રાજકોટ
News of Saturday, 24th April 2021

વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા. ૨૪ થી ૧ મે સુધીની આગાહી

ગરમીનો પારો ૪૧ થી ૪૩ ડિગ્રીની રેન્જમાં : વાતાવરણમાં અસ્થિરતા

તા. ૨૫ થી ૨૮ (રવિથી બુધ) તાપમાન ૪૨ - ૪૩, તા. ૨૯ થી ૧ મે (ગુરૂ થી શનિ) ૪૦ થી ૪૨ ડિગ્રી વચ્ચે જોવા મળશે : અમુક સેન્ટરોમાં વધુ ગરમી અનુભવાશે : આગાહીના સમયગાળામાં ત્રણેક દિવસ છાંટાછૂટીની શકયતા : હાલ સૌરાષ્ટ્ર - ગુજરાતમાં નોર્મલ મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી ગણાય

રાજકોટ, તા. ૨૪ : વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ છે કે આગામી સપ્તાહ દરમિયાન અમુક સેન્ટરોમાં વધુ ગરમીનો અનુભવ થશે. આગાહીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં ત્રણેક દિવસ છાંટાછુટીની સંભાવના છે. તા. ૨૫ થી ૨૮ એપ્રિલ મહત્તમ તાપમાન ૪૨ થી ૪૩ ડિગ્રી વચ્ચે અને તા. ૨૯ થી ૧ મે સુધી તાપમાન ૪૧ થી ૪૨ ડિગ્રીની વચ્ચે જોવા મળશે. હાલ મહત્તમ નોર્મલ તાપમાન ૪૦ ડિગ્રી ગણાય.

તેઓએ જણાવેલ કે જેમ જેમ ઉનાળો આગળ વધી રહ્યો છે તેમ તેમ નોર્મલ મહત્તમ તાપમાન પણ વધતુ જાય છે. હાલમાં નોર્મલ મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી ગણાય. જેની સામે એક - બે દિવસથી તાપમાન એક - બે ડિગ્રી ઉંચુ જોવા મળે છે. જેમ કે અમદાવાદ - ૪૧.૯, સુરેન્દ્રનગર - ૪૧.૮, રાજકોટ - ૪૧.૭, અમરેલી - ૪૧, ડિસા - ૪૦.૮, વલ્લભ વિદ્યાનગર - ૪૦.૧ તાપમાન નોંધાયેલ. જયારે અન્ય સેન્ટરોમાં તાપમાન નોર્મલથી નીચુ નોંધાયેલ. વાદળોના લીધે તાપમાનમાં વધ-ઘટ જોવા મળે છે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ તા. ૨૪ થી તા. ૧ મે સુધીની આગાહી કરતાં જણાવે છે કે આગાહી સમયમાં પવન પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના ફૂંકાશે. પવનની ગતિ તા.૨૬-૨૮ અને ૧ મે સુધી ૧૫ થી ૨૫ કિ.મી. અને ઓછા દિવસોમાં પવનની ગતિ ૧૦ થી ૧૫ કિ.મી.ની જોવા મળશે. આજે ધાબડીયુ વાતાવરણના લીધે ગઈકાલ કરતા ગરમી ઓછી જોવા મળશે. પરંતુ તા. ૨૫ થી ૨૮ દરમિયાન તાપમાનની રેન્જ ૪૨ થી ૪૩ ડિગ્રીએ પહોંચી જશે. તા. ૨૯ થી ૧ મે સુધી મહત્તમ તાપમાન ૪૦ થી ૪૨ ડિગ્રી વચ્ચે જોવા મળશે. આગાહી સમય દરમિયાન કયારેક કયારેક વાદળા થાય જેના લીધે સૌરાષ્ટ્ર - ગુજરાતના અમુક સેન્ટરમાં વધુ ગરમી અને અમુક સેન્ટરોમાં નોર્મલ ગરમીનો અનુભવ થાય.

તા. ૨૭ એપ્રિલ આસપાસ ઉત્તર ભારતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસરકર્તા જોવા મળશે. જયારે સૌરાષ્ટ્ર-કચ્છ - ગુજરાતમાં ઓવરઓલ ઉપરા લેવલની અસ્થિરતા વધુ જોવા મળશે. જેથી આગાહી સમય દરમિયાન ત્રણ દિવસ છાંટાછુટીની સંભાવના છે. જયારે ઈન્ડિયા લેવલે વધુ વરસાદ જોવા મળશે.

(2:28 pm IST)