રાજકોટ
News of Saturday, 24th April 2021

રાજકોટમાં બેડ ઉપલબ્ધ નથીઃ ઓકસીજનની અછતઃ રેમડેસિવિર માટે લાઇનોઃ દર્દીઓની હાલત કફોડી

ઓ સાહેબ, કંઈક કરો હવે, બેડ નથી, ઓકિસજન નથી, ઈન્જેકશન નથી, અમારૂ કોણ?... મહિલાની વેદના

રાજકોટ, તા.૨૪: રાજકોટમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. વધતા કોરોના કેસ સામે આરોગ્ય સુવિધાને લઈને સવાલ ઉઠ્યા છે. સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીના કન્વેન્શન હોલમાં બનાવેલી કોવિડ હોસ્પિટલ શરૂ જ નથી કરાઈ કારણ છે ઓકિસજનનો અભાવ.

રાજકોટમાં કોરોનાના કહેરમાં દર્દીના સગાઓની વ્યથા સમજાય તેમ છતાં મદદ કરવી મુશ્કેલ બની રહી છે. ત્યારે પોતાના પતિ માટે ઈન્જેકશન લેવા દોડાદોડી કરી રહેલી મહિલાની વ્યથા સામે આવી છે. રેમડેસિવિર લેવા આવેલી મહિલા કહે છે કે, મારા પતિને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને હું રેમડેસિવર ઈન્જેકશન માટે હાલ ફરી રહી છું. મહેરબાની કરીને ઇન્જેકશન દર્દીઓને મળે તેવી કલેકટર વ્યવસ્થા કરે તો સારુ. ઓકિસજનના બાટલા માટે શાપર જવું પડે છે. સારવાર માટે સિવિલમાં બેડ નથી મળતો. મહામારી છે પણ સાવ હવે આવી?

રાજકોટની સિવિલ હોસ્પિટલ બહાર કતારો યથાવત જોવા મળી રહી છે. રાજકોટમાં હજુ પણ એમ્બ્યુલન્સ-ખાનગી વાહનોની કતાર લાગેલી છે. દર્દીને ગાડીમાં જ  સારવાર લઈ રહ્યા છે. પરિવારજનો દ્વારા ઓકિસજન બોટલો શોધી ઓકિસજન આપી રહ્યા છે. કયારે હોસ્પિટલમાં સારવાર મળશે તેની રાહ જોવાઇ રહી છે. 

રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેકશન માટે પણ કતારો લાગેલી છે. કુંડાલીયા કોલેજ બહાર દર્દીઓના સ્વજનો વહેલી સવારથી કતારમાં ઉભા છે. કોલેજ બહાર લાઇનમાંથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. રાજકોટમાં રેમડેસિવિર ઈન્જેકશનની અછત આંખે ઉડીને દેખાઈ તેવી છે.

રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે બેડ નથી મળતા. ૫ ખાનગી હોસ્પિટલમાં કેપિસિટિ કરતા વધુ દર્દીઓ દાખલ છે. ૨૪૦ના કેપેસિટિ સામે ૨૬૧ દર્દીઓ દાખલ થયા છે. જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં પણ કેપેસિટી કરતા પણ વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ઓકિસજનની સમસ્યા સર્જાતા નવા દર્દીઓ ને દાખલ કરવામા હોસ્પિટલ ના પાડે છે.

(2:59 pm IST)