રાજકોટ
News of Saturday, 24th April 2021

રાજકોટ કેટરીંગ સર્વિસ એસો. દ્વારા ૩૧ સુધી સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય

સેવાકીય ઉદેશ્યથી ટિફિન-સર્વિસ કે કેટરિંગ સેવા ચાલુ રાખી શકશે

રાજકોટ તા. ૨૪ : રાજકોટ કેટરિંગ સર્વિસ એસોસિએશનના પ્રમુખ કિરીટભાઈ બુદ્ઘદેવ (રચિત કેટરિંગ) એ આજે તેમની કારોબારી સમિતિ સાથે મળી સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય કર્યો અને કેટરિંગ વ્યવસાય સાથે જોડાયેલા તમામ સાથી-મિત્રોને પણ આ લોકડાઉનમાં જોડાવા નમ્ર અપીલ કરી છે. તેમના જણાવ્યાં મુજબ દરેક કેટરર્સ આજથી તા. ૩૧ મે સુધી સ્વૈચ્છીક લોકડાઉન પાળે, જેથી દરેક ભાઈઓ પોતાને, તેમના સ્ટાફના સભ્યોને અને સૌના પરિવારજનોને હાલના કોરોનાના બીજા વધુ ભયાવહ લહેરમાં સુરક્ષિત રાખી શકે. જે કેટરર્સ ભાઈઓ હાલ સેવાકીય ઉદેશ્યથી ટિફિન-સર્વિસ કે કેટરિંગ સેવા આપતા હોય તેઓ તેમનું આ ઉમદા સામાજિક સેવાકાર્ય ચાલું રાખી અન્ય દરેક આ નિર્ણય સાથે જોડાય તેવી ભાવના વ્યકત કરેલ છે.

એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી દીપકભાઈ સંઘવી (ફાઈવ સ્ટાર કેટરર્સ), સેક્રેટરી ચંદ્રેશભાઈ મહેતા (વેસ્ટર્ન કેટરર્સ), જો. સેક. ચેતનભાઈ પારેખ (રાધે કેટરર્સ), ખજાનચી અશ્વિનભાઈ શાહ (અમી કેટરર્સ), કારોબારી સભ્યો કિશોરભાઈ શાહ (મહાવીર કેટ.), ભાવિનભાઈ થાનકી (આશાપુરા કેટરર્સ), રાજુભાઈ રંગાણી (આકાશ કેટ.), જીતુભાઈ ત્રિવેદી (વંદે શનેશ્વર કેટ.) હરેશભાઈ જોશી (જોશી કેટ.) વી. આ નિર્ણયનું એક અવાજે સમર્થન કરી, તેને અમલમાં મૂકી અન્ય દરેકને પણ આની સાથે સ્વેચ્છાએ જોડાવા નમ્ર નિવેદન કરેલ છે. સૌ સાથે મળીને કોરોના સંક્રમણને શકય તેટલું રોકીને આ મહામારીને સત્વરે નાથવા પોતાનું યોગદાન આપે તેવી અપીલ કિરીટભાઇ બુધ્ધદેવ (મો.૯૮૨૪૦ ૪૨૦૦૬) દ્વારા કરાઇ છે.

(3:02 pm IST)