રાજકોટ
News of Saturday, 24th April 2021

પ્રહલાદ પ્લોટની એ ઘટનામાં ન્યાયી તપાસ કરોઃ મહિલા કોંગ્રેસની પોલીસ કમિશનર સમક્ષ માંગણી

રાજકોટ તા. ૨૪: શહેર કોંગ્રેસ મહિલા મહામંત્રી શ્વેતાબેન વાગડીયા, મહિલા મંત્રી રંજનબેન પારેખ અને અલ્કાબેન રવાણીએ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલને લેખિત રજૂઆત કરી ૧૯/૪ના રોજ પ્રહલાદ પ્લોટમાં બનેલી ઘટનામાં ન્યાયી તપાસ કરવા માંગણી કરી છે.

લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે પ્રહલાદ પ્લોટમાં કરોડોની છેતરપીંડીની અરજીની તપાસમાં ગયેલા ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ અને તેમના રાઇટર સાથે ઘટના બની તે શહેરના ભદ્ર સમાજ માટે અને પોલીસ માટે પણ શરમજનક ઘટના હતી. સમગ્ર ઘટનામાં અમે કોઇ ગુનેગારની તરફેણ નથી કરતાં. પરંતુ ઘટના સંદર્ભે જાણવા માંગીએ છીએ કે અરજી સંદર્ભે પરિવારના કેટલા સભ્યો સામે ગુનો દાખલ કરાયો હતો? કેટલા દિવસથી તપાસ ચાલુ હતી? પરિવાના કેટલા સભ્યોને પુછતાછ માટે બોલાવાયા હતાં? ૧૯મીએ મહિલા પોલીસની હાજરી વગર જે કાર્યવાહી થઇ અને ભદ્ર સમાજની મહિલાઓ સાથે જે વર્તન થયું તે ગંભીર બાબત છે. બળ પ્રયોગ થયું તેમાં ન્યાયી તપાસની અમારી માંગણી છે.

કોંગ્રેસની આ મહિલા અગ્રણીઓએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે ભદ્ર સમાજની મહિલાઓને જે રીતે ઢસડી વાળ ખેંચી પોલીસે જે વર્તન કર્યુ તે બાબતે મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી કંઇ કહેશે કે પછી અત્યારે મતની જરૂર નથી?

(4:01 pm IST)