકરા મહારાજને જયારે સમાચાર મળ્યા ત્યારે તેઓએ પણ આખી રાત જાગી કાયોત્સર્ગ કર્યો, એમની સમાધિ માટે ! 

દીકરા મહારાજના મનમાં વિચારણા ચાલતી હતી કે - તેઓએ મારા ભરોસે દીક્ષા લીધી છે, તો એમની સમાધિ માટે મારે એમની સાથે જ રહેવું જોઈએ. પૂજયપાદ ગચ્છાધિપતિશ્રીને વાત કરી, તેઓએ કહ્યું, 'એમના આખરી શ્વાસ સુધી એમનો સાથ ન છોડતો. મેં મારા બાપુજી મ.ની સેવા માટે ૧૪ વર્ષ એક જગ્યાએ ચોમાસા કર્યા હતા. દીકરા મહારાજે પણ પૂજયપાદ ગચ્છાધિપતિ શ્રીજયઘોષસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા શિરસાવંદ કરી અને અખંડપણે પાળી.

બા મહારાજની તબિયત ખૂબ નાજુક રહેતી હતી. વિહાર કરી શકતા ન હતા. આખરે સ્થિરવાસનો નિર્ણય લેવાયો. દીકરા મહારાજે તેમની સમાધિ માટે સાથે રહ્યા. શ્રીજાગનાથ શ્વે.મૂ.જૈન સંઘ, રાજકોટે આગ્રહપૂર્વકની વિનંતિ કરી આ લાભ મેળવ્યો અને ખૂબ સેવાભકિત કરી. અનેકવાર પરિસ્થિતિ ઘણી જ નાજૂક થઈ જતી. પરંતુ પ્રભુકૃપાએ બા મહારાજ હેમ-ખેમ બહાર આવી જતા. વર્ષોથી સંપૂર્ણ બેડરેસ્ટ જેવી જ સ્થિતિ રહી. આ વર્ષો દરમ્યાન બન્ને દિકરી મહારાજે તથા અન્ય સહવત્ત્।ર્ી સાધ્વીજી ભગવંતે જે અનુપમ સેવા કરી છે, તે માથું નમાવી દે તેવી છે. તેઓએ બા મહારાજના સ્વાસ્થ્યની સાથે સમાધિની પણ એટલી જ કાળજી કરી છે... એમની સેવા જોઈ સહુ કોઈ અનુમોદના કર્યા વિના રહી શકતા નહીં.

૮૦ વર્ષની ઉંમરે, ૧૭ વર્ષનો સંયમ પર્યાય પાળી પોતાની અધૂરી સાધના પૂરી કરવા તેમણે મહાપ્રયાણ કર્યું.

છેલ્લા ઘણા વર્ષોથી નિષ્ઠાપૂર્વક બા મહારાજની સેવા કરી છે - ડો. તુષારભાઈએ. તથા છેલ્લા સમયે નિષ્ઠાપૂર્વક માર્ગદર્શન અને સેવા આપી છે - સ્ટર્લિંગવાળા ડો. ઝાલા સાહેબે તથા ડો. મોનિલે, ડો. મનીષભાઈ, ડો. સુનીલભાઈ, ડો. નિધિબેન, ડો. ભાવિકાબેન, ડો. મોનિકાબેન, ડો. જાગૃતિબેન, ડો. જિગરભાઈ (અમદાવાદ), વૈધ હરીશભાઈ (જામનગર), ડો. અમિતભાઈ (જામનગર), વૈધ સચીનભાઈ, ડો. રૂપેશભાઈ મહેતા, હાડવેદ્ય વાળાભાઈ - દીલીપભાઈ વગેરેની સેવા પણ ભૂલી નહિ શકાય.

શ્રીજાગનાથ શ્વે.મૂ. જૈન સંઘ તથા પ્રહલાદ પ્લોટ શ્રીસંઘે પણ ખડા પગે સેવા કરી. બા મહારાજના અનુપાનની વર્ષોથી જવાબદારી ખૂબ ઉલ્લાસપૂર્વક સંભાળી - શ્રી પાયલ બહેને ! તથા તેમના સાથ પૂરાવવાનું કામ કર્યું મીનલબેન, પારૂલબેન, કોમલબેન, ઉર્વીબેન તથા ગોપીબેને.

પૂજય બા મહારાજના સંસારી પરિવારે પણ સમયે-સમયે ખૂબ કાળજી કરી છે. જાગનાથ સંથના પ્રમુખ દિનેશભાઈ પારેખ, હેમેન્દ્રભાઈ, દિલેશભાઈ, પ્રફુલ્લભાઈ, રાજુભાઈ, ભાવિનભાઈ, મહેન્દ્રભાઈ ઝવેરી, કૌશિકભાઈ, શ્રીનિલેશભાઈ, પરેશભાઈ, પરીનભાઈ, હર્ષલ, જીતુભાઈ વસા, પંકજભાઈ શેઠ વગેરે અનેક સુશ્રાવકોએ વર્ષોથી પૂજય બા મહારાજની સેવા કરી છે. છેલ્લે છેલ્લે પણ અનેક સુશ્રાવકો કરણભાઈ, વૈભવભાઈ, મિહિરભાઈ, સિમોલીબેન, જુગલભાઈ, ચિરાગભાઈ, નેહલભાઈ, કમલેશભાઈ વગેરેએ પણ દિવસ-રાત ખડેપગે સેવા કરી છે.

(4:04 pm IST)