રાજકોટ
News of Saturday, 24th April 2021

કોવિડ-૧૯ પીડીયુ હોસ્પિટલ, સમરસ, કેન્સર હોસ્પિટલમાં આઉટ સોર્સ ટીમો સરકાર સાથે તાલથી તાલ મિલાવી કરી રહી છે કામગીરી

સિવિલમાં ૮૪૦ બેડ, સમરસમાં ૮૦૦ બેડ તથા સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે ૨૦૦ બેડની કોવિડ સુવિધાઓ સરકારે ઉભી કરી છે : પેશન્ટ એટેન્ડન્સ, નર્સિંગ સ્ટાફ, ઓકિસજન ઓપરેટર, ઇસીજી ટેકનીશીયન, લેબ ટેકનીશીયન, કાઉન્સેલર, ફાર્માસીસ્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર રાત દિવસ જોયા વગર બજાવી રહ્યા છે ફરજ

રાજકોટ તા. ૨૪: વૈશ્વીક મહામારી કોરોનાના સમયમાં રાજકોટ શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત કોવિડ-૧૯  હોસ્પિટલમાં ૮૪૦ બેડ, સમરસ હોસ્ટેલની કોવિડમાં ૮૦૦ બેડ, તથા સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે ૨૦૦ બેડની કોવિડ સુવિધાઓ સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ છે. આ તમામ શરૂ થયેલ કોવિડ હોસ્પિટલો ખાતે મેસર્સ, એમ. જે. સોલંકી અને મેસર્સ, ડી. જી. નાકરાણીની ટીમો સરકાર સાથે તાલથી તાલ મીલાવીને અવિરત કામગીરીમાં જોડાયેલ છે.

આ કોવિડ હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર માટે પેશન્ટ એટેન્ડેન્ટ, નર્સિંગ સ્ટાફ, ઓકિસજન ઓપરેટર, ઈ.સી.જી. ટેકનીશીયન, લેબ. ટેકનીશીયન, કાઉન્સેલર, ફાર્માસિસ્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર દિવસ–રાત જોયા વગર પોતાની ફરજ ખંભેથી ખંભો મિલાવીને નિભાવી રહયો છે. આ તમામ સ્ટાફ ખૂબ જ ટૂંકા ગાળામાં અમારા દ્વારા પુરો પાડવામાં આવેલ છે. જેને પરિપૂર્ણ કરવા માટે અમારા દ્વારા ફકત ગુજરાત જ નહીં તેમજ આજુબાજુના રાજયોમાંથી પણ અલગ-અલગ ટીમો બોલાવી કામગીરી કરાવવામાં આવી રહી છે.

દીર્દીની હોસ્પિટલ ખાતે એન્ટ્રીથી માંડીને એકઝીટ સુધી અમારો સ્ટાફ દરેક કેટેગરીમાં કામગીરી કરી રહયો છે. જેમાં દર્દીના કેસ કાઢવાથી લઈને દર્દીને જમાડવા, દૈનિક જરૂરીયાતો પુરી પાડવી, સારસંભાળ રાખવી, વગેરે કામગીરી કરે છે. જેમાં કોવિડને કારણે દર્દીઓ શારીરિક અને માનસિક રીતે નબળા પડે છે. જેને સારસંભાળમાં ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવે છે. દર્દીને ડિસ્ચાર્જ તેમજ અંતિમવિધી સુધીની કાર્યવાહી પણ અમારા કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે. આ પરિસ્થિતિમાં પણ અમારા ઘણા બધા કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનો સંક્રમિત થયેલ છે તેમછતાં ફરજને અગ્રીમસ્થાન આપી દરેક કર્મચારી પોતાની ફરજને પોતાનો ધર્મમાની ખૂબ જ ઝડપથી પોતાની ફરજ પરત ફરે છે અને દર્દીઓની સેવામાં લાગી જાય છે. તેમ મેસર્સ ટીમોના સંચાલકોએ જણાવ્યું હતું.

(1:09 pm IST)