રાજકોટ
News of Saturday, 24th April 2021

શ્યામને ગમે છે સાવ ખોટા જ કામઃ વધુ એક વખત નકલી ડોકટર બની હોટેલમાં કોવિડ હોસ્પિટલ ચાલુ કરી દીધી

કુવાડવા રોડ પર અગાઉ ડિગ્રી વગર જ્યાં હોસ્પિટલ ચાલુ કરી હતી અને અપહરણના ગુનામાં પણ પકડાયો હતો એ જ સ્થળે ફરી ગુનો આચર્યો : પ્રારંભે હોટેલમાં આઇસોલેશનની સુવિધા ચાલુ કરી, પણ બાદમાં કોવિડ હોસ્પિટલ ચાલુ કરી દર્દીઓને દાખલ કરી દીધા'તાઃ બી-ડિવીઝન પોલીસે દરોડો પાડી ગુનો નોંધ્યોઃ શ્યામ ફરાર, તેના પિતા હેમંત રાજાણીની ધરપકડઃ અગાઉ દવા ચોરીમાં સંડોવણી : પોલીસ પહોંચી તો આઠેક દર્દીઓને બાટલા ચડતા'તાઃ ઓકિસજન અપાતો હતોઃ એક દિવસનો ૧૮ હજાર ચાર્જ વસુલાતો'તોઃ દવાઓ-ઇન્જેકશન સહિતની સામગ્રી કબ્જે : એક તરફ તંત્રવાહકો, સેવાભાવીઓ દર્દીઓને બચાવવા રાત દિવસ એક કરી રહ્યા છે, બીજી તરફ લેભાગૂઓ લોકોની મજબૂરીનો લાભ ઉઠાવવા ઉતરી પડ્યા છે

રાજકોટ તા. ૨૪: શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા રોજબરોજ વધી રહી છે અને મૃત્યુ પણ ટપોટપ થઇ રહ્યા છે. સિવિલ કે ખાનગી હોસ્પિટલોમાં બેડ નથી, ઓકિસજન અને રેમડેસિવિર ઇન્જેકશનની પણ અછતની ફરિયાદો છે. આવા સમયે બીજા લોકોને મદદરૂપ થવાને બદલે કેટલાક લેભાગૂઓ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવવા મેદાને પડી ગયા છે. પૈસા લઇને સિવિલમાં કોરોના પેશન્ટને દાખલ કરાવી દેવાના કાવત્રાનો પર્દાફાશ કરી પ્ર.નગર પોલીસે બે શખ્સને પકડ્યા છે ત્યાં હવે બી-ડિવીઝન પોલીસે કુવાડવા રોડ પર રિલાયન્સના પંપ સામે આવેલી ધ ગ્રેટ ભગવતી હોટેલ એન્ડ રેસ્ટોરન્ટમાં દરોડો પાડી ડિગ્રી વગર હોટેલમાં કોવિડ-૧૯ હોસ્પિટલ ચાલુ કરી દઇ દર્દીઓને દાખલ કરી સારવાર કરી રોજના રૂ. ૧૮-૧૮ હજાર ભાડુ વસુલવાના કાવત્રાનો પર્દાફાશ કર્યો છે. અગાઉ પણ અહિ નકલી ડોકટર બની હોસ્પિટલ ચલાવનારો શ્યામ રાજાણી હાથમાં આવ્યો નથી, તેના પિતા હેમત રાજાણીને પોલીસે દબોચી લઇ તપાસ શરૂ કરી છે.

બી-ડિવીઝન પોલીસે બાતમી પરથી દરોડો પાડી તપાસ કરતાં હોટેલની અંદરના અલગ અલગ રૂમોમાં દર્દીઓ દાખલ જોવા મળ્યા હતાં. કેટલાકને ઓકિસજનના અને કેટલાકને બીજા બાટલા ચડાવવામાં આવતાં હતાં. પોલીસે દર્દીના સગા સંબંધીઓને પુછતાં જાણવા મળ્યું હતું કે આ કોવિડ-૧૯ હોસ્પિટલ છે અને ડો. શ્યામ રાજાણી સારવાર કરે છે. એક દર્દી પાસેથી એક દિવસની ફી રૂ. ૧૮ હજાર લેવામાં આવે છે.

પોલીસે હોટેલના માલિક હેમતભાઇ  દામોદરભાઇ રાજાણી (ઉ.વ.૬૧-રહે. મોરબી રોડ સેટેલાઇટ ચોકથી આગળ રાધામીરા સોસાયટી પાસે ગુરૂદેવ રેસીડેન્સી)ની પુછતાછ કરતાં તેણે કબુલ્યું હતું કે તમામ દર્દીની સારવાર તેનો દિકરો ડો. શ્યામ રાજાણી કરે છે અને દવાઓ, ઓકિસજન પણ આપે છે. પોતે તેને આ કામમાં મદમ કરે છે, રાત્રીના સમયે પોતે અહિ રોકાઇને દર્દીનું ધ્યાન રાખે છે.

પોલીસે તેના દિકરા શ્યામની ડોકટરની ડિગ્રી બતાવવાનું કહેતાં અને કોવિડ હોસ્પિટલ ચાલુ કરી તેની સરકારની મંજુરી મેળવી હતી કે કેમ? તેના આધાર પુરાવા છે કે કેમ? તે અંગે પુછતાં હેમતભાઇએ ગલ્લા તલ્લા ચાલુ કર્યા હતાં. એ પછી દિકરા શ્યામ પાસે ડોકટરની કોઇ જ ડિગ્રી નહિ હોવાનું કહ્યું હતું. પોલીસે પોકેટ કોપ એપમાં સર્ચ કરતાં શ્યામ રાજાણી વિરૂધ્ધ અગાઉ ૧૪/૧/૧૯ના રોજ બી-ડિવીઝનમાં આઇપીસી ૪૧૯, ૪૨૦, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૪૭૩, ધી ગુજરાત મેડિકલ પ્રેકટીશ એકટની કલમ ૩૦ મુજબ અપહરણ તથા ડિગ્રી વગર હોસ્પિટલ ચલાવી સરવાર કરવાનો ગુનો નોંધાયાનું તેમજ પિતા હેમતભાઇ વિરૂધ્ધ સિવિલ હોસ્પિટલમાંથી દવા ચોરવાનો ગુનો નોંધાયાનું ખુલ્યું હતું. હેમતભાઇ અગાઉ સિવિલમાં ફરજ બજાવી ચુકયા છે.

પોલીસે હોટેલમાં શરૂ થઇ ગયેલી કોવિડ હોસ્પિટલમાંથી દવાઓ, ઇન્જેકશન, ગેસના બાટલા, ગ્લુકોઝના બાટલા સહિતની તબિબી સારવાર માટેની સામગ્રીઓ અને બીજી ચીજવસ્તુઓ કબ્જે કરી હતી. વધુ એક વખત શ્યામ અને પિતા હેમતભાઇ વિરૂધ્ધ આઇપીસી ૪૨૦, ૪૬૯, ૨૭૦, ૧૧૪ અને ડીગ્રી વગર તબિબી સારવારકરવા અંગે ધી ગુજરાત મેડિકલ પ્રેકટીસ એકટની કલમ ૩૦ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૩ મુજબ ગુનો નોંધાયો છે. શ્યામ હાજર ન હોઇ હાલ તેના પિતા હેમતભાઇની ધરપકડ કરી છે. છ દિવસ પહેલા જ હોસ્પિટલ ચાલુ કર્યાનું તેણે રટણ કર્યુ છે.

શરૂઆતના એક બે દિવસ હોટેલમાં માત્ર હોમ આઇસોલેશન (કોરોના પોઝિટિવ દર્દીઓ માત્ર રહી શકે) સુવિધા ચાલુ કરી હતી. એ પછી દર્દીઓને દાખલ કરી હોસ્પિટલ ચાલુ કરી દેવામાં આવી હતી.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલના માર્ગદર્શન અને સુચના મુજબ પીઆઇ એમ. બી. ઓૈસુરા, પીએસઆઇ બી. બી. કોડીયાતર, એએસઆઇ વીરમભાઇ ધગલ, સલિમભાઇ માડમ, હેડકોન્સ. અજયભાઇ બસીયા, કોન્સ. હેમેન્દ્રભાઇ વાધીાય, પરેશભાઇ સોઢીયા, ચાંપરાજભાઇ ખવડ, જયદિપસિંહ બોરાણા, વિશ્વજીતસિંહ ઝાલા, નીરવ વઘાસીયા, ભાવેશભાઇ વાસાણી સહિતે આ કામગીરી કરી હતી.

(12:02 pm IST)